• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

આવા કપરા સંજોગોમાં પણ મોતીભાઈ નિરાશ થયા સિવાય સમૈયા-ઉત્સવમાં સેવા માટે તૈયાર રહેતા. ઘરની તમામ સામગ્રી ગીરો મૂકીને ધર્માદો આપવામાં પણ એવા જ શૂરવીર ! શાસ્ત્રીજી મહારાજ મુશ્કેલીના પ્રસંગે મોતીભાઈ તથા આશાભાઈ તરફ જ દૃષ્ટિ કરતા. અને તેઓ પણ સેવા કરવામાં ક્યારેય પાછા પડતા નહીં.
મોતીભાઈ-આશાભાઈની જોડલીનું નામ બી.એ.પી.એસ. સંસ્થાના એ આરંભકાળે આખાય ‘સત્સંગ’માં અનોખી ભાત પાડતી. ‘ભગવાન અને ભગવાનના ભક્ત અર્થે શું ન થાય !’ એ આ ભક્તોનો જીવનમંત્ર હતો. શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી તેમણે ભેગાં જ પુરુષોત્તમપુરા અને પ્રાગજીપુરા વસાવેલાં. તેમનાં આ પરાંઓના વ્યવહારની સાથે બોચાસણ મંદિર તેમજ સંસ્થાના શ્રીજીપરાંનો વ્યવહાર પણ તેઓ સંભાળતા.
આવી નિષ્કામભાવની અપાર સેવાઓ હોવા છતાં મોતીભાઈના માથેથી આફતો ટળવાનું નામ નહોતી લેતી.
એકવાર શાસ્ત્રીજી મહારાજ વસો પધાર્યા હતા. સવારમાં તેઓ પૂજા કરી સભામાં બિરાજમાન થયા હતા. ત્યારે વસોના નરસિંહભાઈ તથા ભાઈલાલભાઈ અમીને તેઓને હાથ જોડી વિનંતી કરી કહ્યું : ‘આ આશાભાઈ તથા મોતીભાઈનું દુઃખ આપ મટાડો. આવા એકાંતિક ભક્તોનું આવું દુઃખ અમારાથી દેખી શકાતું નથી.’
શાસ્ત્રીજી મહારાજે અજાણ્યા થઈ પૂછ્યું : ‘એવું શું દુઃખ આવ્યું છે ? અમને તો કાંઈ ખબર નથી.’
એ હરિભક્તોએ કહ્યું : ‘આપ નથી જાણતા તે તો નરનાટ્ય કરો છો, પરંતુ આ પુરુષોત્તમપુરાની દશા હજી વળતી નથી અને દેવું તો તેમને માથેથી ઊતરતું જ નથી. પાક પાકે છે તે રેલથી નાશ પામે છે. વળી, હિમ પડે છે અને બળી જાય છે. વળી, અગ્નિ આવી ઘાસનાં બીડ બાળી નાખે છે. આમ, બધું તૈયાર થાય છે ત્યાં અણધાર્યાં આવાં દુઃખો આવે છે. માટે આ બધી તેમની ઉપાધિ મટાડો. અમારાથી તેમનું દુઃખ દેખાતું નથી.’ એમ કહી ગળગળા થઈ ગયા.
દૂર બેસી ટપાલ લખતા નિર્ગુણદાસ સ્વામીએ આ વાત સાંભળી. તેમનાથી રહેવાયું નહીં, તેઓ બોલી ઊઠ્યા : ‘તમે આ મોતીભાઈનું દુઃખ રડો છો, પરંતુ તમને એમણે ભલામણ કરી છે કે અમારી વાત સ્વામીને કહી અમારું દુઃખ ટાળો ?’
તેમણે બંનેએ કહ્યું : ‘ના, તેમણે અમને કાંઈપણ કહ્યું નથી. પરંતુ અમારાથી તેમનું દુઃખ સહન થતું નથી એટલે આપને પ્રાર્થના કરીએ છીએ.’
ત્યારે નિર્ગુણદાસ સ્વામીએ કહ્યું : ‘તમે એમનાં દુઃખ મટાડવાની પ્રાર્થના કરો છો તે તો તમારામાં સાચું ભક્તપણું છે એટલે ભગવાનના ભક્તના દુઃખે દુઃખી થાઓ છો. ભક્ત તરીકેની આપણી એ ફરજ છે. પરંતુ આ બંને તો તેમનાં દુઃખને ગણતા જ નથી અને સ્વામીશ્રીના સંબંધથી અલમસ્તાઈમાં ફરે છે. જુઓ આ આશાભાઈ, દુઃખમાં પણ એકે સમૈયો, ઉત્સવ કે પારાયણ ચૂક્યા છે ? એટલું જ નહીં, વરસમાં આઠ મહિના તો સ્વામીશ્રી સાથે જ ફરે છે. વળી, આ મોતીભાઈ, એમની સામે તો જુઓ ! સ્વામીશ્રીનાં દર્શન કરી કેવા મલકાય છે, અને છાતી કેવી પહોળી થાય છે ? વળી, કીર્તનો કેવાં કરે છે ?’ એમ કહી તેમણે મોતીભાઈને કહ્યું : ‘તમારું એક કીર્તન તો સંભળાવો. તમારાં એ કીર્તનો સાંભળીને અમારાં દુઃખ ઊડી જાય છે.’
અને શાસ્ત્રીજી મહારાજના કેફથી છલકાતાં મોતીભાઈએ ખોંખારો ખાઈને ટટ્ટાર થઈ શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરતાં કરતાં પહાડી કંઠે સ્વરચિત કીર્તન ઉપાડ્યું :

સખી જુઓ આ સ્વામી, પુરુષોત્તમ પામી,
રાખી ન ખામી, સૌના એ પૂરણકામ;
છે એ અંતર્યામી, ગુણોના ગામી,
સંતોના સ્વામી, સૌના એ પૂરણકામ...

કીર્તન પૂરું થયું અને સભામાં બેઠેલા સૌનાં અંતઃકરણ સ્થિર થઈ ગયાં. બ્રહ્માનંદના સમુદ્રમાં સૌ દેહભાન ભૂલી ગયા. શાસ્ત્રીજી મહારાજ મોતીભાઈ સામું જોઈ મંદ મંદ હસતા હતા. નિર્ગુણદાસ સ્વામીની આંખમાંથી આંસુ ટપકતાં હતાં. હર્ષનાં આંસુ લૂછી તેમણે ભાઈલાલભાઈ તથા નરસિંહભાઈ તરફ જોઈ કહ્યું : ‘આમાં દુઃખનો છાંટો મોતીભાઈના ભાવમાં કંઈ તમને દેખાય છે ?’
સન 1929માં કાર્તિકી પૂર્ણિમાનો સમૈયો બોચાસણ કરી શાસ્ત્રીજી મહારાજ રઢુ પધાર્યા હતા. આ સમયમાં દેશકાળ ઘણો જ વિષમ હતો અને પાકને હિમથી નુકસાન થયું હતું, એટલે દરેકને મુશ્કેલી ઘણી હતી. આ વર્ષના વિષમ દેશકાળમાં શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં મહાન યજ્ઞ આરંભવાનું નક્કી કર્યું હતું. દક્ષિણ દહેરામાં હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથ, મુકુન્દવર્ણી તેમજ ઉત્તર દહેરામાં ધર્મકુળની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હતી. શાસ્ત્રીજી મહારાજની વિશિષ્ટતા એ હતી કે આવા વિષમ સંજોગોમાં જ મહાન સમૈયો કે ઉત્સવનો પ્રસંગ શરૂ કરે અને તે માટે હરિભક્તો પાસે ખરડો કરાવે. અનુકૂળ સંજોગોમાં તો સૌ કોઈ સેવા કરે, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં તેઓ સેવાના આકરા પ્રસંગો કાઢતા અને હરિભક્તોની કસોટી કરતા. છતાં પૂર્ણ ઉત્સાહથી હરિભક્તો પોતાનું સર્વસ્વ શાસ્ત્રીજી મહારાજ ઉપર ન્યોછાવર કરી દેતા. આવા આકરા ભીડાને સૌ ઇચ્છતા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થતા. આ તો બધાં સિંહનાં બચ્ચાં, અતિશય શૂરવીર, કોઈ પાછા પડે તેવા ન હતા. એવા સમયે શાસ્ત્રીજી મહારાજ માટે ફના થઈ જવાના જુસ્સા સાથે મોતીભાઈના મુખેથી સૌને પ્રેરણા આપે એવું અમર શૌર્ય કીર્તન સરી પડ્યું હતું:

અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે,
અમે સૌ શ્રીજીના યુવક, લડીશું શ્રીજીને માટે. 1
નથી ડરતા, નથી કરતા, અમારા જાનની પરવા;
અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા. 2
અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું;
અમારા અક્ષરપુરુષોત્તમ, ગુણાતીત જ્ઞાનને ગાઈશું. 3
અમે સૌ શ્રીજી તણા પુત્રો, અક્ષરે વાસ અમારો છે;
સ્વધર્મી ભસ્મ ચોળી તો, અમારે ક્ષોભ શાનો છે. 4

મોતીભાઈનું આ કીર્તન સાંભળીને સૌ કુરબાન થઈ જવા સૌ તત્પર થઈ જતા.
મુશ્કેલીઓના પહાડો વચ્ચે, નિર્ગુણસ્વામીના શબ્દોમાં કહીએ તો ‘માથા પર જેટલા વાળ છે તેટલાં દુઃખ છે’ એવી સ્થિતિમાં પણ મોતીભાઈ છાતી કાઢીને ચાલતા, ઊંચા અવાજે લલકારતા :

જુઓ સૌ મોતીના સ્વામી, ન રાખી કાંઈએ ખામી;
પ્રગટ પુરુષોત્તમ પામી, મળ્યા ગુણાતીત સ્વામી.
અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે...

એ જોઈને નિર્ગુણદાસ સ્વામી કહેતા : ‘આને કાંઈ દેશકાળ દેખાય છે ? કેટલો કેફ છે !’ 

 

© 1999-2018 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS