• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

જીવનની શરૂઆત થઈ તેની સાથે સ્ટૉપવૉચ દબાઈ ચૂક્યું છે. કાંટા ફરવા લાગ્યા છે. ગમે ત્યારે જીવનની આ સ્ટૉપવૉચ સ્ટૉપ થશે. આવા ઝડપી અને અકળ જીવનમાં જો ધ્યેય નહીં હોય તો જીવનનો ફેરો અફળ જશે. ફેરો સફળ કરવો હોય તો ­ધ્યેય બાંધો.
ધ્યેય માણસની શક્તિનો પરિચય આપે છે. ધ્યેય વિના શક્તિ બહાર ન આવે. ધ્યેય વિનાનો માનવી સુકાન વિનાની નાવ જેવો છે. સુકાનમાં નાવને દિશા આપવાની તાકાત છે. ધ્યેયમાં જીવનને દિશા આપવાની તાકાત છે.
વિદ્યાર્થી જેમ પોતાનો ધ્યેય નક્કી કરે કે મારે મૅડિકલમાં જવું છે તો તેના અભ્યાસમાં ગતિ, ­ગતિ અને એકાગ્રતા આવે અને ત્યાર પછી તેને સો ટકા સફળતા મળે જ.
જેટલી ધ્યેયની સ્પષ્ટતા તેટલી તેના માર્ગમાં માણસને દૃઢતા અને એકાગ્રતા સધાય છે. અને જેટલી દૃઢતા તેટલી તેને સફળતા મળે છે.
આધ્યાત્મિક માર્ગમાં પણ પહેલો ધ્યેય બંધાવો જોઈએ કે સત્સંગમાં શું કરવા આવ્યા છીએ અને શું થઈ રહ્યું છે ? આધ્યાત્મિક માર્ગમાં શક્તિ-બુદ્ધિ પ્રમાણે ઘણું કરી છૂટીએ છીએ પણ ધ્યેય વિના તેની સફળતા મળતી નથી.
આપણો આધ્યાત્મિક ધ્યેય કયો હોવો જોઈએ ? ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ ૨૧ના વચનામૃતમાં આપણને ધ્યેય બાંધી આપે છે :
''એમ જ નિશ્ચય કરવો જે 'આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.''
આધ્યાત્મિક માર્ગમાં ભક્તના પ્રકાર પણ ધ્યેયની દૃઢતા ઉપરથી જ નક્કી થાય છે. એકવાર અમે જાપાન ગયા હતા. ત્યાંના હરિભક્ત પોપટભાઈએ અમારા હાથમાં બે મોતી મૂક્યાં. દેખાવે બંને મોતી એક સરખાં લાગે પણ ભાવમાં ઘણો તફાવત. અમે કિંમત પૂછી.
તેમણે કહ્યુð_ : 'એકના ત્રણ હજાર ને બીજાના ત્રણ લાખ !'
મેં પૂછ્યું : 'આમ કેમ ? બંને સરખાં જણાય છે ને ભાવમાં આટલો બધો ફેર કેમ ?'
એમણે ત્રણ હજારની કિંમતવાળું ધોળું મોતી બતાવીને કહ્યું : 'જુઓ, આ ધોળા મોતીમાં ધોળો ડાઘ છે - એક નાની ટાંકણીની અણી જેટલો જ. જો એ ન હોત તો આની કિંમત ત્રણ લાખ હોત !' થોડી જ ખામીથી મૂલ્ય બદલાઈ ગયું ! તેમ આપણામાં પણ કંઈક એવું છે કે તે ત્રણ લાખના ત્રણ હજાર કરી નાંખે છે !
મદ્રાસના હરિભક્ત ­મોદભાઈ પહેલાં શાહીનો ધંધો કરતા. એકવાર તેમની પ્રોડક્ટમાં ફેર પડ્યો, એટલે કંપનીને રૂા. ૫૦,૦૦૦ની શાહી ગટરમાં ફેંકી દેવી પડી. એમ ધ્યેયમાં થોડીક ખામીને લીધે માણસનું પતન થાય છે.
અમે આ મોતી પરથી વિચાર્યું કે મહારાજે ભક્તોની વ્યાખ્યામાં જ્ઞાનીને શ્રેષ્ઠ કહ્યો છે તેનું કારણ એ છે કે જ્ઞાનીને ભગવાન સિવાય કોઈ લૌકિક ઇચ્છા નથી. બીજા બધામાં થોડો થોડો બીજી ઇચ્છાઓનો ડાઘ રહી જાય છે. એટલે આ મોતીની જેમ તેમની મહત્તામાં પણ આકાશ-પાતાળનો ફેર રહે છે. ભગવાન વિના એટલે શું ? તેમાં ભગવાન સિવાય બીજો સામાન્ય કચરો ન હોય.
આપણે જે કાંઈ ભક્તિ-ઉપાસના-માળા-પૂજા-પ્રાર્થના કરીએ છીએ તેમાં ધ્યેય તરીકે લૌકિક કામના ઝળકતી હોય છે. મહાપૂજા કરાવીએ તેમાં મોક્ષની ઇચ્છા નથી હોતી, પરંતુ આ લોકનું કોઈ કાર્ય સિદ્ધ થાય તેને માટે હોય છે.
ઘરેથી આપણે બહાર નીકળ્યા અને કોઈ પૂછે કે ક્યાં જવું છે ? તો આપણે એમ નથી કહેતા કે જ્યાં જવાય ત્યાં ! જ્યાં જવાનું છે તે નિશાન પાકું છે, તેમ આધ્યાત્મિક માર્ગે આપણું નિશાન પાકું છે ? શ્રીજીમહારાજ આપણને ધ્યેય બાંધી આપે છે, પરંતુ તેમાં આપણે શોર્ટકર્ટ શોધીએ છીએ ! એટલે કે મન માન્યા સાધન કરીએ છીએ.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણનારા ગ્રૅજ્યુએટો તો કહેવાય છે, પરંતુ એવું તારણ નીકળ્યું છે કે એ વિદ્યાર્થીઓ પૈકી ૮૦ ટકા વિદ્યાર્થીઓને ધ્યેય જ નથી ! આપણે યોગીજી મહારાજના વચન મુજબ બ્રહ્મવિદ્યાની કૉલેજમાં ­વેશ પામી ચૂક્યા છીએ, પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટોની જેમ શ્રીજીમહારાજે કહ્યા મુજબનો ધ્યેય હજુ સુધી પામ્યા નથી. બ્રહ્મરૂપ થવું, અક્ષરરૂપ થવું એ ધ્યેય છે. મહારાજના મણકામાં આવવું છે એ ધ્યેય છે.
શ્રીજીમહારાજના વખતમાં સંતદાસજી નામના સાધુ હતા. તેઓ છતી દેહે બીજા લોકમાં જતા અને આવતા. એક વાર મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને નીંબવૃક્ષ તળે સભા કરીને બેઠા હતા. અને સંતદાસજી આકાશમાર્ગેથી નીચે ઊતર્યા. હાથમાં બે મણનું મોટું બોર હતું. તે તેમણે શ્રીજીમહારાજનાં ચરણોમાં મૂક્યું. ત્યાં બેઠેલા સૌએ જાણ્યું કે તેઓ આ બોર બદરિકાશ્રમમાંથી લાવ્યા છે. ત્યારે સૌને ખૂબ આશ્ચર્ય થયું કે આવું કેવું ? આ લોકમાં પણ એમનેમ જવાતું નથી. કહેવાય છે કે સ્પેસમાં શરીર ફૂલે અને ફાટી જાય ! પરંતુ સંતદાસજી જઈ આવ્યા તે સૌએ નજરે જોયું. મહારાજના વખતમાં આવા તો કેટલાય સંતો-ભક્તો હતા, પરંતુ માળાના મણકામાં આવે એટલા કેટલા !
મહારાજના ભક્તોમાં માળાના મણકામાં આવે તે જુદા. ભલે આકાશગમન કરતા હોય પણ એ જ્ઞાનીને તોલે ન આવે. આપણે પણ આ વિચારીને ભગવાન રાજી થાય એ રીતે જીવન બનાવ્યું છે ખરું ? આપણે આ બાબતમાં સ્પષ્ટ નથી એટલે આપણી પ્રાર્થના પણ કેવી હોય છે ?
કોઈ કરોડપતિ મળે અને આપણા ઉપર રાજી થાય અને માંગવાનું કહે તો શું માંગીએ ? એક શેર ડુંગળી ને ચોખા આપો, એ ? ના ! એવું માંગીએ તો આપનારને લાજ આવે. તેમ ભગવાન અને સંત પાસે વિષય માંગીએ તો તેમને લાજ આવે.
ભક્તિચતામણિમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તોની પ્રાર્થના ગૂંથી છે જે આજે પણ આપણે ગાઈએ છીએ કે 'મહાબળવંત માયા તમારી.' તેમાં એક કડી આવે છે કે 'દેશોમા સંસારી સુખ !' આપણે ગાઈ નાંખીએ પણ વિચારીએ છીએ ખરા ! કે સંસારી સુખ લેશ પણ માંગવાનું નથી !! જો વિચારીએ તો કોઈ ન માંગે. કદાચ સાચું પડી જાય તો! જ્ઞાની ભક્ત હોય તે કામ પૂરતું ડહાપણ વાપરે પણ ભગવાનની પ્રસન્નતા સિવાય કંઈ ઇચ્છે નહીં. ભગવાન અક્ષરધામમાંથી આ ગતિ પમાડવા માટે જ આવેલ છે. ટ્રેન પડી રહી છે. ઠેઠ પહોંચાડે છે અક્ષરધામમાં ! પણ ઘણા વચ્ચે તરી જાય. ભગવાન સિવાય બીજી ઇચ્છા ! - બીજા લોકમાં જાય તે વચ્ચે તરી ગયા ! જેને આપણે જ્ઞાની સિવાયના ભક્તો કહી શકીએ.
આપણને ગુણાતીત સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે, એમને રાજી કરી લીધા તો આપણે નિશાન પાકું છે. અને અક્ષરધામમાં જ છીએ.
ભક્ત એવો છે કે જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એને વિષે એ મોટી ખોટ છે.
જુઓ, એ ભક્તમાં વાસના લેશમાત્ર નથી, વળી તીવ્ર વૈરાગ્યવાળો છે, પરંતુ એ વૈરાગ્યનો એના હૃદયમાં મોટો અહંકાર ભર્યો છે કે જે ત્રણ લાખની કિંમતના મોતીમાં પડેલા એક સામાન્ય ને ઝીણા સરખા દાગની જેમ તેની કિંમત પણ સાવ ઘટાડી દે છે.
રામાનંદ સ્વામીના વખતમાં હરબાઈ વાલબાઈ નામની બે બાઈઓ હતી. તેમનામાં તીવ્ર વૈરાગ્ય હતો. છતાં શ્રીજીમહારાજને રામાનંદ સ્વામીએ ગાદી આપી ત્યારે આ બંનેએ તેનો વિરોધ કર્યો હતો, કારણ કે શ્રીજીમહારાજે બાઈ-ભાઈની સભા જુદી કરી અને નિષ્કામ ધર્મનું સ્થાપન કર્યું તે તેમને રુચ્યું નહીં. આથી જ્યારથી મહારાજ પધાર્યા ત્યારથી તે બંને પોતાનો ચોકો જુદો કરતી અને ગામ-ગામ ફરતી. આત્મજ્ઞાની તો એવી કે હથેળીમાં સળગતા અંગારા લે ને ચામડી ચરરર... બળે ને વાતો કરતી જાય, પણ ભગવાન સાથે લેશ પણ નાતો નહીં. ભગવાનના સંબંધ વગરનાં એવાં તીવ્ર વૈરાગ્ય કે આત્મજ્ઞાન શું કામનાં ?
શ્રીજીમહારાજે ભગવાનને પામવાના ધ્યેય સાથે આપણને ખાસ ભયજનક સ્થાન પણ બતાવ્યાં છે.
વચનામૃત ગઢડા પ્રથમ ૨૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યુð_ કે 'ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજાં જે સ્ત્રી-ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી.'
આપણે આ ધ્યેય ઉપર કદી વિચાર કરતા નથી. ભગવાન સુધી પહોંચવામાં આપણને આ લોકનાં વૈભવો અને આકર્ષણો આડખીલીરૂપ થતાં હોય છે. અને એટલે જ આપણે ભગવાનને મૂકીને વિષયને વળગી જઈએ છીએ.
એક રાજા નિર્વંશ હતો. પોતાની જગ્યાએ નવા રાજાની નિયુક્તિ કરવા તેણે હરીફાઈ ગોઠવી. નાનાં-મોટાં બાઈ-ભાઈ બધાં તેમાં ભાગ લઈ શકે. તેણે એક મોહનગરી બનાવી. શરત એટલી કે જે વ્યક્તિ આ મોહનગરીના એક છેડેથી બીજે છેડે પહોંચે તે રાજા બને. બધાં પડ્યાં તો ખરાં, પણ વચ્ચે મોહનગરીમાં ફસાઈ ગયાં. વિચાર કરે કે હમણાં આટલો લાભ લઈએ, પછી પહોંચી જઈશું. કેટલાક તો એમ વિચારે કે રાજા થયા કે ન થયા કોને ખબર છે ! પણ આ સુખ મળે છે તે ભોગવી લો ને !
આ બધામાં એક માણસે બુદ્ધિ દોડાવી અને આંખો બંધ કરીને ભાગ્યો. વિચાર કર્યો કે 'રાજા થયા પછી આ બધું મારું જ છે ને !' એમ એ દોડતો દોડતો બીજે છેડે પહોંચી ગયો.
એમ આધ્યાત્મિક માર્ગમાં પણ એવું છે. ભગવાનના માર્ગે ધ્યેય સુધી પહોંચતાં પહેલાં ભક્તને લૌકિક વિષય સુખ આડે આવે છે જેમાં ભક્ત ફસાય તો ધ્યેય ચૂકી જાય. આપણને આવું ­લોભન આવે ત્યારે આપણે વિચારવું કે ભગવાનના સ્વરૂપમાં જ બધું સુખ રહેલું છે. એ મળે એટલે સુખ, સુખ ને સુખ. શ્રીજીમહારાજ પરમાત્માની પ્રાપ્તિની ધ્યેયસિદ્ધિમાં બાધક ગણાતું એક તત્ત્વ આપણને ઓળખાવે છે - તે છે માન. સાક્ષાત્‌ ભગવાનની પ્રાપ્તિ થઈ હોય પરંતુ પોતામાં રહેલા ગુણોનું અભિમાન એ ભક્તિની સિદ્ધિ થવા દેતું નથી.
જેમ કે કોઈ ભક્ત અતિશય દૃઢ ભક્તિવાળો હોય અને તેના અહંકારથી જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીનવચન બોલાય નહિ તો શ્રીજીમહારાજ કહે છે કે એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્ત વૃદ્ધિ ન પામે.
ઘણા મહાત્માઓને અહંબ્રહ્માસ્મિનું મિથ્યા જ્ઞાન હોય છે. ધારો કે એવું આત્મજ્ઞાન કોઈને પૂર્વના પુણ્યે પ્રાપ્ત થયું અને જો તે તેને લીધે અભિમાનમાં અટંટ રહેતો હોય અને ગરીબ હરિભક્તને નમતો ન હોય તો એ એને મોટી ખોટ છે.
ઘણા સેવા કરે, સેવાથી એમને માનનું સુખ આવે છે, ભગવાનની મૂર્તિનું નહીં. આવો અહંભાવ કામ બગાડે છે.
શ્રીજીમહારાજ એક સરસ દૃષ્ટાંત આપે છે : ''જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે, 'પાણી ઘણું થશે,' અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, 'કૂવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહિ થાય;' તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેણે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહિ.''
વળી શ્રીજીમહારાજ કહે છે કે માનિની ભક્તિ આસુરી છે. બધા દોષવાળા ટકી જાય પણ માની ન ટકે. જરાક અપમાન થાય કે નિયમ લઈ લે, 'આ મંદિરમાં પગ મૂકે તે બીજો.'
અમેરિકાનું એક કુટુંબ, બધાની હેલ્થ બીજી રીતે સારી પણ શરીર વધે નહીં. ખૂબ તપાસ કરી. છેલ્લે તારણ નીકળ્યું કે પાણીની પાઇપ લાઇનમાં કાણું હોવાથી પાણીમાં દૂષિત તત્ત્વો ભળતાં હતાં. એ પાણી પીવાથી શરીરનો વિકાસ રૂંધાય છે. પાઇપ લાઇન બદલી નાંખી પછી શરીરનો વિકાસ થયો.
જ્ઞાન-ભક્તિ વગેરેની પાઇપલાઇનમાં અહંકારનું દૂષિત તત્ત્વ ભળે પછી વૃદ્ધિ ન પમાય !
જૂનાગઢના નવાબને નડિયાદના દીવાને આમંત્રણ આપ્યું હતું. દીવાને નડિયાદમાં એક મોટી હવેલી બાંધી હતી, તેનું ઉદ્‌ઘાટન તેમણે નવાબસાહેબને હસ્તે રાખ્યું હતું. તે વખતે હજુ ટ્રેઇન શરૂ જ થઈ હતી. તેથી આખી ટ્રેન નવાબ માટે શણગારી અને નવાબનું સલૂન એવું અદ્‌ભુત સજાવ્યું કે તેને જોવા લોકોનાં ટોળેટોળાં મટતાં. ટ્રેઇન નડિયાદ આવી ચૂકી. ત્યારે નવાબ કહે : 'ટ્રેઇન વાપસ લે લો.'
દીવાને પૂછ્યું : 'જહાઁપનાહ ! શું કારણ ?'
નવાબ કહે : 'આ હવેલીમાં ઉદ્‌ઘાટન કરીને અમે આવીએ એ પહેલાં કડિયાઓ, મજૂરો બધા ગયા હતા કે નહીં ?'
'હા જહાઁપનાહ !'
'તો પછી ઉદ્‌ઘાટન કરવાનો અમારો મહિમા શું ? ઉદ્‌ઘાટન પહેલાં જ બધા અંદર જઈ આવ્યા છે ને !'
એમનો પિત્તો ગયો ! અને ઠેઠ નડિયાદ આવીને ઉદ્‌ઘાટન કર્યા વગર રસાલો પાછો ગયો.
આપણને પણ એવું જ છે. સત્સંગમાં અપમાન જેવું થાય કે તરત ટ્રેઇન પાછી પડે ! આ મંદિરમાં પગ મૂકે તે બીજા એમ થઈ જાય.
માટે રોજ પ્રાર્થના કરો કે 'હે મહારાજ ! મારું માન ઓળખાવજો અને તે ટાળવા માટે મને સદ્‌બુદ્ધિ આપજો.' ભગવાન દયાળુ છે. તેઓ કોઈનામાં પ્રવેશ કરીને પણ આપણું માન ટળાવે. પરંતુ એ વખતે તેને આ ખ્યાલ હોવો જ જોઈએ કે મેં મારું માન ટાળવા ભગવાનને પ્રાર્થના કરી છે તે તેમણે અવશ્ય સાંભળી છે ! એમ વિચારી પોતે નિર્માનીપણે વર્તે અને નાનામાં નાની સેવા દાસપણું રાખીને કરે તો માન ટળે.
માન ટાળવા માટે શરૂઆત પોતાથી જ કરવાની છે. સત્સંગમાં કંઈપણ કરો, માન મળવાનું જ છે, પરંતુ એ પણ જાણી રાખવું કે અપમાન પણ થવાનું જ છે. આ બંને બાબતે નિર્લેપ રહેવું જોઈએ. માન મળે તો મલકાવું નહીં અને અપમાન થાય તો કરમાવું નહીં.
ભગવાન અને સંતનો રાજીપો દાસના દાસ થવામાં છે. નિર્માનીપણું એ મોટી ડિગ્રી છે. જે ગુણાતીત ગુરુઓએ આત્મસાત્‌ કરી છે. આપણામાં જ્યારે આપણા ગુણનું માન આવે ત્યારે આપણે જો એ ગુરુવર્યો સામે દૃષ્ટિ કરીશું, આજે પ્રમુખસ્વામી મહારાજ સામે દૃષ્ટિ કરીશું તો સહેજે જ માનનો અંકુર તોડી શકીશું. ણુશ્વૂ ધ્યેયબાધક એક બીજું તત્ત્વ તે હેત છે. જેને સ્નેહ કહીએ, પ્રેમ કહીએ, પ્રીતિ કહીએ. આ હેત કે પ્રીતિ જેવા દેહ અને બીજા બધામાં છે તેવાં ભગવાન કે સંતમાં છે ખરાં ? એ તપાસીએ તો માલૂમ પડશે કે પાંચ ટકા પણ ભગવાન કે સંતમાં હેત નથી. શ્રીજીમહારાજે અંત્યના ૧૭મા વચનામૃતમાં મહાપાપની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે 'ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે.'
સત્સંગમાં આવ્યા પછી આપણે ભગવાનની પ્રાપ્તિનો ધ્યેય જો હૃદયમાં રાખ્યો હોય તો આ વાતને ખૂબ ઊંડે સુધી દૃઢ કરવી પડશે.
જેમ મંદિર વગર મૂર્તિ પધરાવી શકાતી નથી, પહેલું મંદિર કરવું પડે પછી તેમાં મૂર્તિ-પ્રતિષ્ઠા થાય; તેમ મૂર્તિ વગર મંદિર થતું નથી. મૂર્તિને લીધે બધું છે. મૂર્તિ જ ન હોય તો ?
સત્સંગમાં ઘણી જાતની ­વૃત્તિ વિકાસ પામી, પરંતુ મુખ્ય શું ? તો ભગવાનમાં જોડાવું તે છે. ભગવાન અને સંતમાં હેત વૃદ્ધિ પામતું જાય તેને માટે આ ­વૃત્તિ છે, સત્સંગ છે. જે કરવાથી લૌકિક હેત ધીરે-ધીરે ગૌણ થઈ જાય છે અને ભગવાન અને સંતમાં જીવની વૃત્તિ લાગી જાય છે.
શાસ્ત્રીજી મહારાજ પાસે એક હરિભક્ત આવ્યા. વીલ કર્યું : ભગવાન લેખે. યોગીજી મહારાજ બહુ રાજી થઈ ગયા. થાપા આપી દીધા. શાસ્ત્રીજી મહારાજ કહે : 'યોગી ! પૂછો તો ખરા કયા ભગવાનને નામે વીલ કર્યું ?'
યોગીજી મહારાજે પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે એણે તો પોતાના 'ભગવાન' નામના છોકરાના નામે વીલ કર્યું છે!
ગઢડા પ્રથમ પ્રકરણના ૧૪મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે : 'ધન, ધામ, કુટંબ, પરિવાર બધું સ્વપ્નતુલ્ય છે.' ગૃહસ્થને આ સમજણ દૃઢ કરવી જ પડે. તો તેને ભગવાન સિવાય કોઈનામાં બંધન ન થાય અને અંતકાળ સુધરી જાય. ણુશ્વૂ જનક રાજાને એકવાર સ્વપ્ન આવ્યું, હું ગરીબ ભિખારી થઈ ગયો. આંખ ઊઘડી ત્યારે 'મહારાજાને ઘણી ખમ્મા !' કહેતો દરવાન ઊભો હતો. તે વખતે પોતે રાજા હતા. તેને અંતરમાં દ્વિધા થઈ કે ભિખારી કે રાજા - આ બેમાંથી સાચું શું ? તેણે આ પ્રશ્ન ગુરુને પૂછ્યો. ગુરુ કહે : 'જો તું સ્વપ્નું સાચું માનતો હોય તો આ સાચું છે. ને જો સ્વપ્નું ખોટું માનતો હોય તો આ ખોટું છે, કારણ કે સંસાર સ્વપ્નવત્‌ છે. જેમ માણસ ઊંઘમાં જાય છે ત્યારે પોતાનું બધું જ ભાન ભૂલી જાય છે અને જુદી દુનિયામાં ચાલ્યો જાય છે. તેમ જ્યારે જિંદગી પૂરી થાય અને આંખ મીંચાય પછી તેને આ જગત રહેતું નથી. જો સ્વપ્નું સાચું હોય તો આ સાચું માનવું, પરંતુ સ્વપ્નું ખોટું જ હોય છે એટલે જગત ખોટું છે.' નારાયણ ભક્ત ગાય છે :
સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે, સ્વપ્ના સાથે જાશેજી...
નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવુંજી;
પતરાવળાંને જમી-કરીને બહાર ફેંકી દેવુંજી.
નાશવંત દેહથી અવિનાશી ફળ લેવું હોય તો ભગવાનની મૂર્તિ સિવાય કંઈ કચરો રહે નહીં એ ધ્યેય બાંધો. હેત કેવળ ભગવાન અને સંતમાં જ કરવું. દેહે કરીને વ્યવહાર કરીએ પણ મન તો ભગવાન અને સંતમાં ઓતપ્રોત કરી દેવું. સત્સંગમાં આવીએ પણ ધ્યેયનિષ્ઠા જ નથી. એટલે કેટલું બધું વ્યર્થ જાય છે ! અને કરીએ તેમાં પણ બરકત આવતી નથી. ધ્યેય બાંધીને મહેનત કરે તો મેદાન મારી જાય.
વાત ઝીણી છે પણ ધ્યેયની સ્પષ્ટતા નથી એટલે સમજાતી નથી.


(અમદાવાદ મંદિરમાં કરેલ વચનામૃત નિરૂપણ)

© 1999-2018 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS