Essays Archives

અંતે અક્ષરધામમાં પુરુષોત્તમની પ્રાપ્તિ - परात्परं पुरुषमुपैति

‘वेदान्तविज्ञानसुनिश्र्चितार्थाः संन्यासयोगाद् यतयः शुद्धसत्त्वाः। ते ब्रह्मलोकेषु परान्तकाले परामृताः परिमुत्व्यन्ति सर्वे॥’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૬) હે શૌનક! જે લોકોએ ‘वेदान्त’ કહેતાં ઉપનિષદોમાં નિરૂપાયેલ 'વિજ્ઞાન'નો કહેતાં બ્રહ્મવિદ્યાનો સારી રીતે નિશ્ચય કર્યો છે, તેવા નિર્મળ અન્તઃકરણવાળા યતિઓ અંતે પરમાત્મા જે સ્થાનમાં રહે છે તેવા બ્રહ્મલોકને - અક્ષરધામને પામી પોતે પણ આત્યંતિક મુક્તિને પામે છે. ત્યાંથી સંસાર-પ્રવાહમાં પાછા આવતા નથી.
વળી, હે શૌનક! જે વ્યક્તિ આ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મવિદ્યાને જાણે, કહેતાં અક્ષર અને પુરુષોત્તમ એમ બે દિવ્ય તત્ત્વોનાં સ્વરૂપને બરાબર સમજે તો, ‘विद्वान् नामरूपाद् विमुक्तः परात्परं पुरुषमुपैति दिव्यम्’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૮) 'તે વિદ્વાન આ દુન્યવી નામ-રૂપ વગેરેથી મુક્ત થઈ, અક્ષરધામમાં જઈ, તે ધામમાં રહેલા અક્ષરથી પણ પર એવા દિવ્ય પરમાત્માને પામી જાય છે.'
આમ, જે ફળ બીજા કોઈ સાધનથી ન મળે તે આત્યંતિક મુક્તિનું ફળ બ્રહ્મવિદ્યાથી મળે તે જણાવ્યું.

આ જ છે સનાતન સત્ય - तदेतत् सत्यम्

આ રીતે ‘अथ परा’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૫) 'હવે હું તને પરાવિદ્યાનો ઉપદેશ કરીશ' એમ બ્રહ્મવિદ્યાના નિરૂપણની પ્રતિજ્ઞા કરીને, ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) 'જેના વડે ‘अक्षरम्’ કહેતાં અક્ષરબ્રહ્મ અને ‘पुरुषम्’ કહેતાં પુરુષોત્તમ પરબ્રહ્મ, એમ બંને સ્વરૂપોનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય.' એમ બ્રહ્મવિદ્યાનું લક્ષણ કરીને આ આખાયે ઉપનિષદમાં અક્ષર અને પુરુષોત્તમનાં દિવ્ય સ્વરૂપ, તેમના ગુણો તથા ઐશ્વર્યોને સમજાવ્યા. તે સ્વરૂપોનો, તેમના દિવ્ય ગુણો તથા ઐશ્વર્યોનો સાક્ષાત્કાર કરવાની રીત પણ સમજાવી અને અંતે તેનાં દિવ્ય સુખમય ફળ પણ જણાવ્યાં. આમ, બ્રહ્મવિદ્યાની સમગ્રતાને ઉદ્ઘાટિત કરી મુનિ અંગિરા પોતાના ઉપદેશનું સમાપન કરતાં કહે છે, ‘तदेतत् सत्यम्’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૧૧) હે સોમ્ય! શૌનક! આ અત્યાર સુધી જે વાતો મેં તને કહી, આ જ પરમ સત્ય છે. પરમ સનાતન સિદ્ધાંત છે, કહેતાં તેમાં સંશય ના કરીશ.

આમ, એક પરમ સત્યના, પરમ સનાતન સિદ્ધાંતના અદ્ભુત નિરૂપણ સાથે આ ઉપનિષદનું સમાપન થાય છે. ‘नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૧૧) એમ કહી અંતે આવા અદ્ભુત અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના ઉદ્ઘોષક ૠષિવર્યને પણ નમસ્કાર કર્યા છે. આવો આપણે પણ તેમને નમન કરીએ.

ઉપસંહાર

મુંડક ઉપનિષદમાં છલોછલ ઊભરાતો બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપણે જાણ્યો, માણ્યો. ભગવાન શ્રીસ્વામિનારાયણે આ જ ઉપદેશોને સારરૂપે સરળ શૈલીમાં વચનામૃતમાં ગાગરમાં સાગરની જેમ ભરી દીધા છે. જુઓ, આ રહ્યાં તેમનાં વચનો, ''હવે જે બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું જે, 'જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહિ ને એના અંશ પણ થાય નહિ. એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે, માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક્ હોય નહિ. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.'' (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ - ૩)

ઉપનિષદ અને વચનામૃતમાં નિરૂપાયેલ આ બ્રહ્મવિદ્યાને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજ શ્રીયજ્ઞપુરુષદાસજીએ તો ગગનચુંબી મોટાં મંદિરો કરી તેમાં અક્ષર અને પુરુષોત્તમની ભવ્ય મૂર્તિઓ પધરાવી મૂર્તિમાન જ કરી દીધી! તેમાં પણ ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં વર્ણવેલ એ અક્ષરબ્રહ્મ એટલે આ શ્રીગુણાતીતાનંદ સ્વામી છે. અને પુરુષોત્તમ પરબ્રહ્મ એ શ્રીસહજાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એ સ્પષ્ટ સમજણ સમગ્ર ભૂમંડળમાં પ્રસરાવી છે. અને આજે એ જ અક્ષરબ્રહ્મનું પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ શ્રીપ્રમુખસ્વામી મહારાજ પણ આ જ સનાતન સિદ્ધાંતોના પાયા વધુ ને વધુ ઊંડા અને મજબૂત બનાવતા જાય છે.

આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ કે પરાવિદ્યાની, એટલે કે બ્રહ્મવિદ્યાની, એટલે કે અધ્યાત્મવિદ્યાની એટલે કે અક્ષર-પુરુષોત્તમ સિદ્ધાંતની, એ સિદ્ધાંતના જ મૂર્તિમાન સ્વરૂપસમા આવા પ્રગટ ગુરુહરિ દ્વારા આપણને પ્રાપ્તિ થઈ છે.

આ ઉપનિષદની રીતે શ્રોત્રિય, બ્રહ્મ, નિષ્ઠ ગુરુહરિને નમન કરી વિરમીએ. ॐ नमो नारायणस्वरूपाय। અસ્તુ.           


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS