Essays Archives

ભગવાનનું આ લોકમાં અવતરવાનું શું પ્રયોજન હોઈ શકે? તે પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે ભગવાન સ્વામિનારાયણે તેમના ઉપદેશગ્રંથ વચનામૃતમાં જણાવ્યું છેઃ પોતાના જે પ્રેમીભક્ત તેના જે મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે.
કરુણામૂર્તિ શ્રીહરિએ સ્વયં પૂર્ણ સ્વરૂપે આ અવનીમાં પ્રગટ થઈ પોતાના અનેક પ્રેમી ભક્તોના મનોરથો પૂર્ણ કરી લાડ લડાવી 'ભક્તવત્સલ'નું બિરુદ સાર્થક કર્યાનો સુવર્ણમંડિત ઇતિહાસ સંપ્રદાયમાં પ્રચલિત છે. તેમના અનંતગુણોનું પ્રત્યક્ષ દર્શન કરી ભક્તોએ તેમને તે તે નામે સંબોધ્યા. શ્રીહરિના ૧૦૮ નામોની જનમંગલ નામાવલિમાં 'ભક્તવત્સલાય નમઃ' કહી શતાનંદ મુનિએ તેમની ભક્તવત્સલતાને વંદી છે.
શ્રીહરિના પ્રાગટ્યને આજે ૨૧૦ વર્ષ પૂરાં થતાં હોઈ તેમની ભક્તવત્સલતાના દિવ્ય પ્રસંગોનું આચમન કરી તેમને ભાવાંજલિ અર્પીએ.

ભક્તના દુઃખે દુઃખી અને સુખે સુખી
'આછા પાણી વીરડે, ધરતી લાંપડીયાળ;
રસભર્યા સારસ લવે, પડ જુ ઓ પાંચાળ.
કૂકડકંધા મૃગકૂદણાં, ભલ વછેરાં લાલ;
નવરંગ તો રંગ નીપજે, પડ જુ ઓ પાંચાળ.'
પંચાળની એ પથરાળ ભૂમિમાં નાનાં તળાવ નજરે પડે છે. તળાવના બેટમાં ઘણું કરીને સારસ પક્ષીનું જોડલું માળો કરીને રહેતું હોય છે. રાત બધી તમને સારસનો મીઠો કંઠ સંભળાતો રહે. આ પથરાળ ભૂમિની પડતર ભોંમાં મોટે ભાગે ઘાસમાં લાંપડું (એક પ્રકારનું ઘાસ) થાય છે. જેનો ઉપયોગ ગામડામાં સાવરણી બનાવવામાં થાય છે. જ્યાં નદીઓ ઉપરથી સૂકાયેલી લાગે, પરંતુ જો વીરડો ગાળો તો મીઠાં જળ મળી રહે. અને સૌથી વિશેષ તો ત્યાંના ઘોડાની ઓલાદ વખણાય છે. કૂકડકંધા-કૂકડાની ડોક જેવી ભરાવદાર કેશવાળીયુક્ત ગર્વીલી ડોક અને અસ્વારને લઈને ગઢની રાંગ હરણની જેમ કૂદી જાય એવા જાતવાન-પાણીદાર ઘોડા એ પંચાળની પરખ છે. મહારાજની માણકી ઘોડી એ પંચાળની જ ભેટ છે.
આ પંચાળની ભૂમિ ઉપર એક પાણીદાર અસવાર પોતાનો ઘોડો દોડાવ્યે આવે છે. જાણે ધરતીને માપવા નીકળ્યો ન હોય! કાંઈક અધીરાઈ, કાંઈક ઉત્કંઠા છે મહારાજને મળવાની - દર્શનની અને વળતા શ્રીજીને સાથે લઈ જવાની. મનોમન વિચારે છે કે વળતા તો મહારાજ અને સંઘ સાથે સહજ-આનંદમાં પંથ કાપતાં વાર નહિ લાગે, પણ જો સહજાનંદજી નહિ આવે તો?
વિચારમાં ને વિચારમાં પંથ ક્યારે કપાણો તે ખ્યાલ ન રહ્યો. જોતજોતામાં સુરાખાચરના દરબારગઢમાં પહોંચે છે. મહારાજ સભા ભરીને બેઠા છે. મોખરે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બેઠા છે. બીજી બાજુ ધર્મકુળ બેઠું છે. અસવાર ઘોડેથી ઊતરી મહારાજનાં દર્શન કરતાં પગમાં પડી જાય છે. શ્રીહરિ પણ તેમનાં ખબર-અંતર પૂછે છે. સંતોનાં દર્શન કરી તે સભામાં બેસવા જાય છે, ત્યાં મુક્તાનંદ સ્વામી કહે છે 'વેરાભાઈ! આ સામે બેઠા એ મહારાજના મોટાભાઈ રામપ્રતાપભાઈ, અને મહારાજ જેવું જ મુખારવિંદ છે તે નાનાભાઈ ઇચ્છારામભાઈ છે. તેમને પણ પગે લાગો.' વળી મોટાભાઈને કહે, 'આ ઉપલેટાના વેરાભાઈ. પહેલા તો ભારે ધાડપાડુ હતા, પણ તમારા ઘનશ્યામ ભૈયાએ આવા કેટલાય ધાડપાડુને માણસ બનાવી ભક્ત બનાવ્યા છે. બહુ શૂરવીર છે આ ભક્ત. શિર સાટે સત્સંગ રાખ્યો છે...' વચ્ચે જ મહારાજ બોલી ઊઠ્યાઃ 'સત્સંગ કર્યા પછી જ વરસમાં તેમના કુટુંબના બાવીશ વ્યક્તિનાં મરણ થયાં તો પણ અમને છોડ્યા નહિ.'
આ સાંભળી વેરાભાઈ કહે : 'મહારાજ! હવે તેવીશમાનો વારો છે. જો આપ અહીંથી સીધા પંચાળા નહિ પધારો, તો હું અહીં જ પેટે કટારી મારી પ્રાણ ત્યાગ કરીશ એવી મેં ટેક લીધી છે.' આ સાંભળતાં જ સભા સ્તબ્ધ થઈ ગઈ.
મુક્તાનંદ સ્વામી કહેઃ 'વેરાભાઈ, આવી આકરી ટેક શા માટે? અને તે પણ પંચાળાનો આગ્રહ શા માટે?'
વેરાભાઈ કહે : 'સ્વામી! તે'દી ઝ íણાભાઈ અહીં આવેલા અને મહારાજને પંચાળા પધારવા આમંત્રણ આપેલું. મહારાજે ના પાડી. તેથી ઝ íણાભાઈ ઉદાસ થઈ ગયેલા. ત્યારે આપે જ તેમને સમજાવેલા ને શાંત કરેલા, પરંતુ પંચાળા પધાર્યા પછી મહારાજના વિરહમાં તેમણે ટેક લીધી કે મહારાજ જ્યાં સુધી પંચાળા ન પધારે ત્યાં સુધી દૂધ-દહીં-છાશ-તેલ-સાકર ન ખાવાં તથા માથે ફેંટો ન બાંધવો. ન ખાવાનો નિયમ તો બરાબર, પરંતુ ફેંટો બાંધ્યા વગર સગેવહાલે જાય છે તો લોકમાં બહુ ટીકા થાય છે. લોકો તેમને અપશુકનિયાળ ગણે છે અને ભેળી મહારાજની પણ ટીકા કરે છે. તેથી મેં તેમને સમજાવ્યા કે તમે ફેંટો બાંધવાનું શરૂ કરો અને તમારે બદલે હું ટેક લઉં છુ _ કે લોયા ગામથી હું સીધા જ મહારાજને અહીં તેડી લાવીશ. અને જો નહિ આવે તો હું પેટકટારી મારી દેહ પાડીશ. આ સાંભળી ઝ íણાભાઈને વિશ્વાસ આવ્યો અને માથે બાંધવું સ્વીકાર્યું. પણ હવે મહારાજે અહીંથી સીધા પંચાળા પધારવું પડશે.'
મહારાજ તો આ સાંભળી ઊંડા ઊતરી ગયા. સભાસદો પણ વિચારમાં ડૂબી ગયા. હવે શું થશે? આપણે તો બંને વાતે દુઃખ છે. મહારાજ આજે જશે તો આપણો લાભ લૂંટાઈ જશે અને નહિજાય તો વેરાભાઈ જેવા શૂરવીર ભક્ત ગુમાવીશું... એક ભક્ત કહે, 'આવી હઠ ન કરવી જોઈએ. મહારાજ એમની સગવડતાએ આવે તે બરાબર છે. આપણે એમના શિષ્ય છીએ. ઓછા એમના ગુરુ છીએ કે આપણે મહારાજને ફરજ પાડી શકીએ? આપણે તો એમની રુચિમાં ભળવાનું હોય.'
બીજા ભક્ત કહે, 'આમાં વેરાભાઈને ક્યાં સ્વાર્થ છે? એ તો ઝ íણાભાઈ માટે આવ્યા છે અને સત્સંગનું ખોટું ન દેખાય તે માટે તેમનો પ્રયત્ન છે. એટલે જરૂર મહારાજ જશે જ. ભગવાન તો ભક્તવત્સલ છે.' પેલા કહે, 'ભક્તવત્સલ છે અને ગર્વગંજન પણ છે. કદાચ મહારાજ ના પણ પાડી દે.'
ખરેખર બન્યું પણ એવું. મહારાજ ગંભીર વદને બોલ્યા : 'વેરાભાઈ! તમે ટેક લીધી, ઝ íણાભાઈએ ટેક લીધી. તો અમે પણ અત્યારે ટેક લીધી કે અત્યારે જ અહીંથી ગઢડા જવું છે. સંતો-પાર્ષદો, સૌ સાબદા થઈ જાવ. ભગુજી, હમણાં જ અમારી માણકી લાવો. વાર નહિ લગાડતા.' એમ કહેતાં મહારાજ ઊભા થઈ ગયા. સભા વિખરાઈ ગઈ. સૌને થયું કે આપણે તો ગમે તે એક અંજામ ધાર્યો હતો. કાં તો મહારાજનો વિયોગ અથવા વેરાભાઈનો પ્રાણત્યાગ, પરંતુ અહીં તો બંને વાત બનશે. હવે કોણ સમજાવે?
મહારાજ તો માણકીએ સવાર થયા. ધર્મકુળ તથા મોટેરા સંતોની વ્યવસ્થા કરી સુરાખાચર વગેરેને સાથે લીધા. વેરાભાઈએ મહારાજને રોક્યા,કહ્યું કે 'મહારાજ, આ વેરાભાઈની ટેક છે; માટે હજુ કૃપા કરો તો સારું.' પરંતુ મહારાજે તો સાંભળ્યું ન સાંભળ્યું ને માણકી દોડાવી મૂકી.
સંઘ ગઢપુર તરફ જવા રવાના થયો. વેરાભાઈ સમજી ગયા કે આ જોગીહઠ છે માટે હવે મારે મારી ટેક પૂરી કરવી. ગામથી થોડે દૂર જઈ એક ઝ ëડ નીચે ઘોડી બાંધી. ભેટમાંથી કટારી કાઢી પેટમાં ભોંકવા તૈયારી કરી, પરંતુ જાણે કોઈક હાથ પકડી રાખતું લાગે છે. ઊંચું જોયું તો કોઈ નહિ. ફરી પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ. પાછુ _ વળી જોયું તો માણકી અને માણકીના અસ્વારને જોયા. મહારાજે જ તેમનો હાથ પકડ્યો હતો અને કહેતા હતા કે વેરાભાઈ તમે સત્સંગ અને સત્સંગીનો દૃઢ પક્ષ રાખ્યો છે તો અમે તમારા ઉપર પ્રસન્ન છીએ. અજુ ýનને ઉગારવા અને ભીષ્મની ટેક રાખવા શ્રીકૃષ્ણે હથિયાર ગ્રહણ ન કરવાની, પોતાની ટેક જતી કરી હતી, તેમ અમે પણ તમને ઉગારવા તથા ઝ íણાભાઈની ટેક રાખવા અમારી ટેક જતી કરીએ છીએ. મારી ટેક કરતા મારા ભક્ત મને વધુ વહાલા છે. તમે અહીંથી જ હવે પંચાળા તૈયારી માટે જાઓ. અમે સંઘ સાથે અહીંથી પંચાળા જ આવીએ છીએ.'
સંઘને આદેશ આપવા મહારાજે માણકી દોડાવી અને વેરાભાઈ પણ નવજીવન મેળવી પંચાળાને પંથે પડતાં મનોમન વિચારી રહ્યા : અહો! પ્રભુ કેવા ભક્તવત્સલ છે!! મનનું અમે મૂકી ન શક્યા, જ્યારે મહારાજ ભક્ત આગળ કેવા સરળ છે!
ભક્તના દુઃખે દુઃખી અને સુખે સુખી.

Other Articles by સાધુ સોમપ્રકાશદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS