પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-3-2010, સારંગપુર
આજે સ્વામીશ્રી સંતોની વચ્ચે વિરાજમાન હતા. લગભગ પોણો કલાક સુધી સંતોને બળભરી વાતો કરીને સાંનિધ્યનું સુખ આપ્યું અને છેલ્લે સ્વામીશ્રી કહે : ‘મહારાજને રાજી કરવા છે. જે કંઈ કથાઓ થાય છે એનો અર્થ એટલો જ છે કે આપણે કાંઈક સમજવાનું છે. એટલે સ્વભાવ મૂકવા અને હોય તો કાઢી નાખજો.’
કોઈક બોલ્યું : ‘અમારે તો કાઢવા છે, પણ જતા જ નથી.’
આ સાંભળીને કેફમાં સ્વામીશ્રી કહે : ‘ના શું જાય ? આપણે ધાર્યું હોય તો થાય. એટલે મનમાં આવા (મોળા) વિચારો આવવા દેવાના જ નથી.’
પ્રેરણાવચનો પૂરાં થયા પછી સ્વામીશ્રી પોતાના ઓરડામાં જઈ રહ્યા હતા. એ દરમ્યાન એક સંત બોલ્યા : ‘દીકરીને વળાવવાની હોય ત્યારે મા જેવી રીતે ઉપદેશ આપે એવો ઉપદેશ આજે આપે બધાને આપ્યો.’
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : ‘મા તો ઉપદેશ આપે, પણ દીકરીને વર્તવું તો પડશે ને! સાસરે ઉપદેશ પ્રમાણે પાળે તો સુખ આવે. બીચારી માને પહેલાં જે વીતી હોય એટલે એવી વાત કરે ને ! પણ દીકરી વર્તે નહીં તો પછી દુઃખ થાય.’