Essays Archives

પુનર્જન્મ અને ફોરેન્સિક સાયન્સ

ઇંગ્લેન્ડનો પ્રખર મનોવિજ્ઞાની કાર્લ જી. યંગ લખે છે :  ‘હું દૃઢતાપૂર્વક માનું છું કે પહેલાંની સદીઓમાં પણ હું જીવ્યો હોઈશ.' કાર્લ યંગ વિશ્વાસપૂર્વક પોતાના પૂર્વજન્મ વિશે લખે છે. પરંતુ તર્ક અને વિશ્વાસને બનતું નથી. એવા તર્કને પ્રમાણોથી વિશ્વાસમાં પલટાવી શકાય છે. પુનર્જન્મ અંગે વિજ્ઞાનીઓએ કેટલાક એવા પ્રમાણો આપ્યા છે કે, જ્યાં વિશ્વાસનો સહેજે જન્મ થાય છે. એવા કિસ્સાઓમાં ફોરેન્સિક સાયન્સના એક કિસ્સાની અહીં વાત કરવી છે.
પંજાબમાં પતિયાલા સ્થિત ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ શ્રી વિક્રમરાજસિંહ ચૌહાણ પુનર્જન્મના કિસ્સાઓને ફોરેન્સિક વિજ્ઞાનના અભિગમથી તપાસી રહ્યા છે. સને 2003માં ઝાંસીમાં બુંદેલખંડ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ‘નેશનલ કોન્ફરન્સ ઓફ ફોરેન્સિક સાયન્ટિસ્ટસ્‌’ને સંબોધતાં તેમણે પુનર્જન્મના કેસ સ્ટડી પ્રસ્તુત કર્યા હતા, તે ચોંકાવનારા હતા.

પંજાબમાં લુધિયાણા જિલ્લામાં અલુગા મિયાણા ગામમાં બે વર્ષના બાળક તરણજિતસિંઘે અચાનક પોતાના પૂર્વજન્મની વાતો કરવા માંડી. તેના પિતા રણજિતસિંઘ વધુ આશ્ચર્યચકિત ત્યારે થયા, જ્યારે બાળક વારંવાર પોતાના પૂર્વજન્મના ગામે જવાનો આગ્રહ કરતો હતો. જો કે તેના પરિવારે તે સમયે તેના પર બહુ ધ્યાન ન આપ્યું. પરંતુ એકાદ વર્ષ પછી તેણે વધુ વિગતો કહેવા માંડી : તેનું પૂર્વ જનમનું નામ સતનામસિંઘ, પિતાનું નામ જિતસિંઘ, ગામનું નામ ચક્કચેલા, જિલ્લો જલંધર ! એટલું જ નહીં, તેણે વધુ ચોક્કસાઈભરી વિગતો આપી : પૂર્વજન્મમાં તે નિહવાલ ગામે સરકારી માધ્યમિક શાળામાં નવમું ધોરણ ભણતો હતો. એક દિવસ શાળાએથી છૂટીને તે પોતાના મિત્ર સુખવિંદરસિંઘ સાથે સાઇકલ પર ઘરે આવી રહ્યો હતો. ત્યારે સામેથી સ્કૂટર લઈને આવતા મિરાજવાલા ગામના જોગોસિંઘે સાઇકલ સાથે અકસ્માત કર્યો. તેમાં તે ઘવાયો અને બીજા દિવસે તેનું મૃત્યું થયુ હતું!

આર્થિક રીતે પછાત પિતા રણજિતસિંઘ માટે આ બધી વિગતો નકામી હતી. છતાં તેના મિત્ર રાજીન્દરસિંઘ સાથે તે જિજ્ઞાસાને ખાતર નિહવાલ ગામે ગવર્નમેન્ટ સ્કૂલમાં માહિતી મેળવવા ગયા. તપાસ કરતાં માલૂમ પડ્યું કે તા 10-9-1992ના રોજ શાળાના એક બાળકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રણજિતસિંઘે તેના રેકોર્ડસ્‌ મેળવ્યા, ચક્કચેલા ગામનું સરનામું મેળવ્યું, જિતસિંઘના ઘરે પહોંચ્યા, ત્યારે બધી જ વિગતો અસ્સલ મળતી આવતી હતી. બાળક તરણજિતના પૂર્વજન્મના ભાઈ કેવલસિંઘ, બહેન લખબીર કૌર, પિતા જિતસિંઘ, માતા મોહીન્દર કૌર બધાં કુતૂહલ અને આશ્ચર્ય સાથે અલ્લુણા મિયાણા ગામે તરણજિતને મળવા દોડ્યાં. તેઓ તરણજિતના ઘરમાં પ્રવેશ્યા તે સાથે જ તરણજિતે તે સૌને ઓળખી બતાવ્યા. તેની પૂર્વજન્મની બહેન લખબીર કૌરે તરણજિતની કસોટી લેવા માટે પોતાનાં લગ્નપ્રસંગનો એક ગ્રૂપફોટો બતાવ્યો, તેમાં તે કોણ છે તે ઓળખી બતાવવા કહ્યું. અને તરણજિતે પોતાની પૂર્વજન્મની છબિની ઓળખ ક્ષણભરમાં આપી દીધી!

આ કિસ્સો વર્તમાનપત્રમાં છપાયો ત્યારે ફોરેન્સિક ઍક્સપર્ટ સંશોધક વિક્રમરાજસિંહે તેનો પર્દાફાશ કરવા નિરધાર્યુ.

ફોરેન્સિક સાયન્સનું પ્રમાણ

પંજાબમાં લુધિયાણા જિલ્લામાં અલુગા મિયાણા ગામમાં બે વર્ષના બાળક તરણજિતસિંઘે અચાનક પોતાના પૂર્વજન્મની વાતો કરવા માંડી. તેનું પૂર્વ જનમનું નામ સતનામસિંઘ, પિતાનું નામ જિતસિંઘ, ગામનું નામ ચક્કચેલા, જિલ્લો જલંધર ! પૂર્વજન્મમાં તે નિહવાલ ગામે સરકારી માધ્યમિક શાળામાં નવમું ધોરણ ભણતો હતો. એક અકસ્માતમાં તેનું મૃત્યું થયુ હતું!

પિતા રણજિતસિંઘે તપાસ કરતાં માલૂમ પડ્યું કે તા 10-9-1992ના રોજ શાળાના એક બાળકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેના રેકોર્ડસ્‌ મેળવ્યા, ચક્કચેલા ગામનું સરનામું મેળવ્યું, જિતસિંઘના ઘરે પહોંચ્યા, ત્યારે બધી જ વિગતો અસ્સલ મળતી આવતી હતી. તે વિગતો આપણે પૂર્વના અંકમાં જોઈ છે. પરંતુ ફોરેન્સિક સાયન્સના એક્સપર્ટ ડો. વિક્રમરાજસિંહે બંને ગામો અને બંને પરિવારોની તથા તરણજિતસિંઘની વારંવાર મુલાકાત લઈને, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચકાસી ત્યારે લાગ્યું કે કિસ્સામાં વજૂદ છે. મૃત્યુની ઘટનાનું વર્ણન બંને પક્ષે એકદમ સમાન હતું. માહિતી મેળવતાં મેળવતાં વિક્રમરાજસિંહને ચક્કચેલા ગામના એક દુકાનદારે કહ્યું કે બાળક મૃત્યુ પામ્યો તેના થોડા દિવસો પહેલાં તેણે મારી દુકાનમાંથી એક નોટબુક ખરીદી હતી અને તેના ત્રણ રૂપિયા ઉધાર રાખ્યા હતા. વિક્રમસિંહ તે દુકાનદારને લઈને બાળક પાસે પહોંચ્યા ત્યારે બાળકે તરત જ તેમને ઓળખી બતાવીને કહ્યું કે મારે તમને બે રૂપિયા આપવાના બાકી છે. વિક્રમસિંહે દુકાનદારને પૂછ્યું ત્યારે  તેણે કહ્યું કે બાળકની વાત સાચી છે. મારે બે જ રૂપિયા તેની પાસેથી લેવાના બાકી હતા. હું માત્ર તેની કસોટી લેવા ખાતર 3 રૂપિયાની ખોટી રકમ બોલ્યો હતો.

બાળકે વિક્રમસિંહને એક માહિતી એ પણ આપી કે પૂર્વજન્મમાં જ્યારે તેનો અકસ્માત થયો ત્યારે તેની શાળાની નોટબુક્સ લોહીથી ખરડાઈ ગઈ હતી. તેના પાકીટમાં ત્યારે ત્રીસ રૂપિયા હતા. તરણજિતસિંઘની વાત બિલકુલ સત્ય નીકળી. લોહીથી ખરડાયેલી નોટબુક્સ તેની માતાએ રાખી મૂકી હતી. વિક્રમસિંહને લાગ્યું કે આ વિશે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવી જોઈએ. તેમણે બાળકની પૂર્વજન્મની નોટબુક્સ હસ્તગત કરી લીધી. ત્યાર બાદ તરણજિતના હસ્તાક્ષર એક કાગળમાં કરાવડાવ્યા. વિક્રમસિંહે પૂર્વજનમની નોટબુક્સના હસ્તાક્ષર અને આ જન્મના હસ્તાક્ષર ફોરેન્સિક સાયન્સ મુજબ ચકાસ્યા. નેશનલ કોન્ફરન્સમાં ભારતભરના ફોરેન્સિક સાયન્ટિસ્ટો સમક્ષ તે રજૂ કર્યા. તમામ નિષ્ણાતોએ કબૂલ કર્યું કે આ બંને હસ્તાક્ષર એક જ વ્યક્તિના છે ! ફોરેન્સિક સાયન્સનો એક નિયમ છે કે દુનિયાની કોઈ પણ બે વ્યક્તિના હસ્તાક્ષર ક્યારેય સમાન ન હોઈ શકે. શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ઑપ્ટિક્સ - આ ત્રણના સંયોજનથી હસ્તાક્ષર વિજ્ઞાન બને છે. આ જટિલ સંયોજન દ્વારા વૈજ્ઞાનિકોએ તરણજિતસિંઘ અને તેમના પૂર્વજન્મના હસ્તાક્ષર એક જ વ્યક્તિના કહ્યા, ત્યારે એક વસ્તુ પુરવાર થઈ કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે તેનું મન તેની સાથે જ રહે છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS