• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

ભક્તિની સાથે સંયમનો સંગમ :
ભક્તિ પરંપરાની ભાંગેલી પાળોને સમારવા ભગવાન સ્વામિનારાયણે સદાચારમાં બીજી મહત્ત્વપૂર્ણ બાબત પર જોર આપ્યું : બ્રહ્મચર્ય અથવા સ્ત્રી-પુરુષ મર્યાદારૂપી ધર્મ.
ભક્તિમાં પ્રવેશેલી આ એવી વિકૃતિ હતી, જેનાં મૂળ ક્યાંક વેદાંતની એક બુનિયાદી વિચારધારા સાથે સંકળાયેલાં હતાં, એમ કહેવામાં કાંઈ અતિશયોક્તિ નથી ! આપણે જાણીએ છીએ કે 'અહં બ્રહ્માસ્મિ !' મંત્ર એક ઔપનિષદિક સમજ છે, તથા આ સમજણને સત્યનો ઠોસ આધાર પણ છે, પરંતુ ભક્તિ કે જ્ઞાનમાર્ગની ઓથે વિષયાસક્ત 'સાધકોએ' ઇન્દ્રિય પોષણનો રાજમાર્ગ શોધી કાઢ્યો ! તેમણે સ્ત્રીઓને કહ્યું, 'તમે પણ બ્રહ્મ, અમે પણ બ્રહ્મ !' તેઓ કહેતા રહ્યા કે બ્રહ્મ તો એક અગ્નિ છે ! અગ્નિને કોઈ ઊધઈ લાગતી નથી, તેમ આપણને એટલે કે 'બ્રહ્મ' ને પણ કોઈ દોષ લાગતો નથી ! આ ભ્રામક માન્યતાના આધારે આવા લોકોએ વ્યભિચારનાં દૂષણો માટે જાણે છૂટો દોર મૂકી દીધો. શ્રીહરિ સ્પષ્ટ સમજ આપીને તેઓની આ માન્યતાનું જબરદસ્ત ખંડન કરતા તથા કહેતા કે બ્રહ્મનો માર્ગ પ્રાપ્ત કરવો છે તેને બ્રહ્મચર્ય પાળ્યા સિવાય છૂટકો જ નથી. જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા ઇચ્છે છે તેને ક્યારેય સ્ïત્રી-પુરુષની ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરીને સુખ પ્રાપ્ત થતું નથી.
આ માટે પ્રથમ પગલું તેમણે સંતોના આચાર-વ્યવહાર અને વિચાર માટે ભર્યું. તેઓએ પોતાના ત્યાગી શિષ્યોને આ જ હેતુથી બ્રહ્મચારીઓમાં આદર્શ બનાવ્યા અને ત્યાગાશ્રમીઓની શુદ્ધ પરંપરાનો આરંભ કર્યો. સાધુ ભક્તિના નામે ક્યારેય અસંયમનો માર્ગ લઈને ભ્રષ્ટ ન થાય એ માટે તેમણે સાધુઓની નિયમમર્યાદા ખૂબ કડક, મજબૂત અને ચોક્કસ બનાવી. જાણીતા ચિંતક અને સંપ્રદાયના અભ્યાસી કિશોરલાલ મશરૂવાલા નોંધે છે કે શ્રી સહજાનંદ સ્વામી પોતાના શિષ્યોને કસવામાં અતિશય કડક હતા. જેણે એમને પોતાના કરી માન્યા તેનામાં અણુમાત્ર કસર ન રહેવા દેવી એ એમનું પણ હતું. ('શ્રી સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય' - કિશોરલાલ મશરૂવાળા, પૃ. ૪૦-૪૧ તથા વચ. ગ.મ. ૪૫)
ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતોને એક અન્ય પત્રમાં જણાવે છે કે 'હવે નિષ્કામી વર્તમાન જે આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો. મન થકી પણ ત્યાગ ! સ્ત્રીને જોવી પણ નહીં. સ્ત્રી જો જગતનાં ગીત ગાય, કે પ્રભુનાં ગીત ગાય, જગતની કથા કરે, કરે કે પ્રભુની કથા કરે, સ્ત્રી જો નિવૃત્તિ પરાયણ હોય કે વૃત્તિ પરાયણ એ સ્ત્રીના શબ્દ, સ્પર્શ, આદિનો ત્યાગ સદાકાળ રાખવો. ને નિષ્કામ વર્તમાનના ભંગનું વચન અમે કહીએ તોય ન માનવું, પોતાનું મન કહે જે નિષ્કામ વર્તમાનને મૂક, સ્ત્રી સાથે પ્રભુની વાત કરે, તે ન માનવું.' (શ્રીજીના પ્રસાદીના પત્રો, પત્ર ૧૬, માધવલાલ કોઠારી)
ભક્તિમાર્ગમાં જ્યાં જ્યાં ધર્મનો સડો પેઠો હતો તે તેમણે વીણી વીણીને દૂર કર્યો. લોજપુરમાં આવતાંની સાથે જ, બીજે જ દિવસે સ્ત્રી-પુરુષની અલગ સભા કરાવડાવી, અને થોડા જ દિવસોમાં પાડોશીના ઘર અને સાધુઓ વચ્ચે અગ્િïનની આપ-લે કરાવતો ગોખલો પણ તેમણે પુરાવી દીધો. આમ કરીને તેમણે સાધુઓને સ્ત્રી-સંસર્ગથી મુક્ત કર્યા, શ્રીહરિના જ શબ્દોમાં કહો તો 'ધર્મનાં છિદ્ર' હતાં તે પૂરી દીધાં.
વચનામૃત ગઢડા મધ્ય-૩૩માં તો કહ્યું, 'જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક-પરલોકમાં દૃઢ મેળાપ છે.' વળી કહ્યું, 'સ્ત્રી-પુરુષ સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ.'
કવિવર ન્હાનાલાલ શ્રીહરિના ભક્તિમાં શુદ્ધિના વિલક્ષણ કાર્ય વિષે પ્રભાવિત થઈ લખે છે કે, 'સદાચરણનાં ઝરણાં શ્રીજીએ મંદિરોમાંથી વહેતાં કીધાં. પંચવર્તમાન સ્થાપી સાધુ સત્સંગીઓમાં ને સત્‌પ્રણાલિકાઓ સ્થાપી દેવમંદિરોમાં સદાચરણ પ્રચાર શ્રીજીએ કીધો. ચકમકને લોઢું ભેગાં થાય કે અગ્નિ પ્રકટે - એ અનુભવે શ્રીજીએ સ્ત્રીપુરુષને મંદિર ઘુમ્મટમાંયે અળગાં પાડ્યાં ને સ્પર્શ નિષેધ ઉચ્ચાર્યા. સ્ત્રીપુરુષના દર્શનમાર્ગેય નિરનિરાળા, ક્યાંક-ક્યાંક તો આમનાં મંદિરોયે નિરનિરાળાં કીધાં. સ્ત્રીજનને પંચવર્તમાન ધરાવવાનું પણ સોંપ્યું. સંતોને અષ્ટધા નારી વર્જી નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આદેશ અપાયો. દેશમાં ડંકો વાગ્યો કે સ્વામિનારાયણ તો સદ્ધર્મ સ્થાપવાને આવ્યા છે. પરિણામે સ્વામિનારાયણને મંદિરે-મંદિરે આજ બ્રહ્મચારિણી ભૂમિ છે !'
આમ, ભક્તિના કેન્દ્રસમાં મંદિરો તથા મંદિરોના પ્રાણ સમા સંતોને ધર્મમર્યાદાથી પવિત્ર રાખીને શ્રીહરિએ ભક્તિની પરંપરાને વધુ ઉજ્જ્વળ બનાવી હતી.
જેવી સાધુઓ માટે એમની આગ્રહભરી રીત, એવી જ ગૃહસ્થો માટે પણ. ગૃહસ્થ હરિભક્તો ભક્તિના નામે ક્યારેય વ્યભિચાર કે અસંયમના માર્ગે ચઢી ન જાય તે માટે તેમણે ગૃહસ્થોને પણ પવિત્ર નિયમાવલીથી બાંધ્યા.
શ્રીહરિ પોતાના એક પત્રમાં સ્ત્રી-પુરુષ મર્યાદાઓની સ્પષ્ટતા કરતાં ગઢડાથી એક સુંદર પ્રેરણાપત્ર જામનગર લખે છે અને જણાવે છે કે 'બીજું લખવા કારણ એમ છે જે, જે બાઈ અન્ય પુરુષ પાસે સત્સંગના નિયમ ધારે, ને સત્સંગી પુરુષ બીજી બાઈને સત્સંગના નિયમ ધરાવે, એવી રીતના જે ભાઈ અને બાઈ તે મારા સત્સંગથી વિમુખ છે, એમને કોઈ સત્સંગમાં પેસવા દેશો નહીં !' (પત્ર ૯, માધવલાલ કોઠારી)
ગૃહસ્થોની ધર્મશુદ્ધિ માટે શ્રીહરિએ જે રીતે પરમહંસોને નિમિત્ત બનાવ્યા, તે શ્રીહરિની લોકનાયક તરીકેની અદ્‌ભુત છવિને તો સ્પષ્ટ કરે જ છે, પરંતુ એક ધર્મનેતા તરીકે તેઓની સફળતાને પણ અભિવ્યક્ત કરે છે.
ગુજરાતી સાહિત્યના સાક્ષર શ્રી અમૃતલાલ યાજ્ઞિક નોંધે છે કે સમગ્ર ભક્તિમાર્ગને પ્રેરક બનાવવામાં આ સંતકવિઓનો અમૂલ્ય ફાળો છે. તેમની રચનાઓએ લોકહૃદય પર ઊંડી અસર કરી છે, સાંપ્રદાયિકતાથી પર અને સાંપ્રદાયિક સાથેનું ભારતીય સંસ્કૃતિનું સંવાદી ઝરણું એકરૂપ બને તેવો સંતહૃદયનો સજીવ ધબકાર સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનાં ભક્તિ કાવ્યમાં સંભળાય છે એટલે જ આ સંત કવિઓનાં પદો સમગ્ર ગુજરાતી સમાજનું ભક્તિ ધન બન્યું છે !' (સ્વામિનારાયણ સંત સાહિત્ય, પૃ. ૧૭૬)
જેવા સંતો એવા જ શૂરવીર અને નીતિમાન ભક્તો બનાવવા શ્રીહરિએ ગૃહસ્થોને પણ પાંચ વર્તમાનની મર્યાદામાં બાંધ્યા હતા. આમ, તેઓએ એક વિરાટ સમુદાયને ભક્તિની પરંપરાઓમાં સદીઓથી ચાલી રહેલા સડામાંથી ઉગારી અનેક દૂષણોને હમેશ માટે અલવિદા આપી દીધી હતી !
ભક્તિની એક વિશિષ્ટ અભિવ્યક્તિ એટલે ઉત્સવો. ચાહે જન્માષ્ટમી ઉત્સવ હોય કે રંગોત્સવ, ચાહે નવરાત્રિ હોય કે દિવાળી - ઉત્સવોના નામે પણ ભક્તિમાં સ્વેચ્છાચાર ચાલે, વ્યભિચાર ચાલે, એ કેવી રીતે સાંખી લેવાય ?! શ્રીહરિના સમયમાં ઊજવાતા ઉત્સવોમાં ક્યાંક ક્યાંક તો અશ્લીલતાએ હદ વટાવી હતી. હોળીમાં ફટાણાં, ભક્તિમાં શૃંગારરસનાં ભજનોનો વિકૃત આસ્વાદ, લગ્ન સમયે ગવાતાં ગીતોમાં બોલાતી અપશબ્દોની ઝડીઓ, પવિત્ર બંધનના પરિણયોત્સવને પણ ભ્રષ્ટ કરી દેવામાં આવતા ! શ્રીહરિએ આવી વિકૃતિ દૂર કરવા પોતાનાં ઉપદેશ વચનોની સાથે સાથે પરમહંસોને પણ આજ્ઞા કરી કે આપણે આ વિકૃતિઓની સામે ભગવત્‌ સંબંધવાળા વૈકલ્પિક ભજનોનો ઉપહાર આપી લોકસમુદાયને વધુ શુદ્ધિ આપવી છે. આમ, પરમહંસો દ્વારા રચિત ઉત્સવ પદોએ લોકસમૂહને અધ્યાત્મની ગળથૂથી પાવા માંડી! જોત જોતાંમાં હોળીનાં ભક્તિપદો, લગ્નનાં રુક્મિણી વિવાહનાં પદો, અને અશ્લીલ શૃંગારને બદલે ભક્તિમય શૃંગારનાં પદોનાં ખળખળ ઝરણાંઓ સંત સાહિત્ય દ્વારા લોકહૃદયનાં ઉપવનોને મહેકાવવા વહી રહ્યાં.
શ્રીહરિના આવા અદ્‌ભુત ક્રાંતિકાર્યને બિરદાવતાં કવિવર ન્હાનાલાલ લખે છે કે શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર-સ્વચ્છતાનો, આન્તર-સ્વચ્છતાનો, સર્વદેશીય-અંતર્બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજીમહારાજને Last of the old Hindu Reformers કહેતા. ભાંગ, ગાંજો, તમાકુ તજાવી શ્રીજીએ ગૃહસ્થીનાં જીવન નિર્માદક કીધાં, રંગેલાં તુંબડાં ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા, બાઈ-ભાઈનાં દર્શનદ્વાર નિરનિરાળાં સ્થપાવી શ્રીજીએ દેવમંદિરોને પવિત્ર કીધાં. 'શિક્ષાપત્રી' આપી વ્યવહાર શુદ્ધ કીધા, વચનામૃતો સંભળાવી જ્ઞાનશુદ્ધ કીધાં, ઉત્સાહ ઉભરાવ્યો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞોõ, વિશુદ્ધ પૂજાવિધાન, પારણાં, હિંડોલા, વસંતપંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જળઝીલણી ને રામનવમીના સમારંભો કરી જનતાને ઉમંગી કીધી. ભાવહિંડોળે હિંચકાવી પ્રજાને ઉત્સાહ પાયો. સંસારને સજીવન કીધો...
'મહાપુરુષ સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો.'
જ્યારે ભક્તિના માર્ગે ચાલતાં પાખંડોમાં ધર્મની મર્યાદાઓએ અને સંયમ-સદાચારે પોથીમાંનાં રીંગણાંનું સ્થાન લઈ લીધું હતું, ત્યારે એ દૂષણોને નાથવા શ્રીહરિએ કેવી લગામ કસી હતી ? વચનામૃત વાંચતાં વારંવાર એનો અહેસાસ થયા કરે છે. ગઢડા મધ્ય ૨૭માં મહારાજ કહે છે કે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ-ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે.
વળી, કહે છે કે 'ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી ! (ગ.મ.૩૨)
ગ.પ્ર. ૨૯માં તેઓ જણાવે છે કે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘુંપાછું ખસી નીસરવું ને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો. તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિને પામે !
ગ.અં. ૩૨માં તેઓ એક અત્યંત મહત્ત્વની ચર્ચા શરૂ કરે છે અને ભક્તને ભગવાનનો મહિમા કેવી રીતે સમજવો તેની રીત જણાવતાં કહે છે કે ભગવાનની નવ પ્રકારની ભક્તિને કરે, અને વળી એમ સમજે જે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્ર ઇત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે... એવું જાણીને ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેનો ક્યારેય લોપ ન કરે ! પણ જો મહિમાનો ઓથ લઈને મૂળગો પાપ કરવાથી ડરે નહીં, તો મહારાજ કહે છે કે 'તે દુષ્ટ છે, પાપી છે ને એવો હોય તેને ભક્ત જાણવો જ નહીં ! ને તેનો સંગ પણ ન કરવો !'
જે ભક્તિને ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના ૧૨મા અધ્યાયમાં રાજયોગ કહ્યો છે, જે ખરા અર્થમાં ભવાટવીમાંથી પાર ઉતારનારી ભક્તની શાશ્વત સહચરી છે, જે વાસના-વંટોળનું શમન કરનારી અને અંતર ને અજવાળનારી દિવ્ય દીપિકા છે, અને ભાંગ્યા જહાજની દીવાદાંડી કે નિરાશ સાધકનો વિસામો છે, એવી ભક્તિ, જો શ્રીહરિ પ્રગટ ન થયા હોત તો કેટલી વિકલાંગ હોત !
જો શ્રીહરિ પ્રગટ્યા ન હોત તો ઉત્સવો આજે પણ વિકારવાન હોત, ભક્તિના નામે અધર્મની જ જ્વાળાઓ જલતી હોત, યજ્ઞો અને કર્મકાંડો આજે પણ ક્રૂર હિંસાથી કલંકિત હોત, સાધુઓ અને ગૃહસ્થોમાં ક્યાંય સાચી ભક્તિનાં સત દેખાતાં ન હોત, અને વ્રતો, પર્વો, ભક્તિની રીતિ સહિત સર્વત્ર દૂષણોના ધુમ્મસમાં સનાતન હિન્દુ ધર્મની સુવર્ણોજ્જવલ કાંતિ સંસારમાં ક્યારેય પ્રગટ ન થઈ હોત ! શ્રીહરિના આવા વિરાટ ક્રાંતિ કાર્યને કવિવર ન્હાનાલાલ માત્ર બે નાનકડી પંક્તિમાં સમેટીને કેવી ભવ્ય અંજલિ આપે છે !
સ્વામીશ્રી સહજાનંદે વર્ષાવી ધર્મવાદળી,
ભાંગી પાળો સમારી ને, છાંટી સંસાર નિર્મળી ! 

© 1999-2018 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS