મિશન રાજીપો અભિવાદન મહોત્સવનું મુખ્ય સોપાન એટલે ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ યોજાયેલ ‘મિશન રાજીપો બાળવિદ્વાન અભિવાદન સમારોહ’.
જે ગુરુહરિ મહંતસ્વામી મહારાજને રાજી કરવા માટે બાળ-બાલિકાઓ છેલ્લા એક વર્ષથી થનગની રહ્યા હતા, તે તમામ બાળકો ઘરે-ઘરે આ અભિવાદન સભાની તૈયારી કરીને બેઠા હતા. સૌએ પોતાનું ઘર શણગાર્યું હતું; આંગણામાં રંગોળીઓ પૂરાઈ હતી; સત્સંગદીક્ષાના તોરણો લાગ્યાં હતાં; ઘરોઘર ઉત્સવનો માહોલ હતો. બાળ-બાલિકાઓ અને તેમના વાલીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતા. જેમણે મુખપાઠ કર્યો હતો તેમના માટે સુશોભિત બેઠક તૈયાર કરવામાં આવી હતી. સૌએ પોતાનાં સગાં-સંબંધી, મિત્રો, પડોશીઓ, શિક્ષકોને પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. આ તૈયારી સાથે સૌ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનાં દર્શનની પ્રતીક્ષામાં બેઠાં હતાં.
જેમ સૂર્ય ઊગે અને તમામ સૂર્યમુખીઓ ખીલી ઊઠે તેમ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આ અભિવાદન સભામાં આગમન થતાં જ સૌ બાળ-બાલિકાઓના ચહેરા ખીલી ઊઠ્યા. આજની સભાનો મધ્યવર્તી વિચાર જ સૂર્ય અને સૂર્યમુખીને સંબંધિત હતો. જેમ સૂર્યમુખીઓની નજર સૂર્ય સમક્ષ જ રહે છે, જે બાજુ સૂર્ય જાય તે બાજુ સૂર્યમુખીઓ ફરે છે… તે જ રીતે સૂર્યમુખી સમાન ૧૫,૬૬૬ બાળસૂર્યમુખીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સમક્ષ જ નજર રાખી સત્સંગદીક્ષાનો મુખપાઠ પૂર્ણ કર્યો હતો.
આજની સભામાં સૂર્યમુખી વેશે જ બાળકોએ સ્વામીશ્રીનું સ્વાગત નૃત્યાંજલિ દ્વારા કર્યું હતું. સૂર્યમુખી અને પતંગિયાં બનેલા બાળકોએ સમગ્ર વર્ષ દરમિયાન બાળ-બાલિકાઓએ કરેલા અથાગ પુરુષાર્થની ગાથાને વિવિધ માધ્યમથી રજૂ કરી હતી. નાના-નાના શિશુઓએ પોતાની કાલીઘેલી ભાષામાં સ્વામીશ્રી સમક્ષ શિશુઓએ કરેલા પુરુષાર્થને પણ રસપ્રદ રીતે દર્શાવ્યો હતો. સ્વામીશ્રી આ તમામ રજૂઆત ખૂબ જ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. એ જ વખતે સ્વામીશ્રી સમક્ષ ૩ નાના શિશુઓ – અમદાવાદના હરિકૃષ્ણભાઈ ગોવાણી, સુરતના પરમભાઈ વાઘેલા અને મુંબઈના નીલકંઠભાઈ યાદવ – ને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા. આ શિશુઓની ઉંમર હતી માત્ર ૨ વર્ષ અને ૧૦ મહિના!!! એ જ રીતે આણંદની હરિપ્રિયા મારુ નામની બાલિકાએ માત્ર ૩ વર્ષની નાની ઉંમરે મુખપાઠ કર્યો હતો, તેની વાત પણ રજૂ કરવામાં આવી. BAPS સંસ્થાના સૌથી નાની વયનાં આ શિશુવિદ્વાનોએ કરેલા મુખપાઠની વાત જાણી સ્વામીશ્રી અત્યંત પ્રસન્ન થયા હતા.
તમામ બાળકોમાંથી કેટલાક પ્રતિનિધિ બાળકોના વાલીઓ, કાર્યકરોએ સત્સંગદીક્ષા મુખપાઠથી બાળકોને થયેલા લાભની વાત જણાવી હતી.
- સત્સંગદીક્ષાના મુખપાઠથી બાળકો અને વાલીઓ, સાથે સમય પસાર કરતા થયા; બાળકો માતા-પિતાને પ્રણામ કરતા થયા, વાલીઓની આજ્ઞા પાળતા થયા… આ તમામના કારણે પરિવારના સંબંધો મજબૂત બન્યા.
- સંસ્કૃત શ્લોકના મુખપાઠને કારણે બાળકોની એકાગ્રતા, યાદશક્તિ, સ્મરણશક્તિ અને સમજણશક્તિમાં વધારો થયો. જેના કારણે હજારો બાળકોના શાળાના પરિણામમાં નોંધપાત્ર વધારો થયો. બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ થયો.
- સત્સંગદીક્ષામાં સૂચવવામાં આવેલા અહિંસા, પ્રામાણિકતા, વ્યસનમુક્તિ, નિયમપાલન વગેરે અનેક માનવીય મૂલ્યો આ બાળકોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યાં. એટલું જ નહીં, તેઓ અન્યને પણ પ્રેરણા આપતા થયા.
- સનાતન મૂલ્યો, અવતારો, ઋષિમુનિઓ, શાસ્ત્રો, દેવભાષા સંસ્કૃત પ્રત્યે આદરની ભાવના વધી. જેના કારણે સમગ્ર સમાજની આવતીકાલના એક મજબૂત અને મૂલ્યનિષ્ઠ પાયાનું બંધારણ થયું.
આવા અનેક મૂલ્યો અને સંસ્કારોથી સમૃદ્ધ થયેલાં આ બાળ-બાલિકાઓએ સત્સંગદીક્ષાનો મુખપાઠ શા માટે કર્યો હતો? કારણ, તેમના અંતરમાં એક જ વાત હતી, ‘ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો રાજીપો મેળવવો છે.’
તેઓના અંતરની આ વાત સ્વામીશ્રી પણ જાણતા હતા. તેથી આજે અભિવાદન સમારોહના દ્વિતીય ચરણમાં સ્વામીશ્રીએ હવે બાળ-બાલિકાઓનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. આ માટે સ્વામીશ્રી પાસે મુખપાઠ કરેલ તમામ બાળ-બાલિકાઓનાં નામથી અંકિત થયેલ સૂર્યમુખીનું પુષ્પ લાવવામાં આવ્યું. જેને નામ આપવામાં આવેલું, ‘મુખપાઠ મુક્ત.’
સ્વામીશ્રીએ સૌપ્રથમ ‘મુખપાઠ મુક્ત’ને ચંદનનો ચાંદલો કરી, ચોખા ચોડી અને અર્ચા કરી. આ ચંદનની વિશેષતા એ હતી કે અગાઉથી જ તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મહેસાણામાં તમામ બાળકોને વધાવવા માટે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે જાતે આ ચંદન ઘસ્યું હતું!!! તેઓની સાથે સંસ્થાના તમામ સંતોએ પણ બાળકો માટે ચંદન ઘસી, ચંદનની ગોટી તૈયાર કરી હતી, જે ઘરોઘર પહોંચાડવામાં આવી હતી. સ્વામીશ્રીની સાથે ઘરોઘર ઓનલાઈન માધ્યમથી જોડાયેલા વાલીઓએ પોતાના સંતાનોને સ્વામીશ્રી વતી ચંદનનો ચાંદલો અને અર્ચા કર્યાં.
ત્યારબાદ સ્વામીશ્રીએ તમામ બાળ-બાલિકાઓ વતી ‘મુખપાઠ મુક્ત’ને ઉપવસ્ત્ર ઓઢાડ્યું. આ સાથે જ સ્વામીશ્રીના મુખેથી ઐતિહાસિક ઘોષણા પણ ગુંજી ઊઠી, ‘સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરનાર તમામ બાળ-બાલિકાઓને આજથી ‘અક્ષરપુરુષોત્તમના વિદ્વાન’ ઘોષિત કરવામાં આવે છે!’ તમામ બાળવિદ્વાનો આ સાંભળી મલકી ઊઠ્યા. સ્વામીશ્રીએ તરત જ હાથમાં કલાત્મક હાર લીધો અને આ તમામ બાળવિદ્વાનોને હાર પહેરાવતા હોય તેમ સ્ક્રીન સામે હાર દર્શાવ્યો. ઘરોઘર સ્વામીશ્રી વતી તમામ વાલીઓએ બાળકોને ઉપવસ્ત્ર અને હાર અર્પણ કર્યાં.
અભિવાદન બાદ બાળકોએ સ્વામીશ્રી પાસે ગિફ્ટની માંગણી કરી. આજે સ્વામીશ્રી આ તમામ બાળકો માટે વિશિષ્ટ ગિફ્ટ લઈને આવ્યા હતા. આ ગિફ્ટની તૈયારી સ્વામીશ્રીએ ઘણા સમય પહેલાથી શરૂ કરી દીધી હતી. સ્વામીશ્રીએ જાતે ચિત્રોમાં રંગો પૂરી, લખાણ લખી, ડિઝાઈન સૂચવીને એક સુંદર પુસ્તિકા તૈયાર કરી હતી, જેનું નામ પણ સ્વામીશ્રીએ જાતે જ સૂચવ્યું હતું, ‘Heartbook!’ સ્વામીશ્રીએ અનેક સંસ્થાકીય પ્રવૃત્તિઓની વચ્ચે, જયપુર-જોધપુરના વિચરણ દરમિયાન, ૯૨ વર્ષની જૈફ વયે બાળકો માટે વર્ષો સુધી માર્ગદર્શન આપતી રહે એવી આ ‘હાર્ટબુક’ તૈયાર કરી હતી. તેઓની આ અણમોલ ભેટ પામી તમામ બાળવિદ્વાનો ધન્ય થયા હતા.
પરંતુ હજુ સ્વામીશ્રીની કૃપાવર્ષાની લ્હાણી પૂરી થઈ નહોતી. સ્વામીશ્રી સમક્ષ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી આવી પહોંચ્યા. તેઓએ સ્વામીશ્રીનો આ બાળવિદ્વાનો પર કેવો રાજીપો છે, તે વર્ણવવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું…
- તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫, દિવાળીના દિવસે ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સાક્ષાત્ સ્થાન અક્ષરદેરીમાં આવી પહોંચ્યા હતા. સ્વામીશ્રીએ થોડા દિવસ પહેલાં, મુખપાઠ કરનારા તમામ બાળ-બાલિકાઓનાં નામનું એક પુસ્તક જાતે તૈયાર કરાવ્યું હતું. તે પુસ્તકનું નામ પણ સ્વામીશ્રીએ સ્વહસ્તે જ લખ્યું હતું – ‘મારું મુખપાઠ મંડળ!’ સ્વામીશ્રીએ પોતાના મુખપાઠ મંડળના સભ્યોનાં નામનું આ પુસ્તક અક્ષરદેરીમાં પ્રસ્થાપિત ચરણારવિંદ પર જાતે પધરાવ્યું! એ વખતે તેઓએ અંતરના ભાવથી અક્ષરપુરુષોત્તમ મહારાજ સમક્ષ પ્રાર્થના રજૂ કરી.
પ્રાર્થના રજૂ કર્યા બાદ, સૌનાં આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીએ બાળ-બાલિકાઓનાં નામ લખેલું પુસ્તક પોતાને માથે ચડાવ્યું! સૌ સંતોને પણ તેને માથે ચડાવવાની આજ્ઞા કરી! સ્વામીશ્રી જાણે તમામ ‘અક્ષરપુરુષોત્તમના વિદ્વાનો’ને ભેટતા હોય તેવી ભાવના સાથે આ પુસ્તકને પ્રેમથી ભેટ્યા. આમ, સ્વામીશ્રીએ પોતાનો રાજીપો દિવાળીના દિવસે વ્યક્ત કર્યો.
- ગુરુહરિ મહંતસ્વામી મહારાજ નવા વર્ષથી દરરોજ મુખપાઠ કરેલા બાળ-બાલિકાઓના વિશિષ્ટ પ્રસંગોનું શ્રવણ કરી તેના આધારે સેવક સંતો સાથે દરરોજ ગોષ્ઠી કરતા હતા. આવી જ એક ગોષ્ઠી તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે યોજાઈ. બાળ-બાલિકાઓના અદ્ભુત પ્રસંગો સાંભળી સ્વામીશ્રી ખૂબ જ ભાવમાં આવી ગયા હતા. પ્રસંગો સાંભળી તેઓ લઘુ કરવા માટે જતા હતા, ત્યાંથી પાછા ફર્યા. સૌ સંતોને કુતૂહલ થયું કે સ્વામીશ્રી પાછા કેમ આવ્યા હશે? ત્યારે સ્વામીશ્રીએ પોતાના અંતરની ભાવના વ્યક્ત કરતાં કહ્યું, ‘મારે અક્ષરદેરીની પ્રદક્ષિણાનું પુણ્ય આ બાળકોને આપવું છે!’
સ્વામીશ્રીની અંતરની આ ભાવના સાંભળી સભામાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા! સ્વામીશ્રીએ આ બાળવિદ્વાનોને પોતે અક્ષરદેરીમાં કરેલી તમામ પ્રદક્ષિણાનું પુણ્ય રાજીપા રૂપે અર્પણ કર્યું હતું! સૌ કોઈની આંખો આ અકલ્પ્ય ભેટ પામીને ભાવાર્દ્ર બની ગઈ હતી.
સ્વામીશ્રીએ ત્યારબાદ સૌ બાળવિદ્વાનોને સ્વહસ્તે લખેલા પત્ર દ્વારા આશીર્વાદ આપ્યા.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ બાદ પ્રવક્તા બાળકોએ સ્વામીશ્રીનો ઋણ સ્વીકાર કરી અંતરની પ્રાર્થના વ્યક્ત કરી હતી. અને સભાના અંતમાં ઘરે ઘરેથી બાળવિદ્વાનોએ આરતી અને પુષ્પાંજલિ દ્વારા સ્વામીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, ગુરુહરિ મહંતસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પની પરિપૂર્તિ કરનારો… ‘બાળવિદ્વાન અભિવાદન મહોત્સવ’ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થયો. આ મહોત્સવના દૂરગામી પરિણામો ભવિષ્યમાં સમગ્ર વિશ્વ જ્યારે અનુભવશે ત્યારે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે કરેલા આ ઐતિહાસિક યુગકાર્યની અંતરથી અભિવંદના કરતા જ રહેશે…