Essay Archives

આદિગુરુ ભગવાન વેદવ્યાસજીનું સર્વોત્તમ સર્જન એટલે શ્રીમદ્ ભાગવત. આમાં વર્ણવેલ ભાગવત ધર્મના અધિકારી કોણ? એટલે કે એ ગહન જ્ઞાનને પ્રવર્તાવવાની Authority(સત્તા) કોની? આ સત્તાના સૂત્રો निर्मत्सराणां सतां (ભાગવત ૧-૧-૨) દ્વારા ‘નિર્મત્સર એવા સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે.‘- એમ કહીને ગ્રંથકર્તા વ્યાસજી નિર્મત્સર સંતને સોંપી ગયા છે.
નિર્મત્સરપણું એટલે જીવનમાં કોઈના પણ પ્રત્યે રાગદ્વેષ, વેરઝેર, અભાવ-અવગુણ, વિગેરે રંચમાત્ર પણ ન હોય, પોતાને નુકસાન પહોંચાડનાર પ્રત્યે પણ નહીં. આ સદગુણ પ્રમાણે જીવન જીવી જનારા મીરાંબાઈ, નરસિંહ મહેતા વિગેરે પણ સંત જ ગણાય અને ભાગવત ધર્મના અધિકારી ગણાય. પ્રખર ભાગવત મર્મજ્ઞ શ્રી ડોંગરેજી મહારાજ આવા સદગુણોને જોઈને યોગીજી મહારાજને ભાગવતનું સાક્ષાત સ્વરૂપ કહેતા, તેમના શિષ્ય પ્રમુખસ્વામી માટે પણ એમણે આ જ શબ્દો વાપર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટને પણ પ્રમુખસ્વામી વિશે અભિપ્રાય આપતા કહ્યું છે કે ‘આ એવા પુરુષ છે કે જે બીજાને પાછળ પાડીને આગળ નથી આવ્યા. તેઓ બધાને જોડે છે. તેઓ શાંતિ અને સુસંવાદિતા લાવી શક્યા છે.‘
તા.૨૨-૯-૨૦૦૨ની સાંજે હિન્દુ ધર્મના ગૌરવ અને શાન સમા ગાંધીનગરના અક્ષરધામ ઉપર હિચકારો આતંકવાદી હુમલો થયો. એનો બદલો લેવા માટે કેટલાકના મનમાં વેરની જ્વાળાઓ ભભૂકવા લાગી. પરંતુ તે પછી ત્યાં યોજાયેલી પ્રાર્થનાસભામાં પ્રમુખસ્વામીએ સૌને માત્ર ને માત્ર શાંત રહેવાની અપીલ કરી. એમણે સૌને આગ્રહભરી વિનંતી કરી કે આપણે કોઈના ઉપર હુમલો કરવો નહિ અને દંગા-તોફાન મચાવવા નહિ. પરિણામે સ્વયંભૂ પળાયેલા ભારત-બંધમાં એક પણ અનિચ્છનીય ઘટના ઘટી નહીં. કેવળ દેશના નહીં પરંતુ સમગ્ર દુનિયાના કેટલાય નિર્દોષ લોકોનું લોહી રેડાતું બચી ગયું. મહર્ષિ અરવિંદ કહેતા કે One man’s character can save the whole world- એક જ વ્યક્તિનું ઉમદા ચારિત્ર્ય આખી દુનિયાને બચાવી શકે- તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.
ત્યારબાદ જીનીવામાં સમગ્ર વિશ્વમાંથી પસંદ કરાયેલા ૨૦૦ ચુનંદા પોલીસ અફસરોની કોન્ફરન્સમાં આતંકવાદ સામે લડવામાં શ્રેષ્ઠ ઉપાય કયો એની ચર્ચા થઈ. તેમાં સહુ એ તારણ પર આવ્યા કે પ્રમુખસ્વામીની માફક શાંતિ રાખવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે, જેનું એમણે નામાભિધાન કર્યું- Akshardham Response.
સંતોએ એકવાર પ્રમુખસ્વામીને પૂછ્યું ‘આપને કયો વિચાર અખંડ રહે છે?‘ જવાબ મળ્યો, ‘ભગવાનનો.‘ પછી પ્રમુખસ્વામી સ્વતઃ બોલવા લાગ્યા ‘કયો વિચાર ક્યારેય નથી આવ્યો તે કહું- કોઈનું અહિત થાય એવો વિચાર ક્યારેય નથી આવ્યો.‘ કોઈનું અહિત થાય એવી કલ્પના કરવાથી પણ પ્રમુખસ્વામી કરોડો જોજન દૂર રહેતા. દિલ્હી અક્ષરધામને મળેલી પ્રચંડ સફળતાથી આકર્ષાઈને પરદેશના એક મહાનુભાવે અભિપ્રાય આપ્યો કે ‘ અહીં તમે જે કર્યું છે એનાથી તો ડિઝનીલેન્ડનો બિઝનેસ બંધ થઈ જાય એવું છે.‘ આ સાંભળતાં વેંત પ્રમુખસ્વામી બોલવા લાગ્યા ‘આપણે કોઈનો બિઝનેસ બંધ નથી કરવો, આપણે તો બધાનું સારું થાય એમ જ કરવું છે.‘ જો કે આ તો માત્ર એક કાલ્પનિક સરખામણી જ હતી, પરંતુ પ્રમુખસ્વામી આવી વાત સાંભળવા પણ તૈયાર નહોતા.
એ જ દિલ્હી અક્ષરધામના ઉદઘાટન સમારોહમાં તા.૬-૧૧-૨૦૦૫ના દિને પ્રમુખસ્વામી સમગ્ર વિશ્વમાં લાઈવ પ્રસારિત થઈ રહેલા પ્રવચનમાં ભાંગીતૂટી હિન્દીમાં વારંવાર એક જ વાત કરતા રહ્યા‘ આ કાર્ય જે અમે કર્યું છે તે કોઈની સાથે સ્પર્ધા કરવાના ભાવથી નહીં, કોઈને બતાવી દેવા સારુ પણ નહીં, પરંતુ કેવળ લોકોને સારો સંદેશ મળે અને એમનું જીવન સારું થાય એના માટે જ કર્યું છે.‘
નિર્મત્સર એવા સંતની વિશાળ ભાવનાઓ વારંવાર પ્રગટ થતી દેખાઈ. હિન્દુ ધર્મના એક મોટા સંત બ્રહ્મલીન થયા એ સમાચાર પ્રમુખસ્વામીને આપવામાં આવ્યા ત્યારે સહસા તેમના ઉદ્ગારો નકળી ગયા ‘ એમણે ધામમાં જવામાં ઉતાવળ કરી. આ લોકમાં હજુ દસ વર્ષ વધુ રહ્યા હોત તો બહુ સારું થાત. લોકોને એમના સમાગમનો લાભ મળત.‘ આમ જુઓ તો પેલા ધર્મગુરુ વધારે વર્ષ જીવે એમાં તો એમની સંસ્થા સાથે પોતાની સંસ્થાને એક જાતની સ્પર્ધા ઊભી થતી હતી, પરંતુ પ્રમુખસ્વામીને તો લોકોનું સારું થાય એ જ જોવાની દૃષ્ટિ હતી.
તેરાપંથના જૈન આચાર્ય શ્રી આચાર્ય મહાપ્રજ્ઞજીએ પ્રમુખસ્વામી માટે ઉચ્ચારેલ અભિપ્રાય એકદમ સુયોગ્ય જણાય છે, ‘પ્રમુખસ્વામી મહારાજનું જીવન એક અદ્વિતીય પ્રેમ અને સંવાદિતાનું ઉદાહરણ છે. જો સમગ્ર રાષ્ટ્ર એમનો ઉપદેશ ગ્રહણ કરી એમના ધારાધોરણ પ્રમાણે જીવન જીવે, તો તમામ પ્રશ્નો હલ થઈ જશે.‘ ભાગવતના શ્લોકોમાં કદાચ કોઈને ભલે રસ ન પડે, પરંતુ પોતે સુખે જીવન જીવવા માટે અને લોકોને સુખે જીવન જીવવા દેવા માટે આવા ભાગવત ધર્મના અધિકારી સંતની અતિ આવશ્યકતા સ્વીકારવી જ રહી.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS