Essays Archives

૧૯૯૨માં ગાંધીનગરમાં યોજાનાર યોગી શતાબ્દી મહોત્સવની પૂર્વતૈયારીઓ ચાલતી હતી. દિવસો થોડા ને કામ ઝાઝાં હતાં. ચારે તરફથી સ્વયંસેવકો, કારીગરો અને મજૂરોનો ફોર્સ કામે લગાડ્યો હતો. છતાં મનમાં પૂરેપૂરી દહેશત હતી કે કેટલાંય કામ હજુયે અધૂરાં છે, તે કેમ કરીને પૂરાં થશે ? સ્વામીશ્રી ગાંધીનગરમાં જ ગોરધનભાઈ પટેલના બંગલે સેક્ટર-૨૯માં બિરાજમાન હતા, પરંતુ એમની પાસે જવાની હિંમત ન ચાલે. કારણ કે જઈએ ને પ્રશ્નો પૂછે, કેટલું કામ થયું- એ રિપોર્ટ માગે તો બાકી કામનું લિસ્ટ જ મોટું બને તેમ હતું. ઉદ્‌ઘાટનને અઠવાડિયું જ બાકી રહ્યું હતું. કામનું ટૅન્શન અને ચિંતા સાથે અમે કેટલાક સંતો ચર્ચા કરી રહ્યા હતા. સૌએ વિચાર્યું કે ચાલો, સ્વામીબાપાનાં દર્શન તો કરી આવીએ ! પછી વિચારીશું.
અમે હિંમત કરીને પહોંચ્યા. સ્વામીશ્રીએ ઉકાળાપાણી કરી લીધાં હતાં. મુલાકાતીઓ નહીંવત્‌ હતા. અમે દંડવત્‌ કરી પગે લાગ્યા એ સાથે જ સ્વામીશ્રી આનંદમાં આવી ગયા, 'આવો, બેસો બધા...' અમે કંઈક વાત કરીએ તે પહેલાં જ
સ્વામીએ કહ્યું : 'આ નિખિલેશ સ્વામી બહુ ટૅન્શનમાં છે કે કામ પતશે કે નહીં?..'
મેં કહ્યું : 'ટૅન્શન તો ખરું જ ને વળી, કામ પતશે કે નહીં એ જ ચાલતું હોય છે મનમાં !'
સ્વામીશ્રી ભારે હળવાશથી અને છતાં અખૂટ આત્મવિશ્વાસથી બોલી ઊઠ્યા, 'ચિંતા ન કરવી સમજ્યા?' પછી કહે : 'જા, તારામાં વાસુદેવનો પ્રવેશ કરવો છે... બધું કામ પતી જશે...'
'પણ મારા એકલાથી થોડું બધુ _થવાનું છે ?' મેં દલીલ કરી.
સ્વામીશ્રીની ખુમારી ફરીથી છલકી આવી : 'બધામાં મહારાજ ૧૦૦ ટકા પ્રવેશ કરશે. આપણે ક્યાં કંઈ કરનાર છીએ? બધું એમને માથે છોડી દેવું...' પછી માર્ગદર્શન આપતા પ્રેમથી કહેઃ 'મહારાજને ધારીને મંડવું. યોગીબાપાનો ઉત્સવ છે, એ જ બધું પાર પાડી આપશે...'
સ્વામીશ્રી એટલા પ્રેમ-હેત-આત્મીયતા અને અપાર શ્રદ્ધાથી બોલી રહ્યા હતા કે અમારું બધું જ ટૅન્શન બાષ્પીભૂત થઈને ઊડી ગયું. ભગવાનના પ્રવેશનો કે કર્તા-હર્તાપણાનો પાવર એમણે સિંચી દીધો. એ પછી કાર્યનો એટલો ઉત્સાહ વધ્યો કે સૌએ રાત-દિવસ જાગી સેવાઓ પૂરી કરી. જે સંજોગોમાં બીજો નેતા સ્વયં ટૅન્શનમાં આવી જાય અને સહાયકોને ટૅન્શનમાં મૂકી દે, એ સંજોગોમાં સ્વામીશ્રીએ સ્વયં હળવાફૂલ રહી સૌમાં 'વાસુદેવનો પ્રવેશ' કરાવી દીધો. મારાં અનેક સંસ્મરણોમાં આ શિરમોરરૂપ પ્રસંગ છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS