• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

આ રીતે શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે તો સાક્ષાત્કાર તેનું પરિણામ છે. આમ પરમાત્માના સાક્ષાત્કાર માટેની ઉત્તમ રીત યાજ્ઞવલ્ક્યજીએ દર્શાવી.
હવે આ રીતે જે વ્યક્તિ પોતાના જીવનમાં પરમાત્માના સ્વરૂપનાં શ્રવણ, મનન, નિદિધ્યાસનને આત્મસાત્ કરે તો તેને કેવો અમૂલ્ય લાભ થાય છે તે જણાવતાં યાજ્ઞવલ્ક્ય કહે છે - 'मैत्रेय्यात्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्वं विदितम्।' (બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૫) હે મૈત્રેયી! તે પરમાત્માને જેણે સાચી રીતે જોઈ-સાંભળી લીધા, તેનું મનન કરી, નિદિધ્યાસન કરી તેનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લીધો, તે બધું જ જાણી ચૂક્યો છે. તેને હવે બીજું કાંઈ જોવા-સાંભળવાનું, જાણવાનું કે મનન કરવાનું બાકી રહેતું નથી. બસ, મૈત્રેયી! અમૃતત્વને પામવાનું આ જ જ્ઞાન છે. તે મેં તને કહ્યું - એ પરમાત્માનાં સાક્ષાત્કારની હવે મને તાલાવેલી લાગી છે. તેથી જ તો પરમાત્માના સ્વરૂપનાં મનન, નિદિધ્યાસનની વિશેષ તક મળી રહે તે હેતુથી અરણ્ય-એકાંતમાં જવા નિર્ધાર્યું છે.'
પતિદેવના મુખે અધ્યાત્મઉપદેશ સાંભળી મૈત્રેયી કૃતકૃત્ય થઈ ધન્યતા અનુભવવા લાગી.
આમ પતિ-પત્નીનો બ્રહ્મગોષ્ઠિ સમો આ વિરલ સંવાદ તત્ત્વવિચારણામાં અદકેરાં સ્થાને વિલસી રહ્યો છે.

જનક-યાજ્ઞવલ્ક્ય આખ્યાન

'जनको ह वैदेहो बहुदक्षिणेन यज्ञेनेजे'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૧) વિદેહ નામના પ્રદેશનો જનક નામે રાજા હતો. તેણે એક સમયને વિષે 'બહુદક્ષિણાક યાગ' કર્યો. તેમાં આજુબાજુના ભૂદેવો તથા પંડિતો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. 'तस्य ह जनकस्य वैदेहस्य विजिज्ञासा बभूव'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૧) ત્યારે આટલો મોટો બ્રાહ્મણ-પંડિતોનો સમૂહ જોઈ રાજાને એક વિશિષ્ટ જિજ્ઞાસા જાગી કે - 'कःस्विदेषां ब्राह्मणानामनूचानतम इति' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૧) આ બ્રાહ્મણ પંડિતોમાં કોણ શ્રેષ્ઠ જ્ઞાની છે? પણ નિર્ણય કઈ રીતે કરવો? અંતે જનકને ઉપાય સૂઝ્યો. 'स ह गवां सहस्रमवरुरोघ।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૧) તેણે ૧,૦૦૦ ગાયો મંગાવી. કેવી હતી એ ગાયો? 'दश दश पादा एकैकस्याः शृङ्गयोराबद्धा बभूवुः।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૧) દરેક ગાયના બંને શીંગડે ૧૦-૧૦ સોનામહોરો શણગારરૂપે લગાડેલી હતી. ભૂદેવો તો આ જોઈ ખુશ ખુશ થઈ ગયા. પછી રાજા જનકે એક ઘોષણા કરી - 'ब्राह्मणा भगवन्तो यो वो ब्रह्मिष्ठः स एता गा उदजतामिति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૨) હે પૂજ્ય બ્રાહ્મણો! તમારામાંથી જે બ્રહ્મિષ્ઠ, કહેતાં બ્રહ્મવિદ્યાનો જાણકાર હોય તે બ્રાહ્મણ આ ગાયોને હાંકી જાય.' ઘોષણા ભારે હતી. ભૂદેવો સૌ અવાક્ થઈ ગયા. બ્રહ્મવિદ્યામાં પોતાની કચાશને લીધે ગાયો લઈ શકાય તેમ ન હતું. તે સમયે 'याज्ञवल्क्यः स्वयमेव ब्रह्मचारिणमुवाचैताः सोम्योदज सामश्रवा इति' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૨) યાજ્ઞવલ્ક્ય નામના બ્રાહ્મણવર્યે પોતાના શિષ્યને કહ્યું, 'હે પ્રિય સામશ્રવા! તું આ ગાયોને હાંકી જા.' શિષ્ય સામશ્રવાએ તેમ કરવા માંડ્યું. આ જોતાં જ 'ते ह ब्राह्मणाश्र्चुक्रुघुः' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૨) અન્ય ભૂદેવોના અંતરમાં ઈર્ષ્યા જાગી ઊઠી. ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો. તેઓ તાડૂક્યા 'कथं नो ब्रह्मिष्ठो ब्रुवीतेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૨) આ યાજ્ઞવલ્ક્ય પોતાની મેળે જ આપણા બધા કરતાં શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યાનો જાણકાર છે તેમ કઈ રીતે કહી શકે? તેની પરીક્ષા થવી જોઈએ. તેથી જેઓ રાજા જનકના યજ્ઞમાં હોતા તરીકેની ફરજ બતાવતા હતા, તેવા અશ્વલ નામના એક ભૂદેવે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, 'શું તમે ખરેખર અમારા સૌ કરતાં શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની છો?' ત્યારે યાજ્ઞવલ્ક્યે શાંતિથી કહ્યું, 'नमो वयं ब्रह्मिष्ठाय कुर्मो गोकामा एव वयं स्म इति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૨) હે ભૂદેવો! સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીને તો અમે પણ નમન કરીએ. પણ અમારે તો કેવળ ગાયો જોઈતી હતી તેથી આમ કર્યું. યાજ્ઞવલ્ક્યજી મોટો આશ્રમ ચલાવતા હતા. તેમાં અનેક આશ્રમવાસીઓ તથા અભ્યાગતોની વ્યવસ્થા કરવાની હોય, તેથી તેઓને આ ગાયો લઈ જવી ઉચિત લાગી હતી. વળી રાજાની ઘોષણા પ્રમાણે પોતે બ્રહ્મજ્ઞાની તો હતા જ. તેથી પણ તેમ કરવામાં કોઈ બાધ ન હતો. છતાં અન્ય બ્રાહ્મણોના ગળે આ વાત ન ઊતરી. તેમણે કહ્યું, 'જો ગાયો લઈ જ જવી હોય તો આ રાજાની ઉપસ્થિતિમાં જ ભરસભામાં અમે તેને જે જે  પૂછીએ તેના સચોટ જવાબો આપવા પડશે. જો જવાબ ન આવડ્યો તો ગાયો રાજાની ગૌશાળામાં પાછી જશે.' યાજ્ઞવલ્ક્યજીને આ પ્રસ્તાવ માન્યો હતો. જ્ઞાન અખાડો શરૂ થયો. પંડિતો સજ્જ થવા લાગ્યા. યાજ્ઞવલ્ક્યજી શાંતચિત્તે પ્રશ્નની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યાં અશ્વલ નામના ભૂદેવે જ પ્રથમ પડકાર ફેંક્યો. એક પછી એક આઠ જેટલા પ્રશ્નો પૂછ્યા. યાજ્ઞવલ્ક્યએ તુરંત તેના સચોટ ઉત્તરો કહી સંભળાવ્યા. તે સાંભળી 'होताऽश्वल उपरराम' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૧/૧૦) અશ્વલ શાંત થઈ ગયો. હવે આગળ શું પૂછવું તે પણ તેને ન સૂઝ્યું.
આ જોઈ 'अथ हैनं जारत्कारव आर्तभागः पप्रत्व्छ' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૨/૧) જરત્કારુ ગોત્રમાં જન્મેલ આર્તભાગ નામના બ્રાહ્મણે પ્રશ્ન પૂછવાનું બીડું ઝ ડપ્યું. તેણે પણ એક પછી એક ઘણા પ્રશ્નો પૂછ્યા. તેના પણ સંતોષકારક ઉત્તરો યાજ્ઞવલ્ક્યજીએ આપ્યા. તેથી 'जारत्कारव आर्तभाग उपरराम' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૨/૧૩) આર્તભાગ પણ પાછો પડી ગયો અને ચૂપ થઈ ગયો.
‘अथ हैनं भुज्युर्लाह्यायनिः पप्रत्व्छ’ (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૩/૧) ત્યાર પછી લાહ્ય નામના બ્રાહ્મણના પુત્ર ભુજ્યુએ પ્રશ્નો પૂછ્યા. તેના પણ સચોટ જવાબો યાજ્ઞવલ્ક્યજીએ આપ્યા. તેથી તે પણ ચૂપ થઈ ગયો.
'अथ हैनमुषस्तश्र्चाक्रायणः पप्रत्व्छ' (બૃહદ્. ૩/૩/૧) ત્યારબાદ ચક્રગોત્રમાં જન્મેલ ઉષસ્ત નામના ભૂદેવે પ્રશ્નનો દોર સંભાળ્યો. ઉત્તરો મળતાં ઉષસ્ત પણ શાંત થઈ બેસી ગયો.
'अथ हैनं कहोलः कौषीतकेयः पप्रत्व्छ' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૫/૧) ત્યારબાદ કુષિતકના પુત્ર કહોલ નામના બ્રાહ્મણનો વારો આવ્યો. તેણે પૂછ્યું, 'य आत्मा सर्वान्तरस्तं मे व्याचक्षष्वेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૫/૧) કોણ સર્વનો આત્મા થઈ સહુ કોઈની અંદર વસી રહ્યો છે. ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે, 'એ તો પરમાત્મા છે. તે જ સર્વમાં વ્યાપીને વસી રહ્યા છે.' અને તેથી જ તો 'तमात्मानं विदित्वा ब्राह्मणाः पुत्रैषणायाश्र्च वित्तैषणायाश्र्च लोकैषणायाश्र्च व्युत्थाय भिक्षाचर्यं चरन्ति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૫/૧) આ પરમાત્માને જાણીને બ્રાહ્મણો પુત્રેષણા, વિત્તેષણા કે લોકેષણાનો ત્યાગ કરી ભિક્ષાવૃત્તિથી પોતાનો નિર્વાહ કરી તેના ધ્યાન-ચિંતનમાં ગરકાવ રહે છે.' આ ઉત્તર સાંભળી કહોલ પણ શાંત થઈ ગયો.
હવે કોણ પૂછે? સૌના આશ્ચર્ય વચ્ચે એક બ્રાહ્મણીએ આ સાહસ કર્યું. 'अथ हैनं गार्गी वाचक्नवी पप्रत्व्छ' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૬/૧) ગાર્ગી તેનું નામ. ભણેલી વિદુષી હતી. બોલવાના, પૂછવાના સ્વભાવવાળી હતી. તેણે પૂછ્યું - 'यदिदं सर्वमप्स्वोतं च प्रोतं च कस्मिन्नु खल्वाप ओताश्र्च प्रोताश्र्चेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૬/૧) એ તો જાણે સમજાય છે કે આ પૃથ્વીરૂપે દેખાતું બધું જળમાં ઓતપ્રોત છે. જળ પૃથ્વી કરતા વધારે હોઈ જળમાં પૃથ્વી તરી રહી છે. પણ તે જળ શેમાં ઓતપ્રોત છે? યાજ્ઞવલ્ક્ય કહે, તે તો વાયુમાં. વાયુ શેમાં? અંતરિક્ષ લોકમાં. અંતરિક્ષલોક શેમાં? ગંધર્વલોકમાં. ગંધર્વલોક શેમાં? આદિત્ય લોકમાં. આદિત્યલોક શેમાં? ચન્દ્રલોકમાં. ચન્દ્રલોક શેમાં? નક્ષત્રલોકમાં. નક્ષત્રલોક શેમાં? દેવલોકમાં. દેવલોક શેમાં? ઇન્દ્રલોકમાં. ઇન્દ્રલોક શેમાં? પ્રજાપતિ લોકમાં. અને એ પ્રજાપતિલોક શેમાં ઓતપ્રોત છે? તો યાજ્ઞવલ્ક્યજી કહે, 'ब्रह्मलोकेषु गार्गीति' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૬/૧) ગાર્ગી! એ તો બ્રહ્મલોક કહેતાં અક્ષરધામમાં ઓતપ્રોત છે. આ બ્રહ્મલોક અન્ય સર્વ લોકો કે ધામો કરતાં ઉત્કૃષ્ટ અને વિશાળ છે, તેમ યાજ્ઞવલ્ક્યજીનું તાત્પર્ય હતું. પણ ગાર્ગી તો પૂછવાના સ્વભાવવાળી હતી તેથી તેનાથી પુછાઈ ગયું - 'कस्मिन्नु खलु ब्रह्मलोका ओताश्र्च प्रोताश्र्चेति'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૬/૧) આ બ્રહ્મલોક, કહેતાં અક્ષરધામ કયા લોકમાં ઓતપ્રોત છે? અર્થાત્ આ અક્ષરધામ કરતાં પણ મોટું કોઈ ધામ છે? એમ પ્રશ્નનું તાત્પર્ય થતું હતું. આ સાંભળી યાજ્ઞવલ્ક્યજીએ ગાર્ગીને પ્રત્યુત્તર નહીં પણ ચેતવણી આપી - 'गार्गि! मातिप्राक्षीर्मा ते मूर्घा व्यपप्तद् अनतिप्रश्न्यां वै देवतामतिपृत्व्छसि गाíग! मातिप्राक्षीरिति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૬/૧ ) ગાર્ગી! હવે વધુ પડતા પ્રશ્નો ના પૂછીશ. યાજ્ઞવલ્ક્યજીનો સ્વર ઉગ્ર હતો. પ્રશ્નોની પણ અમુક સીમા હોય છે. જો હવે એ સીમાનું ઉલ્લંઘન થશે તો તારું માથું કપાઈને નીચે પડશે. બીક બતાવવાની આ વાત ન હતી. ગાર્ગી તેમ ડરે તેવી પણ ન હતી. આ તો ચેતવણી હતી. સકળ લોકોમાં સર્વોપરી ધામ એવા પરમાત્માના નિત્યનિવાસરૂપ અક્ષરધામથી પણ શ્રેષ્ઠધામ પૂછીને ગાર્ગીએ સીમા ઓળંગી હતી. અત્યાર સુધી એક એકથી ચઢિયાતા લોકોનો, ધામોનો ધાણી ફૂટે તેમ નિર્દેશ કરનાર યાજ્ઞવલ્ક્ય બ્રહ્મલોકથી ઉપરના લોકના પ્રશ્નને જ પ્રાણઘાતક સમજતા હતા. તેથી તેમણે તેમ કહ્યું. જવાબની તો વાત જ દૂર રહી ગઈ. ગાર્ગી સમજી ગઈ. તેને માથું સલામત રાખવું હતું. તેથી ચૂપ થઈ ગઈ. અક્ષરધામ સર્વોપરી ધામ છે તે સિદ્ધ થઈ ગયું.
યાજ્ઞવલ્ક્ય કોઈ રીતે પાછા પડતા ન હતા. સામા પક્ષે પણ પૂરેપૂરી તૈયારીઓ થતી હતી. ગાર્ગી પછી અરુણનો પુત્ર ઉદ્દાલક ઊભો થયો. તેણે પ્રશ્ન પૂછ્યો - 'જેના વડે આ સમગ્ર વિશ્વ ટકી રહ્યું છે તે અન્તર્યામી તત્ત્વ કોણ છે અને કેવું છે તે કહો?' ત્યારે યાજ્ઞવલ્ક્યજી કહેવા લાગ્યા - 'यः पृथिव्यां तिष्ठन् पृथिव्या अन्तरो यं पृथिवी न वेद यस्य पृथिवी शरीरं यः पृथिवीमन्तरो यमयत्येष त आत्माऽन्तर्याम्यमृतः।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૭/૩) જે પૃથ્વીની અંદર રહ્યો છે છતાં પૃથ્વીથી અળગો છે. જેને પૃથ્વી જાણી શકતી નથી. પૃથ્વી જેનું શરીર છે.
વળી જે પૃથ્વીમાં રહ્યો રહ્યો તેનું નિયમન કરે છે તે પરમાત્મા છે. તે અન્તર્યામી છે. તે અમૃતમય છે. આમ કહી પૃથ્વીની જેમ જળ, તેજ, વાયુ, આકાશ વગેરે પંચ મહાભૂતોમાં સર્વની ઇન્દ્રિયો-અન્તઃકરણમાં અને સકળ આત્માઓમાં બધે જ પરમાત્મ તત્ત્વ અન્તર્યામીપણે રહ્યું છે, તેમ યાજ્ઞવલ્ક્યજીએ ખૂબ જ વિસ્તારથી જવાબ આપ્યો. જવાબ સાંભળી ઉદ્દાલક પણ શાંત થઈ ગયો.

 

© 1999-2018 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS