Essay Archives

સકારાત્મક વ્યક્તિને મુશ્કેલીનો મહાસાગર પણ ભીંજવી શકતો નથી

When you have a question, first ask yourself. (જ્યારે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સૌપ્રથમ સ્વયંને જ પૂછો.) કેટલાક અમને કહે છે કે ‘સ્વામી! પ્રશ્ન અમારો હોય તો અમને જવાબ કેવી રીતે મળે? અમારા જ પ્રશ્નના જવાબ અમને કંઈ મળતા હોય!?’ આ સ્થિતિમાં એક વાત ચોક્કસ યાદ રાખજો કે ‘ભગવાન અને સંતમાં વિશ્વાસ રાખજો. જો તમારો પ્રશ્ન પ્રામાણિક હશે, તમે બહુ પ્રેમ અને સત્યતાથી પ્રશ્ન પૂછતા હશો તો ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ તમારા અંતરાત્મામાં બિરાજમાન થઈ તમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાની કોઈ નવી દિશા સુઝાડશે.’
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે એ જ શીખવાનું છે કે ‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.’
આપણે કહીએ છીએ કે બીજાને પ્રેમ કરો, પરંતુ સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પ્રેમ આપવા માટે ટેવાયેલી નથી. પ્રેમ કરવો એટલે શું? કોઈને પત્ર લખવા, ભેટવું, જ્યાં જાય ત્યાં ફરવું – આ તો બધી physical રીત છે. ઉદાહરણ તરીકે એક બહેન મોટી ઉંમરે માતા બન્યા અને સંતાનમાં પુત્ર થયો. એ મોટી વયે માતા બનેલાં બહેન પોતાના એકના એક દીકરાને વહાલ દ્વારા એટલાં બધાં ચુંબન કરતાં કે તેના પુત્રને ગૂંગળામણ અનુભવાય. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે She suffocated him by kisses. આ પ્રેમનો અતિરેક છે. જ્યાં સુધી તમે સ્વયંને સાચો અને સ્પષ્ટ પ્રેમ આપી શકતા નથી ત્યાં સુધી તમે બીજાને સાચો પ્રેમ આપી શકતા નથી.
એક વાર એક વ્યક્તિ ડોક્ટર પાસે જાય છે. તે ફરિયાદ કરે છે કે મારું આખું શરીર દુ:ખે છે. શરીરમાં જ્યાં અડું ત્યાં દુઃખે છે. ડોક્ટર કહે કે આવો રોગ તો મેં ક્યારેય સાંભળ્યો નથી. તે દર્દી પોતાના શરીરનાં હાથ, નાક, કાન, છાતી, ઘૂંટણ, એડી બધે આંગળી મૂકે ત્યાં તે દુઃખની બૂમાબૂમ કરે. તેનું આખું શરીર નખ-શિખ દુ:ખે. ડોક્ટરે બધું કર્યું, દવા આપી. પછી તેનું ‘body scan’ પણ કર્યું. પછી તેમને ખબર પડી કે આ દર્દીના આખા દેહમાં કોઈ જ પ્રશ્ન નહોતો, ફકત આંગળીમાં જ ફ્રેક્ચર હતું. માટે આ વ્યક્તિ શરીરમાં જ્યાં પણ અડે ત્યાં તેને દુ:ખે. ઘણા માણસો પણ આવા હોય છે એટલે કે ઘણાની આંગળી જ ફ્રેક્ચરવાળી હોય તો તેને લાગે કે બધે જ દુ:ખ છે.
આ સ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ આપણને શીખવે છે કે ‘પહેલા કહેતા કે પોતાના આત્માને સ્વસ્થ કરો. પછી જ સ્વસ્થતાનો અનુભવ થશે. આત્મગૌરવ રાખો પણ અભિમાન નહીં.’ એટલે કે સત્સંગી હોવાનું સ્વાભિમાન, સાધુ હોવાનું સ્વાભિમાન. માતા હોવાનું સ્વાભિમાન, પિતા હોવાનું સ્વાભિમાન, ભારતીય હોવાનું સ્વાભિમાન, અભિમાન ક્યારેય નહીં. આ સ્વાભિમાનથી બીજાને બળતરા ન થાય, ટાઢક થાય એવું સ્વાભિમાન. તેમાં ફરજની ફોરમ હોય છે, મોટાપણાનો અહંકાર નહીં.
જીવનમાં આપણે જ્યારે mirror - અરીસામાં જોઈએ ત્યારે ચહેરા ઉપર એક ડાઘ પડે કે મુખમાંથી એક દાંત પડે તોપણ આપણે તેને સુધારવામાં અને સારવારમાં પડી જઈએ છીએ. એ જ રીતે ચારિત્ર ઉપર ડાઘ પડે તો તરત તેને સાફ કરી નાખજો. જીવનમાં ક્યારેય મનની અંદર એક નકારાત્મક વિચાર પણ ન આવે તે રીતે જીવન જીવવાનું છે.
જો એક નકારાત્મક વિચાર આવે તો તે પણ તમારું સમગ્ર જીવન છિન્ન-ભિન્ન કરી નાખે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે એક વાર જેને આપઘાતનો વિચાર આવે તેને સમયાંતરે આપઘાતના વિચારો આવ્યા જ કરતા હોય છે. માટે પહેલા વિચારથી જ આપણે પોઝિટિવ પગલાં લઈ નકારાત્મકતાનો નાશ કરવો જોઈએ.
પ્રમુખસ્વામી મહારાજ જેવી વિશ્વવંદ્ય વિભૂતિઓએ દુનિયાનું હમેશાં સકારાત્મક ચિત્ર રજૂ કર્યું છે. ગમે તેટલાં દુઃખો વચ્ચે પણ હસતા રહી સમાજને સુખી કર્યો છે. જ્યારે કોઈપણ હરિભક્તને વાદળ જેટલાં દુઃખ આવ્યાં હોય ત્યારેય પ્રમુખસ્વામીએ મોળી વાત નથી કરી. તેઓ તો જીવનમાં હકારાત્મક રહેવાનું જ આપણને શીખવે છે.
કોઈ પૂછે કે ચારેબાજુથી મોંઘવારી ઘેરી વળે તો કઈ રીતે સકારાત્મક રહેવું? જેમ ચારેબાજુથી વરસાદ ત્રાટકે ત્યારે તેનાથી બચવાનો ઉપાય શું છે? હકારાત્મકતા. વરસાદ પડે ત્યારે તેનાથી બચવાનો ઉપાય છે છત્રી. તમે છત્રી રાખો તો વરસાદનું એક ટીપું પણ તમને સ્પર્શ કરી શકશે નહીં. તે રીતે દુનિયામાં મોંઘવારી સર્જાય ત્યારે જીવનની રહેણી-કરણી બદલવી પડે. તમારું જીવન બદલો છો એટલે મોંઘવારી નડતી નથી. Change your life. (તમારું જીવન બદલો). ભગવાન અને સંતના આશીર્વાદથી મુશ્કેલીનો મહાસાગર પણ આપણને ભીંજવી શકશે નહીં.
આવી જ હકારાત્મકતાનો એક પ્રસંગ છે. એક નાનો બાળક હતો. તે દરિયાકિનારે ઊભો રહીને દરરોજ પોતાના વડીલોને સમુદ્રમાં જતાં જોતો. તેઓ એક જહાજમાં બેસીને મધદરિયે જતા. તે બાળક પણ હકારાત્મકતાના જોરે કહેતો કે ‘હું પણ એક દિવસ જહાજમાં જઈશ, દરિયાની વચ્ચે જઈશ. પછી દુનિયાને પોકારી-પોકારીને કહીશ કે ‘I have conquered the ocean.’ (મેં દરિયા ઉપર જીત મેળવી લીધી છે.)’ કેટલી સકારાત્મકતા હતી. એ બાળક હતો છતાં વડીલોની સમકક્ષ ઊભા રહેવાની પણ હિંમત હતી.
એક દિવસ તે દરિયાકિનારે રહેલા નાના જહાજમાં એકલો બેઠો. દરિયાકિનારે તો મોજાં નાનાં હોય, માછલી પણ નાની હોય. પવન પણ મંદ-મંદ હોય પણ જેમ-જેમ તે દરિયાની અંદર જતો ગયો તેમ-તેમ મોટાં-મોટાં મોજાં પણ ઊછળવાં લાગ્યાં, માછલીઓ પણ મોટી થતી ગઈ અને જ્યારે દરિયાની મધ્યે પહોંચ્યો ત્યારે પવનના સુસવાટા પણ વધી ગયા. છતાં તે બાળક પોતાનો સંકલ્પ ભૂલ્યો નહોતો કે ‘હું દરિયાની મધ્યે પહોંચીશ ત્યારે દુનિયાને પોકારી-પોકારીને કહીશ કે મેં આખા દરિયા ઉપર જીત મેળવી’ હવે ભગવાનનું કરવું એવું કે તે સમયે તેનું જહાજ ડૂબ્યું. જહાજ દરિયાની તળેટીએ પહોંચ્યું. એ સમયે મરતાં-મરતાં પણ બાળક કહેતો હતો કે ‘મેં દરિયા ઉપર જીત મેળવી છે કેમ કે આટલો મોટો દરિયો એક નાના બાળકને છાતી ઉપર રાખી શક્યો નહીં અને હું નાનો બાળક મારી છાતી ઉપર આખો દરિયો રાખી શકું છું.’ આ છે, સકારાત્મકતા.
જો તમને ક્યારેક શૂળી ઉપર ચડાવવામાં આવતા હોય અને ત્યારે ખુદ ભગવાન સામે ઊભાં ઊભાં જોતા હોય. આ સ્થિતિમાં તમને ખબર પડે કે ભગવાન પણ ઊભા છે છતાં મને કેમ બચાવતા નથી? પરંતુ ત્યારે તમને વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન જે કરે છે, તે સાચું છે.
ભગવાન તમને કંઈક દુ:ખ મોકલે છે તેમાં પણ કંઈક હિત સમાયેલું છે. ભગવાન દુશ્મનને પણ નફરત નથી કરતા તો પછી તેના ભક્તને તો કેવી રીતે ધિક્કારે? ભગવાનનું મન ઉદાર છે એટલે તો તેઓ ભગવાન છે. આવી સકારાત્મકતા તમારી અંદર હોવી જોઈએ.
આપણે પણ પ્રમુખસ્વામી મહારાજ જેવી દુનિયાને હકારાત્મકતા સાથે જોવાની સ્થિતિ અપનાવવાની છે. જીવનમાં કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તમે વિશ્વાસ રાખી, શુદ્ધભાવથી ભગવાનને અથવા પ્રમુખસ્વામી મહારાજને યાદ કરશો તો તેઓ પણ તમારા અંતરાત્મામાં બિરાજમાન થઈને તમને ચોક્કસ નવી દિશા ચીંધશે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS