પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-2-2010, ગાંધીનગર
રાત્રિભોજન દરમ્યાન અમેરિકાથી આવેલા સંતો સામે બેસીને દર્શન કરી રહ્યા હતા. આ સંતો પૈકીના વિવેકનિધિ સ્વામી તથા ચૈતન્યમૂર્તિ સ્વામીએ સ્વામીશ્રીએ દિવ્ય પ્રવેશ કરીને અશક્ય કાર્યો શક્ય કર્યાં હોય એવા પ્રસંગો કહ્યા. વિવેકનિધિ સ્વામી કહે : ‘કામ ક્યારેક થઈ જાય અને ક્યારેક ન પણ થાય, એમાંય સત્પુરુષનો કાંઈક હેતુ હશે ને ? રાહ જોવડાવે છે એ બધામાં પણ કાંઈક તો હશે ને ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનને ત્યાં દેર છે, પણ અંધેર નથી. વહેલું-મોડું થાય છે એ પણ એમની ઇચ્છાથી થાય છે.’
ભક્તિકીર્તન સ્વામી કહે : ‘અમારી ધીરજ ખૂટી જાય ત્યારે આપની શરૂ થાય છે.’
ચૈતન્યમૂર્તિ સ્વામી કહે : ‘ચાણસદની સ્કૂલમાં આવા મૅનેજમેન્ટના ક્લાસ ચાલતા હતા ?’
સ્વામીશ્રી કહે : ‘આ તો બધું શાસ્ત્રીજી મહારાજ કરી ગયા છે અને એ જ કરે છે. આપણે તો શું કરવાના ? એ કામ કરે છે. આપણે તો એમણે આજ્ઞા કરી અને સેવામાં જોડાઈ ગયા. યોગીજી મહારાજનો પણ સંકલ્પ ભળ્યો એટલે કામ થાય છે. શ્રીજી-મહારાજનું કર્તાપણું ને શાસ્ત્રીજી મહારાજની દયા અને આપણું જ્ઞાન સાચું છે એટલે કામ થાય છે.’
વિવેકનિધિ સ્વામી કહે : ‘દસ વર્ષ પહેલાં કોઈ કહે કે દસ વર્ષ પછી સંસ્થાનો આટલો વિકાસ થશે, તો એ વાત મનાય જ નહીં. એવું આવતાં દસ વર્ષ માટે પણ વિચારી શકાય.’
સ્વામીશ્રીએ કહ્યું : ‘આજે નાના-મોટા બધામાં એટલો ઉત્સાહ છે કે નાના-નાના સેન્ટરમાં કે જ્યાં બે-પાંચ હરિભક્તો ભેગા થતા હોય ત્યાંય સભા ચાલુ કરી નાખે. અને ઘણા એવા ઉત્સાહી છે કે મંદિર તો કરવું જ છે. અને મંદિર થઈ પણ જાય. ભગવાનની દયાથી ફંડ આવી જાય અને કામ પણ થઈ જાય છે.’
વિવેકનિધિ સ્વામી કહે : ‘એ બધી આપની કૃપા અને આપનો સંકલ્પ.’
સ્વામીશ્રી કહે : ‘જોગીબાપાના સંકલ્પે બધું થાય છે. યોગીજી મહારાજ કહેતા કે ‘આખી દુનિયામાં સત્સંગ થાય, હજારો સાધુ થાય.’ તો એ સંકલ્પે કામ થાય છે, સત્સંગ પણ થાય છે અને સાધુ થવા માટે તો અત્યારે સામેથી આવે છે, અમારે ના પાડવી પડે છે. આવી દયા છે. એમના સંકલ્પ છે એટલે સાધુ પણ વધે છે, મંદિરો પણ થાય છે.’
વિવેકનિધિ સ્વામી કહે : ‘હરિભક્તો બધા સેવા પણ બહુ કરે છે. મન મૂકીને સેવા કરે છે આપના વચને.’
સ્વામીશ્રી કહે : ‘જોગીબાપાનો સંકલ્પ છે એટલે ચાલ્યું અને તમારા જેવા સાધુ તૈયાર થયા એટલે બાળ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળ બધું જ થાય છે. હરિભક્તો પણ એવા તૈયાર થયા, મહિલાઓ પણ એવી તૈયાર થઈ.’
આ રીતે સ્વામીશ્રીએ સત્સંગ અને સંસ્થાના વિકાસનો સંપૂર્ણ યશ ગુરુનાં ચરણોમાં અર્પી દીધો. પોતે કંઈ જ નથી કરતા, એવો દાસભાવ સ્વામીશ્રીમાં અહોનિશ જોવા મળે છે.
Vachanamrut Gems
Gadhadã II-9:
No Redemption in Maligning God
"… however, there are no means of release for one who has maligned the form of God…"
[Gadhadã II-9]