Essay Archives

જીવનમાં હમેશાં નમ્ર બનશો, તો આકાશની ઊંચાઈ પામી શકશો

ઘણી વાર માનવી પોતાના અહમ્ અને અભિમાનમાં જ રાચતો જોવા મળતો હોય છે. તેને કોઈ સાચો જ્ઞાની મળી જાય અને કહે કે ભાઈ! તું દેહ નથી પણ આત્મા છે, એ સ્થિતિમાં પણ જો તેનામાંથી અહમ્ અને મમત્વ ગયું નહી હોય તો તે અભિમાની વ્યક્તિ આખી દુનિયાને કહેતો ફરશે કે ‘હું જ છું’. હવે આનાથી મોટું કોઈ અસત્ય નથી. તમે જે ધારો છો, તમે જે કહો છો, તમે જે બોલો છો એ તમે નથી જ. તમે દેહ નહીં પણ આત્મા છો અને જો એ વાત જીવનમાં ઉતારી લેશો કે તમે આત્મા છો તો તરત જ તમારામાં એક ગુણ આવી જશે અને તે છે, નમ્રતા.
ભગવાન બુદ્ધના જીવનનો પ્રસંગ છે. ગૌતમ જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં હતા અને તે દરમિયાન એક ક્ષણ, એક ઘડી એવી આવી ગઈ કે તેમને નિર્વાણ સ્થિતિ પ્રાપ્ત થવાની હતી ત્યારે આખી સૃષ્ટિ સમગ્ર કુતૂહલતાથી સજાગ બની ગઈ. પશુ-પંખી, કીડી-મંકોડા, દેવી-દેવતાઓ બધાને એ જાણવાની ઇંતેજારી હતી કે ગૌતમ, બુદ્ધ બન્યા પછી, જ્ઞાની બન્યા પછી સૌપ્રથમ કઈ ક્રિયા કરશે?
જ્યારે બુદ્ધ જ્ઞાન-અવસ્થા પ્રાપ્ત કર્યા પછી આંખ ખોલે છે ત્યારે આખી સૃષ્ટિ સમક્ષ જોઈને સૌપ્રથમ દંડવત કરે છે. પછી તેઓ કહે છે કે ‘તમારા સૌનો આભાર, તમારા લીધે હું છું. મારા લીધે તમે નહીં.’ ખરેખરું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આભારવૃત્તિ પ્રગટે છે, અહંકારવૃત્તિ નહીં. જ્ઞાન એટલે શું? આ સૃષ્ટિ, આ ભગવાન, આ સંત અને તમારી આજુબાજુ જે છે, તેને લીધે તમે છો. વિચાર કરજો કે તમે જ્યારે બાળક હતા ત્યારે તમને વિચારવાની, સમજવાની, બોલવાની કોઈ ક્ષમતા નહોતી ત્યારે તમે કેવી રીતે જીવ્યા? બીજાને આધારે. કોઈકે જમાડ્યું ત્યારે જમ્યા, કોઈકે શીખવ્યું ત્યારે ચાલ્યા, તમને ઠંડી લાગે ત્યારે ઓઢવાની પણ તાકાત હતી? કોઈ જ તાકાત નહોતી.
When we were born, we survived because of others and when we will become old, we will survive because of others. (આપણે જ્યારે જન્મ્યા ત્યારે બીજાને આધારે જીવ્યા છીએ અને આપણે જ્યારે વૃદ્ધ બનીશું ત્યારે આપણું જીવન બીજાને આધારે જિવાશે), પણ વચમાં આપણને ભ્રમણા થઈ ગઈ છે કે... Somehow in the middle we mistakenly think that others survive because of us; but in reality we always survive because of others... વચમાં આપણને ગેરસમજ થઈ જાય છે કે મારા લીધે બીજા જીવે છે, પરંતુ હકીકત તો એ છે કે જન્મથી લઈને વૃદ્ધાવસ્થાના મધ્યગાળામાં પણ તમે બીજાના આધારે જ જીવો છો.
જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી નમ્રતાની જરૂર હોય છે. જીવનમાં તમે નમ્ર બનીને રહો. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પાસેથી ‘નમ્રતા’નો ગુણ આત્મસાત્ કરવાનો છે. ઘણા ઉત્સવ, સમૈયા થાય, મોટાં-મોટાં મંદિરો થાય ત્યારે પ્રમુખસ્વામી મહારાજ એક જ વાત કહે છે કે ‘આ તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની કૃપા અને સંતો-હરિભક્તોની મહેનતથી થયું છે.’
પ્રમુખસ્વામી મહારાજ પાસેથી આપણે ક્યારેય સ્વપ્નમાં પણ ‘હું’ શબ્દ સાંભળ્યો નથી. બીજી તરફ આપણે ‘હું’ શબ્દ ભૂલી શકતા નથી. પ્રમુખસ્વામી મહારાજ આપણને સમજાવે છે કે ‘જીવનમાં નમ્ર બની રહેવું.’ નમ્રતા રાખવી એ જ સત્પુરુષ આપણને શીખવે છે.
એક વાર મહુધાની અંદર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બિરાજમાન હતા તે સમયનો પ્રસંગ છે. પ્રમુખસ્વામી મહારાજની બાજુમાં ધર્મચરણ સ્વામી, ભગવદ્ચરણ સ્વામી વગેરે સંતો બેઠા હતા. તે સમયે પ્રમુખસ્વામી મહારાજે કેવી વિરાટ સંસ્થાનું નિર્માણ કર્યું છે, ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું, અનેક માનવઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરવી, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્કૂલોનું નિર્માણ કરવું, લાખો લોકોને અંતરમાં શાંતિ આપવી - આ બધી વાત થઈ રહી હતી ત્યારે મારાથી કહેવાઈ ગયું કે ‘સ્વામીશ્રી! આપની મોજડીમાં કોઈના પગ પ્રવેશ કરી શકે એમ છે જ નહીં, આપની દયાથી સંસ્થા એવી પુરપાટ ગતિએ ચાલે છે કે કોઈ દોડીને પણ પહોંચી શકે એમ છે જ નહીં. સ્વામીશ્રી! આપ સ્વયં આપના કાર્યનું લિસ્ટ બનાવો તો તમને જ આશ્ચર્ય થશે કે કોઈનાથી આવું વિરાટ કાર્ય થાય? આપને જ આપના માટે અહોભાવ થશે કે આ કોણ છે કે આટલું કાર્ય કરે છે? આપ આપના કાર્યનું લિસ્ટ તો બનાવો.’ તે સમયે પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપ્યો કે ‘તમે બધા મને કહો છો કે લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો... પણ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજમાંથી કોઈએ લિસ્ટ બનાવ્યું હતું? જો એવું માનીએ કે ‘હું કરું છું’ તો લિસ્ટ બનાવીએને? આપણે ક્યાં કશુંય કરીએ છીએ? ભગવાન અને ગુરુની દયાથી બધું થાય છે.’
બીજી તરફ સામાન્ય લોકો તો જૂનાં લિસ્ટ લઈને ફરે અને ભલે કાર્ય કોઈ બીજાએ કર્યું હોય, પરંતુ તેની ક્રેડિટ કે તેનું શ્રેય સ્વયં લેતા હોય છે. એક વાર એક હાથી અને કીડી પુલ ઉપર થઈને પસાર થતાં હતાં. પુલ ઉપર ચાલતા હતા ત્યારે પુલ હલવા લાગ્યો અને પુલ પસાર કરી લીધા પછી બીજી તરફ પહોંચ્યા પછી કીડીએ હાથીના ઉપર હાથ રાખીને કહ્યું કે ‘જોયું! આપણે બંનેએ ભેગા થઈને આખેઆખો પુલ હલાવી નાખ્યો ને!’ એવું પણ બનતું હોય છે કે કામ કરે સ્વામીશ્રી અને મૂછો મરડીએ આપણે. ઘણા હરિભક્તો લોકોને કહેતા હોય છે કે લંડન જાવ તો અમને કહેજો, ત્યાં આપણું મંદિર છે. અરે ભાઈ! પણ આપે તે મંદિર માટે શું યોગદાન કર્યું? કઈ સેવા કરી? પથ્થર ઉપાડ્યા? અરે! લંડન જોયું પણ ના હોય તોપણ યશ લઈ લઈએ. આ તો સ્વામીશ્રી દયા કરે છે, મફતમાં આપણને યશ અને શ્રેય આપે છે.
ઘણી વાર માનવ આખી જિંદગી પોતાના અભિમાનમાં જ રાચે છે. આનું એક ખૂબ જ સીધું અને સચોટ દૃષ્ટાંત છે. એક વાર એક વ્યક્તિ દરિયાકિનારે ગઈ ત્યારે તેણે દરિયામાં લઘુશંકા કરી. પછી આખી જિંદગી એ વ્યક્તિ દરિયાકિનારે જ ફરવા લાગી એ જોવા માટે કે દરિયાની સપાટી કેટલી ઊંચી આવી? ક્યારેક માનવ સાવ ક્ષુલ્લક કાર્ય માટે ખોટા મદમાં અને દંભમાં રાચતો હોય છે કે ‘આ કાર્ય મારા થકી થયું’ અથવા ‘હું કરું છું’ એવું અભિમાન પણ આવી જાય છે, પરંતુ આવાં કાર્યો તો નગણ્ય હોય છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે આ દુનિયામાં ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પરંતુ જો તમે અહંથી ભરેલા હો તો એ સિદ્ધિ તમને શોભતી નથી. જો આપણે હૃદયપૂર્વક નમ્ર બનીશું અને આ નમ્રતાને પ્રેમપૂર્વક સાચવી શકીશું તો આપણી જાતને આપણે ખીલવી શકીશું.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS