Essays Archives

એડિસન, ૧૯૯૧, ઘ્.જ્.ત્. ઉત્સવ ભવ્યતાથી સમાપ્ત થયો. 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું વાતાવરણ સર્જાયેલું. અમેરિકામાં રહેતા સૌ કોઈના મનમાં ભારે પ્રભાવ પડ્યો હતો. એવા આનંદ-ઉત્સવના સમયમાં મારા હાથમાં એક પત્રિકા આવી. એકદમ વિચિત્ર અને વિકૃત પત્રિકા. જેમાં સ્વામીશ્રી વિરુદ્ધ વાહિયાત આક્ષેપો અને અપમાનો ઠસોઠસ ભરેલાં હતાં. એક સવારે તે લઈ હું સ્વામીશ્રી અલ્પાહાર કરતા હતા ત્યાં ગયો. ન્યૂયોર્ક મંદિરના એ નાનકડા રૂમમાં બે-ચાર સંતો અને દશેક હરિભક્તો બેઠેલા. મને જોઈ સ્વામીશ્રી બોલ્યા :
'શું લાવ્યો ? હાથમાં શું છે ?' આટલા બધાની વચ્ચે કેવી રીતે કહેવું કે આપની વિરુદ્ધ છપાયેલી પત્રિકા છે. છતાં સ્વામીશ્રીએ આગ્રહ કર્યો તેથી હું બોલ્યો : 'બાપા, આમાં કાંઈ માલ નથી. આપની વિરુદ્ધ પત્રિકા છે.'
'શું લખ્યું છે ?' સ્વામીશ્રીએ જાણવાની ઇચ્છા દર્શાવી. એમના આગ્રહથી મેં હેડલાઇન્સ વાંચી. સૌને આઘાત પહોંચાડે તેવો આંચકો હતો.
પરંતુ આ સાંભળતાં જ સ્વામીશ્રી તો ખડખડાટ હસી પડ્યા ! હાથ હલે, પેટ ઊછળે... મોંમાંથી ખાખરાનો ટુકડો પડી ગયો તેટલું હસ્યા. બીજા બધા એકદમ સૂનમૂન હતા.
યજ્ઞવલ્લભ સ્વામી બોલ્યા : 'આપણને ખબર છે કોણે આ પત્રિકા બહાર પાડી છે.'
મેં કહ્યું : 'તો આપણે કહેવું જોઈએ કે આમ શું કરવા કરો છો ?'
સ્વામીશ્રી કહે : 'ના, આપણે આપણું કાર્ય કરતા જવું. કોઈને કાંઈ કહેવું નહીં. કોઈનોય વિરોધ કરવો નહિ. ભગવાન બધું જુએ છે...'
મેં કહ્યું : 'પણ બાપા, આપણે કહીએ તેમાં વિરોધ ક્યાં છે ? તેને જાણ તો થવી જોઈએ ને કે તે ખોટું કામ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે 'ફૂંફાડો તો રાખવો...'
તરત જ સ્વામીશ્રીએ કહ્યું : 'ફૂંફાડામાં પણ મોઢું દુખે. શાસ્ત્રીજી મહારાજની એ ભ્oશ્રજ્ઞ્ણૂક્ક(પોલીસી) નથી. આપણે પહેલેથી જ વિરોધ કર્યો નથી. કોઈ કહે, બોલે, મારે, પણ સામે પ્રતિકાર કરવો નહીં. આપણે ક્ષમા...'
સ્વામીશ્રી બોલતા જ હતા ને અધવચ્ચે મેં કહ્યું : 'પણ બાપા, શાસ્ત્રીજી મહારાજના વખતમાં સાધુ કેટલા ? એક પૂજારી, કોઠારી, ભંડારી... પાંચ સાધુમાં કોઈ નવરું હોય તો કાંઈ કરે ને? અત્યારે તો અમે ઘણા બધા છીએ. નવરા છીએ એટલે...'
વાત કાપતાં સ્વામીશ્રી કહે : 'નવરા હોઈએ તો ભજન કરવું, વિરોધ ન કરવો.' એમ કહી એ જ સહજ શાંતિથી ચળું કર્યું. જાણે કાંઈ વાત બની જ નથી!! કોઈ ચિંતા નહીં. કોઈ પ્રશ્ન નહીં કે કેટલી પત્રિકા છપાઈ હશે, કેટલી વહેંચાઈ હશે? ક્યાં ક્યાં વહેંચાઈ હશે?
આ સ્થિતપ્રજ્ઞતા અને અજાતશત્રુતા સાધુતાની ચરમસીમા નહીં, તો બીજું શું ?


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS