• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

ગુણાતીત ગુરુપરંપરાના દ્વિતીય અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રાગજીભક્તની ૧૭૩મી જન્મજયંતી પર, ફાગણ સુદ પૂર્ણિમાએ, તેઓની અમૃતવાણીનું એક આચમન...

ખરું જ્ઞાન થયું ક્યારે કહેવાય ? તો જેમ તલવાર અને મ્યાન નોખાં ખખડે, તેમ દેહ ને આત્મા નોખાં જણાય ત્યારે જ્ઞાન થયું કહેવાય. એવો જે બળિયો હોય તે તો અંતઃકરણમાં ભગવાન સિવાય બીજો સંકલ્પ ઊઠવા દે જ નહિ અને ઊઠે તો કાપી નાખે.

આ દેહ છે તે ખાસડાને ઠેકાણે છે. પગ ન બળે કે કાંટા ન વાગે એટલે ખાસડું પગમાં પહેરાય, પણ કંઈ તેને માથે ન ચડાવાય. આ દેહ છે તેનાથી ભગવાનના ભજનરૂપી કામ લઈ લેવું. પણ તેને પરપોલા જેવો કરી મૂકીએ અને બહુ જ જાળવીએ તો કંઈ સુખ આવે નહિ.

સંતના સમાગમથી જ અંતઃકરણના મળ કપાય છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ શુદ્ધ હોય તો જ ભજનનું સુખ આવે છે.
તે ઉપર એક દૃષ્ટાંત છે : એક વૈષ્ણવ આત્મનિવેદી ભક્ત હતા. તે ભગવાનની પૂજાની સર્વ ક્રિયા પોતાની જાતે જ કરે, પણ કોઈ પાસે કંઈ પણ ક્રિયા કરાવે નહિ. એમ શુદ્ધ રીતે નાહી, પવિત્ર થઈ, શુદ્ધ આહાર, વિહાર આદિક ક્રિયામાં પ્રવર્તે, તેથી અંતઃકરણ સ્થિર રહે અને ભગવાનના ભજનનું સુખ આવે. એક દિવસ કોઈ કામ માટે બહારગામ જવાનું થયું. પોતાની પૂજા અને સામગ્રી સાથે જ હતી. જે ગામ તે ભક્ત ગયા ત્યાં સાંજે પહોંચ્યા. બીજે દિવસે સવારમાં નાહી, પૂજા કરવા બેઠા ત્યારે અંતઃકરણની વૃત્તિ સ્થિર ન થઈ. તેને વિચાર આવ્યો : 'મારે હાથે જ બધી સામગ્રી તૈયાર કરી છે છતાં આમ કેમ થયું ?' તેથી તેણે ઘરના ધણીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું: 'તમે જે કૂવાનું પાણી ભરી લાવ્યા છો તે પાણી અશુદ્ધ છે.' પછી બીજા કૂવાનું પાણી પોતે લઈ આવ્યા અને પૂજામાં બેઠા, ત્યારે વૃત્તિ સ્થિર થઈ અને ભજનનું સુખ આવ્યું. આમ આહાર, વિહારની શુદ્ધિ હોય તો જ અંતઃકરણ સ્થિર થાય છે અને અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ ભગવાનની સ્મૃતિ રહે.
જે અતિશય શૂરવીર થઈને ભગવાનને ભજે છે તેને ભગવાનનું સુખ આવે છે. તે ભગવાનનું સુખ એટલે નિર્ગુણ સુખ. અંતઃકરણમાં અખંડ શાંતિ અને આનંદ વર્તે. અને જેમ ધનના, દીકરાના, સ્ત્રીના અને ખાવાના સુખના હિસોરા જગતના મનુષ્ય રાત-દિવસ લે છે, તેમ ભગવાનનો ભક્ત ભગવાનના સુખના હિસોરા લે. એવા ભગવાનના ભક્તને જગતનું સુખ હોય જ નહિ. જુઓ, વિદુરજી ભગવાનના ભક્ત હતા, તેણે ભાજી ખાઈને ભગવાનનું ભજન કર્યું. દુર્યોધન જેવો ચક્રવર્તી રાજા તેનો ભત્રીજો હતો પણ કોઈ દિવસ તેની પાસે કંઈ માગ્યું નહિ અને ઓલ્યાએ આપ્યું પણ નહિ. વળી, સુદામાએ તાંદુલ ખાઈને પ્રભુ ભજ્યા અને ભગવાન પાસે માગવા ગયા પણ મગાયું નહિ અને ભગવાને તો અંતરિક્ષમાં સોનાના મહેલ ગોલોકમાં હતા તે બતાવ્યા અને તે સુખે સુખિયા કરી દીધા કે દેહ મૂકીને આ ધામમાં બેસવાનું છે. પણ આ લોકમાં સોનાના મહેલ કંઈ થયા નહિ. એવું જો થાય તો રાજા લૂંટી જાય. માટે ભગવાનના ભક્તને આ લોકમાં તો દુઃખ જ હોય.
એકાંતિક સંતનાં લક્ષણ વચનામૃતમાંથી તથા મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીનાં પદો વાંચી-સમજીને વિચારવાં અને એવા સંતને શોધીને તેમને સેવી લેવા, તો મહારાજ રાજી થઈ જશે અને એકાંતિક ધર્મને પમાશે. પણ દ્રોહ કરવાનો સ્વભાવ હશે તો ખાવાની વિષ્ટા મળશે અને પીવામાં લઘુશંકા મળશે. પણ સુખ તો કોઈ દિવસ થશે જ નહિ અને રઝળીને હેરાન થઈને મરવું પડશે. આ સિદ્ધાંત જીવમાં ઉતારવો.
એક વખત ઉંદરિયું વરસ હતું. તે છાજના કૂબામાં ઉંદર બહુ પડેલા. એ કૂબામાં એક મોટો એરુ રહેતો હતો. તે જ્યાં મોઢું નાખે ત્યાં ઉંદર મોંમાં આવે. એમ કરતાં થોડા દિવસે ઉંદર ખૂટ્યા, તેથી એરુને કાંઈ ખાવા ન મળ્યું અને ભૂખ્યો થયો. પછી કૂબા વચ્ચે પડ્યો. હવે એ કૂબામાં કોઈથી પેસાય? તેમ જ્યાં સુધી ઇંન્દ્રિયોનો આહાર ચાલતો હોય, ત્યાં સુધી તેનું જોર ઓછુ _ હોય; પણ એ આહાર બંધ થાય ત્યારે વિષયના સંકલ્પનું જોર વધે. પણ કોટિ કલ્પે વિષય ભોગવવા જ નથી એવો સંકલ્પ જો કરી રાખ્યો હોય, તો વિષયના સંકલ્પ ઓછા થઈ જાય.
ખરું જ્ઞાન થયું ક્યારે કહેવાય ? તો જેમ તલવાર અને મ્યાન નોખાં ખખડે, તેમ દેહ ને આત્મા નોખાં જણાય ત્યારે જ્ઞાન થયું કહેવાય. એવો જે બળિયો હોય તે તો અંતઃકરણમાં ભગવાન સિવાય બીજો સંકલ્પ ઊઠવા દે જ નહિ અને ઊઠે તો કાપી નાખે. આવું અખંડ રહેવાય ત્યારે દેહ અને આત્મા નોખો થયો કહેવાય. દેહ, ઇન્દ્રિયો અંતઃકરણરૂપી બહારવટિયા કેડે પડ્યા હોય તેને સુખે ઊંઘ કેમ આવે? માટે આ જીવ જો બળિયો ન હોય તો ઇંન્દ્રિયો-અંતઃકરણ તેને ઠગી જાય છે. તેથી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા ને તૃષ્ણા આગળ ગરીબ થાવું નહિ. એ તો ‘शठं प्रति शाठ्यं कुर्यात्‌ ।’ એની આગળ તો વાઘ થાવું અને મહારાજને કહેવું: 'હે મહારાજ ! મારા અંતરમાં આવી બિરાજો.' અને ઓલ્યા આગળ તો શૂરવીર થઈને સામા થવું અને અંતરમાં પેસવા દેવા નહિ. જો સંકલ્પ થાવા દઈએ અને તેનું સાંભળીએ, તો આપણને ભોળવે ને !
કારણ કે જો જરાક જીવે દયા ખાધી અને મનનું કર્યું, તો મન તેને વિષયી બનાવી દે છે. આમ તો મનને અને જીવને અનાદિની મિત્રતા છે. જેમ પાણી અને દૂધને મિત્રતા છે, તે દૂધ ઉભરાઈને દેવતા ઓલવે છે જેથી પાણી બળતું બંધ થાય. પાણી પણ તળિયે બેસીને પોતે બળે પણ દૂધને બળવા ન દે. તેમ આ બંને પરસ્પર એકબીજાને એવા જાળવે છે કે એકબીજાનું ગમતું જ યેનકેન પ્રકારેણ કરે છે. માટે જીવે તો શૂરવીર થઈ મન થકી નોખા પડ્યે જ છૂટકો. આવું જે જ્ઞાન તે ડૂંડાને ઠેકાણે છે. વૈરાગ્યરૂપી વાયુથી એ ડૂંડાંમાંથી દાણા જુદા કાઢવા. ધર્મ એ દાણાને ઠેકાણે છે.
જ્યાં સુધી સત્પુરુષ તરફ સન્મુખનાં પગલાં આ જીવ નહિ લ્યે, ત્યાં સુધી ભટકવાનું જ છે. માટે અંતર્દૃષ્ટિ કરીને વિચાર કરવો કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે તે ઠેકાણે ઉદ્યમ કરીએ છીએ અને જ્યાંથી કોટિ કલ્પે ઉચાળા ભરવાના નથી તે ઠેકાણે ઉદ્યમ નહિ, એ આ જીવનું મોટું અજ્ઞાન છે. અમારા મનમાં તો એમ જ સંકલ્પ છે કે બધાને નિર્વિષયી કરી દઈને અક્ષરધામમાં પરમપદના અધિકારી કરવા છે. પણ આ જીવને શિશ્ન અને ઉદર એ બેને વિષે આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે. વળી, ધન અને સ્ત્રી, તેમાં આસક્તિ છે ત્યાં સુધી એ જીવ સુખ-શાંતિ પામે તેમ નથી. માટે ધન અને સ્ત્રી - તેમાંથી આસક્તિ ટાળીને, દેહાભિમાન અને સ્વભાવને જ્યારે એ જીવ છોડશે, ત્યારે જ એને સુખ-શાંતિ થશે અને પરમેશ્વરની ભક્તિનો અધિકારી પણ થશે.
જેને આવા ભગવાનને સાક્ષાત્‌ ધારણ કરી રહેલા સંત ન ઓળખાય અને ઓળખાય તો પણ સર્વ પ્રકારે તેમાં ન જોડાવાય, તો જન્મ એળે ગયો કહેવાય.
ઉપાસનાની શુદ્ધ રીત તો મોટા સત્પુરુષ થકી જ સમજાય છે. તે સિવાય તો 'ઉપાસના કરી, ઉપાસના કરી, એમ બોલવાથી ઉપાસના કહેવાશે નહિ. શુદ્ધ ઉપાસનાની તો એમ રીત છે કે ભગવાનને સદા સાકાર સમજે, દિવ્ય સમજે, સર્વોપરી સમજે, પ્રગટ સમજે, કર્તા સમજે અને પોતે બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાનના સ્વરૂપને વિષે આવી જે નિષ્ઠા તે કોઈ કાળે નાશ પામે જ નહિ અને ભગવાનના સર્વોપરી સદા દિવ્ય સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, એ ઉપાસનાવાળો છે. એવી ઉપાસના તો અમારે અતિશય દૃઢ છે. અમે શ્રીજીમહારાજને સર્વોપરી, સદા દિવ્ય સાકાર મૂર્તિ અને કર્તા થકા અકર્તા, કર્તુમકર્તુમ્‌, અન્યથાકર્તુમ્‌ શક્તિવાળા સમજીએ છીએ અને તેમાં જો લગારેક ફેર હોય તો તમારા જેવા બ્રહ્મવેત્તા સાધુના સમ છે.
દેહરૂપી પતરાવળું રાખીને, ભગવાનની ભક્તિરૂપી લાડવા જમી લેવા. પતરાવળાં વગર જમીન ઉપર લાડવા ન ખવાય. પ્રભુ ભજવા દેહ તો જોઈએ અને દેહ સાજો પણ રાખવો જોઈએ. પતરાવળું ફાટેલું હોય તો તેને થીંગડું દેવું, તેમ દેહમાં રોગ હોય તો તેનું ઔષધ કરવું, પણ દેહને સાજો કરી ભગવાનના ભજન સિવાય બીજો સંકલ્પ તો આ દેહે કરવો જ નહિ. અને આ દેહને પોતાનું રૂપ માનવું નહિ. પ્રકૃતિપુરુષથી પર અને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એ જ મારું સ્વરૂપ છે એમ અખંડ માનવું.
મોટાપુરુષના ગુણ લેવાનો જે સ્વભાવ છે એ જ ભક્તિ છે અને એ ભક્તિ એ ચૈતન્ય છે. જેમ આ દેહમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને તેના દેવતા સર્વે હોય, પણ ચૈતન્ય જે આત્મા તે ન હોય તો શા કામનું ? તેમ વૈરાગ્ય, જ્ઞાન, ધર્મ સર્વે હોય પણ ભક્તિરૂપી ચૈતન્ય ન હોય ત્યાં સુધી એ સર્વે નકામું છે. માટે ભક્તિ એ આત્મા છે, વૈરાગ્ય એ પગ છે, ધર્મ એ હૃદય છે અને જ્ઞાન એ આંખ છે. જીભે કરીને ભજન કરે અને અધર્મ સર્ગને હૃદયમાં પેસવા ન દે તો ‘ब्रह्मभूतः प्रसन्नात्मा' એવો બ્રહ્મરૂપ થઈ જાય. પછી એ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકારી થાય છે.
મનુષ્ય કરતાં તો પ્રાણીને વિષે વધારે ખપ હોય છે. જેમ કૂતરું હોય તેને જમ્યા પછી બટકું રોટલો નાખીએ તો તે પૂંછડી હલાવતું પાસે આવે અને પાછુ _ 'હડે' કહીએ એટલે જતું રહે. તો પણ તે બટકું રોટલાની આશાએ ઘરની વાંસે રાત-દિ આંટા દીધા કરે છે ને તેનું ઘર સાચવે છે અને ગમે ત્યાં ફરે પણ ઘર આગળ આવીને જ બેસે છે. તેમ કૂતરા જેવો સ્વભાવ હોય તો પણ ઠીક! પણ આ તો જરાક માનખંડન થાય કે ઠા રહે તેમ જણાતું નથી. બાકી રોટલો તો સત્સંગમાં છે એમ જરૂર જાણજો. સત્સંગમાં અને સાધુમાં જેવો માલ છે તેવો બીજે નથી; પણ સમજાય તો.
ઇન્દ્રિયો, અંતઃકરણને જીતવાનો ઉપાય તો મોટા થકી જ શીખાય. જીવમાં જ્યારે જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય, ત્યારે આ લોકમાંથી વૃત્તિ તૂટે છે; ત્યાં સુધી માયિક પદાર્થમાંથી વૃત્તિ તૂટતી નથી. આ લોકમાં જેટલા વિષય છે તે જો મળે તો આ લોકમાં દેહે કરીને સુખિયો રહે, પણ અંતે તો તેનું ફળ ઘોરતમ નરક છે. સંતનો સમાગમ તો કોટિ અપરાધને પણ કાપી નાખે છે.
આ જીવ પોતાના દેહ સારુ ઘણું કરે છે. દેહને જાળવે છે, સાંજ પડે હવા ખાવા જાય, ફરવા જાય - એમ અનેક પ્રકારે દેહને સુખી રાખવા મંડી પડ્યો છે. પણ જ્યાં સુધી ગુરુને મન સોંપ્યું ન હોય ત્યાં સુધી કંઈ જ કર્યું નથી.
આ દેહ છે તે ખાસડાને ઠેકાણે છે. પગ ન બળે કે કાંટા ન વાગે એટલે ખાસડું પગમાં પહેરાય, પણ કંઈ તેને માથે ન ચડાવાય. આ દેહ છે તેનાથી ભગવાનના ભજનરૂપી કામ લઈ લેવું. પણ તેને પરપોલા જેવો કરી મૂકીએ અને બહુ જ જાળવીએ તો કંઈ સુખ આવે નહિ. માટે એવી અવળી સમજણ એ જીવ મૂકશે ત્યારે જ તેને એવું થશે. સ્વામીના પ્રતાપે અમારે તો હાથમાં હાથ અને કાનમાં કાન એવું થઈ ગયું છે. રાધિકાજી ભગવાનને છાતી ઉપર રાખતાં અને જરાક જો ભગવાન વિસરાય તો ચીસ પાડતાં. એમ જ્યારે ગંડવા ચાલે ત્યારે પ્રભુ ભજાય.
ભગવાનરૂપી એક રત્ન છે અને એક માયારૂપી રત્ન છે. તે જે ખરો ઝવેરી હોય તે માયારૂપી રત્નને ઓળખી, ખોટું કરી, ફેંકી દે છે અને ભગવાનરૂપી રત્નને રાખે છે. તેમ દેખાવમાં તો ભગવાન પણ મનુષ્ય જેવા જ દેખાય અને માયા તો છે જ એવી, પણ ખરેખરો ઝવેરી હોય તેને એ બંનેની વિક્તિ પડી જાય. એકાંતિકના સંગથી મહિમા અને નિશ્ચય વધે છે અને એકાંતિક ધર્મ પમાય છે.
જુઓને, લોકમાં અજ્ઞાન કેટલું છે અને ભગવાન સંબંધી તો વાત જાણે કંઈ જાણતા જ નથી. પણ એમ નથી સમજતા કે જન્મતાં પહેલાં માતાના સ્તનમાં દૂધ કેણે મૂક્યું? અને વળી ગર્ભમાં કોણે રક્ષા કરી ? પણ ભગવાનનો નિશ્ચય નહિ, એટલે દેશકાળે સ્થિતિમાં ઠા રહે નહિ. કેટલાકને એમ થાય કે 'મારા વગર આનું શું થશે?' એવું ખોટું અહં-મમત્વ રાખીને બેઠા હોય તે શું સમજતા હશે?

© 1999-2018 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS