• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે :

'શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્‌,
લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્‌...'

સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા.
કબીરજી જીવનનું લક્ષ્ય બંધાવતાં કહે છે :

'કબીર કહે કમાલકું, દો બાતે શીખ લે;
કર સાહેબ કી બંદગી, ઔર ભૂખે કો અન્ન દે.'

શીખ ધર્મના આદ્યસ્થાપક ગુરુનાનક સાહેબ તો પોતાના મનને જ ઠપકો આપતાં કહે છે :

'સુમીરન કર લે મેરે મના,
તેરી બીતી ઉમર હરિનામ બિના...'

હરિનામ વિના ઉંમર વીતે તો ભગવાનના ભક્તને કી રીતે ગમે? તેથી આદિ જગદ્‌ગુરુ શંકરાચાર્યજી પણ ભારપૂર્વક ઠપકો આપતાં કહે છે :

'ભજં ગોવિન્દં ભજ ગોવિન્દં ગોવિન્દં ભજ મૂઢમતે'
હે મૂઢમતિવાળા માનવ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ...

દરેક વાતમાં લાભાલાભ જોવા ટેવાયેલા મનુષ્યને ભજનની વાતમાં એમ તરત રસ પડે તેમ નથી. આથી ભક્ત કવિ મીરાં હરિભજનથી થતો લાભ જણાવતાં કહે છે :

'તેરી મીટ જાયે સબ શંકા, ચિંતા,
નામ હરિકા બોલ રે...'

બ્રહ્માનંદ સ્વામી પણ આ વાતમાં સૂર પુરાવતાં કહે છે :

'હરિ ભજતાં સુખ હોય, સમજ મન,
હરિ ભજતાં સુખ હોય...'

ભગવાનનું ભજન કરવામાં સુખ રહેલું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે :
'કોટિ કલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહીં થાય.' (સ્વામીની વાત ૫/૬૪)
ભગવાન સ્વામિનારાયણ કહે છે : 'અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે.' (વચ. વર. ૧૬)
તેઓ ભજનની સર્વોત્કૃષ્ટ મહત્તા ગાતાં કહે છેઃ 'ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. (વચ. જેતલપુર-૫)
આમ, ભગવાન ભજવાની વાત દરેક ધર્મગ્રંથ-મહાપુરુષ જણાવે છે. યોગીજી મહારાજના યોગમાં રહ્યા પછી આ વાત તેઓમાં યથાર્થપણે સિદ્ધ થયેલી જોવા મળે છે. યોગીજી મહારાજ સહજ રીતે અવારનવાર એક વાત ઉચ્ચારતાઃ 'ભગવાન ભજી લેવા.' રાત્રે લઘુ કરવા જતાં એકલા એકલા પણ તેમની લાક્ષણિક લઢણમાં બોલતાઃ 'ભગવાન ભજી લેવા.'
આ એમના અંતરનો ઉદ્‌ગાર હતો. તેઓ જે રીતે બોલતા તે ઉપરથી જણાતું કે તેઓ પોતાના જીવનમાં મૂક્યા પછી આ ઉદ્‌ગારો વ્યક્ત કરે છે.
કોઈ વ્યક્તિ તેમની સમક્ષ પોતાના શારીરિક, આર્થિક, વ્યાવહારિક કે સામાજિક કે અન્ય કોઈ પ્રશ્ન રજૂ કરે તો તરત જ કહેતા - 'કરો ધૂન' અને પોતે ધૂન કરતા અને સૌ પાસે કરાવતા. અનાવૃષ્ટિ હોય કે અતિવૃષ્ટિ હોય, તેઓ સંતો-હરિભક્તો પાસે અચૂક ધૂન કરાવતા.
મુસાફરી દરમ્યાન સાથે યુવકો-સંતો પાસે કીર્તન ગવડાવતા અથવા સત્શાસ્ત્રનું વાંચન કરાવતા. પોતે પણ ઘણી વખત કીર્તન ગાતા હોય. સવારે દાતણ કરવા બેસતા ત્યારે પણ સેવકોને સ્વામીની વાતું બોલવા આદેશ કરતા. કેટલીક વખત પોતે સભામાં બેસી પત્ર લખતા હોય ને સભામાં માત્ર એક-બે મુમુક્ષુઓ બેઠા હોય, તો પણ સંતો-હરિભક્તો પાસે કથાવાર્તા કરાવતા.
આમ, તેઓ નિરંતર ભજન કરવા-કરાવવાના ખૂબ આગ્રહી હતા. ભજન વિના જરા પણ વ્યર્થ સમય વ્યતીત થવા દેતા નહીં.
આ પ્રમાણે ભજન કરનારા અને કરાવનારા પણ ઘણા માણસો આ દુનિયામાં આપણને જોવા મળે, પરંતુ ભગવાન ભજવા માટે જે ઉત્તમ પ્રકાર બતાવ્યા છે તે પ્રમાણે તેઓએ કર્યું છે.
શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે 'ધર્મે સહિત ભક્તિ કરવી, પણ ધર્મે રહિત ન કરવી.' તે પ્રમાણે યોગીજી મહારાજ ત્યાગી માટેના તમામ નિયમોનું અતિ દૃઢતાથી પાલન કરતા.
૧૯૭૦માં યોગીજી મહારાજ એડનમાં હતા. ત્યાં એક ગૃહસ્થને ત્યાં પધરામણી પ્રસંગે એક આસન (પાથરણા) પર સ્ત્રી આવી જતાં એડનની સખત ગરમીમાં, સિત્તેર વર્ષની ઉંમરે પણ તેમણે પ્રાયશ્ચિત્તરૂપે નિર્જળ ઉપવાસ કર્યો હતો.
ત્યાગી થયા પછી પોતાના ગામ ધારીમાં તેમણે કદીયે પગ મૂક્યો નથી. પોતાના મુખે ધારી શબ્દ પણ બોલતા નહીં. પૂર્વાશ્રમના સગાં-વહાલાં દર્શને આવતાં, પણ કદીયે તેમને તેઓ એકલા મળ્યા નથી. એટલું જ નહીં દૃષ્ટિ કરી સામું પણ જોયું નથી.
આમ, ત્યાગી માટેના શ્રીહરિકથિત ધર્મો-પંચવર્તમાનની તેમના જીવનમાં પૂર્ણ દૃઢતા હતી. ધર્મે સહિત ભક્તિ કરવામાં આવે, છતાં સાચા સંતના સમાગમ વિના ભક્તિની વધુ ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચી શકાતું નથી. તેથી સદ્‌ગુરુ દેવાનંદ સ્વામી કહે છે :
'ભજી લે ભગવાન સાચા સંતને મળી...'
યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ જેવા ગુણાતીત પુરુષની આજ્ઞા અને અનુવૃત્તિ પ્રમાણે ભક્તિ કરી છે. આ અંગે યોગીજી મહારાજ બોલતા :
'શાસ્ત્રીજી મહારાજ કહે તેટલું કર્યું છે. કોઈ દિ ઓશિયાળા નથી કર્યા. જમતા હોઈએ ને શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવે તો ઊભા થઈને ગાડી પકડીએ. એમ ઉમંગ બહુ... શાસ્ત્રીજી મહારાજ કહે તેમ કરીએ. પ્રદક્ષિણા કરવાનું કહે તો તે ને માળા કહે તો તે કરીએ. સ્વામી સૂતા હોય ત્યારે જરા પણ અવાજ ન કરીએ.'
'અમને શાસ્ત્રીજી મહારાજ 'જોગી' કહીને બોલાવે તો એકદમ કાંટો ચડી જાય કે શાસ્ત્રીજી મહારાજે બોલાવ્યો! જમતો હોઉં તો કોળિયો મૂકી દઉં. કાગળ લખતો હોઉં તો પેન મૂકી દઉં.'
'શાસ્ત્રીજી મહારાજ કહે 'જોગી' તો ખાવાનું પડતું મૂકી દોડતા. એવો કાંટો ચડી જતો. પાંત્રીસ વર્ષ થયા છતાં નથી ઊતર્યો!'
'શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી તો શાસ્ત્રીજી મહારાજ અતિશય રાજી થયા છે. શાસ્ત્રીજી મહારાજ 'જોગી' કહે ત્યાં પ્રાણ પથરાઈ જાય. જરાય ઓશિયાળા ન કરું.'
આ સહજપણે સરી પડેલા તેમના ઉદ્‌ગારોમાં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અને અનુવૃત્તિમાં ટૂક ટૂક વર્તીને તેમને રાજી કર્યાનો પૂર્ણ સંતોષ અને આનંદ વ્યક્ત થતો જોવા મળે છે. ગુરુની અનુવૃત્તિના પાલનને શાસ્ત્રોએ (ભક્ત્યાનુવૃત્યા) ઉત્કૃષ્ટ ભક્તિ તરીકે બિરદાવી છે.
ભગવાન ભજવાની કળા બતાવતાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, 'દિવ્યભાવ-મનુષ્યભાવ એક સમજાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે.' યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અખંડ દિવ્યભાવ હતો. તેમની નાની-મોટી પ્રત્યેક ક્રિયાઓને દિવ્યદૃષ્ટિથી તેઓ જોતા.
શાસ્ત્રીજી મહારાજના અક્ષરો વાંચવામાં તકલીફ પડતી. તેથી એક હરિભક્તે કહ્યું : 'બાપા, શાસ્ત્રીજી મહારાજના અક્ષર ગરબડીયા હતા.' તરત જ તેમને અટકાવતાં યોગીજી મહારાજે કહ્યું : 'ગુરુ, એમના અક્ષર તો અક્ષરધામના હતા.' કોઈએ કહ્યું કે : 'શાસ્ત્રીજી મહારાજ સૂતા છે.' તો બાપાએ તરત કહ્યું : 'શાસ્ત્રીજી મહારાજ સૂતા ન કહેવાય બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે એમ કહેવાય.' તેઓ શાસ્ત્રીજી મહારાજનું દર્શન કરતા ત્યારે જાણે બોંતેર કોઠે શાંતિ થઈ જતી હતી. ચહ ચહ દર્શનનું સુખ લેતા. કોઈએ સ્વામીને કહ્યું : 'શાસ્ત્રીજી મહારાજને વેડમી બહુ ભાવતી.' તેઓએ કહ્યું : 'ગુરુ, એમ ન કહેવાય. એમને વેડમી નહોતી ભાવતી. એ તો આપણને ભાવતી એટલે બનાવી જમાડતા. એમને તો સ્વાદ હોય જ નહીં.'
યોગીજી મહારાજે એકવાર કહેલું : 'શાસ્ત્રીજી મહારાજ બેઠા હોય ને માળા ફેરવતા હોય પણ સૌ માણસ ખેંચાય. કોઈ છેટે ન જાય. ભલે થોડી વાત કરે, દર્શન દે પણ અંતરે શાંતિ થઈ જાય. દર્શનમાં પાંચ વિષયનું સુખ આવી જતું. ઊઠવાનું મન પણ ન'તું થાતું.'
આમ, શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અખંડ દિવ્યભાવ રાખી તેઓ ભજન કરતા.
નાના ગામડામાં કે મોટા શહેરમાં, ઝૂંપડામાં કે મહેલમાં, ગાડામાં કે પ્લેનમાં, વિરાટ જનસમુદાયમાં કે સંપૂર્ણ એકાંતની પળોમાં, હરતાં ફરતાં કે અસાધ્ય બીમારીમાં ગમે તેવા વિપરીત સંજોગોમાં બ્રહ્મખુમારીમાં આનંદની છોળો ઉછાળતા તેમની ભજનની ક્રિયામાં જરાપણ વિક્ષેપ જણાતો નહીં. તેમની આ મસ્તી તેમની બ્રાહ્મીસ્થિતિનો પરિચય કરાવતી હતી. ભગવાન સ્વામિનારાયણે કહેલા - 'બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાના ભક્તિના ચરમ અને પરમ આદર્શની સિદ્ધિનાં તેમાં દર્શન થતાં હતાં. તેથી જ તો તેમના મુખેથી નીકળતા 'ભગવાન ભજી લેવા' એ ઉદ્‌ગારોની દરેકના હૃદયમાં ઊંડી અસર થતી.
તેમના આ ઉદ્‌ગારોમાં અનુભવનું અમૃત તો હતું જ પણ સાથે સાથે સાંસારિક જીવોને નાનાં-મોટાં તમામ દુઃખો, મુશ્કેલીઓ, બંધનોમાંથી મુક્ત થવાના રામબાણ ઇલાજ તરીકેનું નિર્ણયાત્મક અંતિમ વિધાન (અલ્ટીમેટ સ્ટેટમેન્ટ) હતું.
સબ દર્દોં કી એક દવા - ભગવાન ભજી લેવા.

More Articles by this Author

© 1999-2018 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS