Essay Archives

કોઈપણ વ્યક્તિની મોટામાં મોટી વિશેષતા કઈ ગણાય? એણે શું મેળવ્યું છે, એ? કે એણે કેવાં કાર્યો કર્યાં છે, એ? કે એણે કેટલાં લોકોને પોતાના હાથ નીચે રાખ્યાં છે, એ? કે એણે કેટલાં લોકોનો પ્રેમ આપ્યો છે, એ? દુનિયાના મોટામાં મોટા માણસથી લઈને અદનામાં અદના કદના માનવીને પૂછો તો એક જ જવાબ મળશે કે પ્રેમ આપનાર વ્યક્તિ જ મોટામાં મોટી છે. પ્રેમ પિયુષ પીનાર અને પાનાર બંને અમર બની જાય છે.
પ્રેમ. મનુષ્યને ઈશ્વરે આપેલી મોટામાં મોટી બક્ષિશ. પરંતુ છૂટ્ટે હાથે પ્રેમની લ્હાણી કરનારા, એની મહેફિલ સજાવી રંગત લૂંટાવનારા કેટલા થઈ ગયા? ગણ્યાં ગાંઠ્યાં જ તો! કેમ? કારણ કે આ કામ દેખાય છે એટલું સહેલું નથી. આને માટે વ્યક્તિએ પોતાનું સમસ્ત લૂંટાવી દેવાની તૈયારી રાખવી પડે છે. શક્ય છે કે આખું ને આખું જીવન પણ એમાં હોમાઈ જાય. પણ એમ કરનારને લોકો ક્યારેય ભૂલી શકતા નથી. પ્રમુખસ્વામી મહારાજ એવા પુરુષ હતા. હજારો નહીં પરંતુ લાખોને, પોતાના આશ્રિતોને જ નહીં પરંતુ એકાદવાર મળી ગયેલ વ્યક્તિને પણ, એની ભૂતકાળ અને વર્તમાનકાળની પરિસ્થિતિની જાણ સહિત, અને ખાસિયતો સહિત, તેઓ ઘણાં વર્ષો પછી પણ ઈદમ્ યાદ રાખી શકતા હતા, એનું કારણ એમની મેધાવી યાદશક્તિ નહોતી, કે એમની પાસે કોઈ સુપર કોમ્પ્યુટર પણ નહોતું. એ તો કેવળ એમનો પ્રેમ હતો કે જે બધાને પોતાના હૃદયમાં સ્થાન આપતો હતો.
વર્ષ ૧૯૭૭. દિવાળી પછી બેસતા વર્ષના દિવસે સવારે ચાર વાગે અમદાવાદમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે ન્યુયોર્કથી ફોન આવ્યો. ફોન કરનારા હતા પ્રમુખસ્વામી પોતે. સ્વામીશ્રીએ તમામ સંતો સાથે વાત કરી. એ પછી એમણે એકાએક રાયચંદ રબારીને યાદ કર્યો. એ ત્યાં હાજર હતો. તો એની સાથે પણ વાત કરી. રાયચંદને તો એ સ્વપ્નવત્ લાગ્યું કે આવડી મોટી સંસ્થાના ગુરુ મારા જેવા સામાન્ય ગૌશાળાના સેવકને છેક અમેરિકાથી બેસતા વર્ષના દિવસે ફોન કરીને યાદ કરે છે! અરે એમની આગળ હું છું કોણ! પરંતુ એને કલ્પના નહોતી કે પ્રેમસાગરના તીરે કોઈ નાના-મોટા નથી.
તા.૨-૧૨-૯૨, ગાંધીનગર. યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ રંગેચંગે ચાલી રહ્યો હતો. વિશાળ સભામંડપમાં હજારો હરિભક્તોની વચ્ચે એક ખૂણે એક મહાનુભાવ લપકીને બેસી ગયા હતા. એ હતા ડિઝાઇનર શ્રી દશરથભાઇ પટેલ, કે જેમણે વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામના નિર્માણમાં મહત્વપૂર્ણ સેવાઓ બજાવી હતી. કાર્યક્રમના ભાગરૂપે આ પ્રચંડ ભીડની વચ્ચેથી જ સ્વામીશ્રીને ખુલ્લી જીપમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ માહોલમાં એ કોઈને બોલાવે તો શું, ઓળખી પણ શકે એમ હતું નહીં. પરંતુ એમની ચકોર દ્રષ્ટિએ ખૂબ દૂર ખૂણામાં બેઠેલા દશરથભાઈને ઓળખી લીધા અને તરત એમને નજીક બોલાવ્યા, એટલું જ નહીં એમને પોતાને સન્માન માટે પહેરાવેલ હાર એમણે દશરથભાઈને પહેરાવી દીધો. જાણે કે મૂક વાણીમાં એમની સેવાની કદર કરી લીધી. દશરથભાઈની આંખો અને હૈયું બંને ભીંજાઈ ગયાં.
એ જ યોગી શતાબ્દીનો ઉત્સવ પૂર્ણ થયો ત્યારે સ્વયંસેવકોની અભિવાદન સભામાં સ્વામીશ્રી અત્યંત આર્દ્રભાવથી બોલવા લાગ્યા ‘આપ સૌએ ખૂબ જ સેવા કરી છે. આપની કદર કઇ રીતે કરવી? હું આપ સૌને દંડવત્ પ્રણામ કરું છું.‘ તો વળી પોતાનો અમૃત મહોત્સવ ૧૯૯૫માં મુંબઈમાં ઉજવાયો હતો એની પૂર્ણાહુતિ પ્રસંગે સ્વયંસેવકોએ જ્યારે એમને પુષ્પહાર પહેરાવ્યો, તો એ પુષ્પહાર એમણે ઊંચો કર્યો અને તમામ સ્વયંસેવકોને પોતાના આસન પરથી બેઠાં-બેઠાં જાણે પહેરાવતા હોય એમ કરીને ભાવભીના સ્વરે કહ્યું ‘તમે મને હાર પહેરાવ્યો, પરંતુ હાર તો મારે તમને પહેરાવવો છે. એટલે આ હાર હું તમને બધાને…‘ એટલું બોલતાં તો એમના ગળે ડૂમો ભરાઈ ગયો.
આ જ અમ્રુત મહોત્સવની પૂર્ણાહુતિ સભામાં ઉપસ્થિત એક લાખથી વધુ હરિભક્તોને આશીર્વાદ આપતી વખતે એમણે કહ્યું કે ‘તમે બધા દૂરદૂરથી આવ્યા છો. મારે તમને બધાને મળવું છે, પરંતુ અત્યારે શક્ય નથી તો માફ કરશો, રાજી રહેશો…..‘ આટલું બોલતાં-બોલતાં તો તેઓની આંખમાં આંસુ આવી ગયા. તેઓ આગળ કશું જ બોલી શકયા નહીં. પ્રેમસાગર પોતાના જ ઊછળતાં પ્રેમ-પ્રવાહને ખાળી ન શક્યો! પોતાના ગુરુનો પોતાના પ્રત્યેનો આવો છલકાતો પ્રેમ પામનાર ઉપસ્થિત તમામની પરિસ્થિતિ પણ એવી જ થઈ હતી.
રશિયાના પ્રખ્યાત ચિંતક ટોલ્સ્ટોય કહે છે ‘તમે કોઈપણ વ્યક્તિ ઉપર આખી જિંદગી પ્રેમ રાખી શકો છો એમ કહેવું એટલે એમ કે તમે જીવશો ત્યાં સુધી એક મીણબત્તી સળગતી રહેશે‘- આનો અર્થ એમ થયો કે કોઈ પણ માણસ આખી જિંદગી સુધી અન્ય વ્યક્તિને પ્રેમ ન આપી શકે. પરંતુ પ્રમુખસ્વામી? એમનો પ્રેમ દરેક ઉપર એકસરખો અને કાયમી રહ્યો હતો. એ જ એમની વિશેષતા હતી અને દુર્લભતા પણ હતી.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS