પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૭
નૈરોબી, તા. ૧૬-૨-'૭૦ સવારે ૫-૦૦
'ઈશ્વર સ્વામી, તમને એક વાત કરવી છે. અહીં મને દૂધીનાં ઢેબરાં ભાવતા નથી. પોચા થાય છે ને કાચા રહે છે. વળી ગેસ ઉપર થાય છે, તે સગડી ઉપર કરો. ઉતાવળમાં થાય તેથી કાચા રહે તે મને પચે નહિ. મને બીજું કાંઈ ફાવે નહિ. ફ્રૂટ ભાવતું નથી. ગળ્યું હું ખાતો નથી. ઢેબરાં જ ખાઉં છું. તો અહીં આ દેશમાં રહીએ ત્યાં સુધી સવાર-સાંજ ઢેબરાં તમારે કરવા...'
આજે વહેલી સવારે યોગીજી મહારાજે પોતાને માટેની વાત કરી. આવું ભાગ્યે જ બનતું. ન છૂટકે જ સ્વામીશ્રી પોતાને માટેની ફરિયાદ કરતા. છેલ્લાં વર્ષોમાં સ્વામીશ્રી ખોરાકમાં લગભગ કાંઈ જે લેતા નહિ. સવારે બે રકાબી ઉકાળા સાથે એકાદ ઢેબરું. તે પણ પૂરી જેવડું ને એકદમ પાતળું. બપોરે બે થી ત્રણ ફુલકા તદ્દન નાના પાતળા. રૂપિયાભાર ભાત ને એકાદ ચમચો મગની પાતળી દાળ, એકાદ નાનો ચમચો દૂધીનું શાક. ચાર વાગે ઠાકોરજીને ધરાવેલો મેવો સેવક સ્વામીશ્રી પાસે લાવે. પણ એમાંથી એકાદ ચીકુ કે સફરજનનું ફોડવું માંડ લે. પોપૈયું સારું હોય તો ત્રણથી ચાર ટુકડા લે. જાંબુ એમને ફાવતા પણ ત્રણ-ચાર લે. શેકેલા દાળિયા-મૂળા એવું ક્યારેક જમતા. તે પણ બહુ આગ્રહ કરીએ ત્યારે જ. અને રાત્રે એકાદ-બે રકાબી ઉકાળો, એકાદ દૂધીનું ઢેબરું.
આ અતિ અલ્પ ખોરાકમાં ખાસ તો પાચનશક્તિ નહિ, ગેસ થાય, ઊંઘ આવે નહિ, આખી રાત બગાસાં આવે. આવી કાયમની તકલીફોને કારણે જ સ્વામીશ્રી બોલે, નહિ તો કોઈને જણાવા દે નહિ.
એમાં પણ સ્વામીશ્રીને ગેસ ઉપર રસોઈ થાય એ ગમે નહિ. એટલે રોટલી, ઢેબરાં વગેરે સગડી ઉપર જ-દેવતા જ ઉપર થાય, એવો એમનો બહુ આગ્રહ. તો જ પરિપક્વ બને અને માંદા માણસને પચે. આમ દેશી રીતરિવાજ-પ્રણાલિકાને વરેલા સ્વામીશ્રી આધુનિકતાને ન છૂટકે ચલાવતા.
મંદ જઠરાગ્નિને કારણે પાછળથી સ્વામીશ્રીને પાચનની વધુ તકલીફ રહેતી. લંડનથી શ્રી સી. એમ. પટેલના નાના દીકરા સુરેન્દ્રભાઈ આફ્રિકા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ એમને ઇંગ્લેન્ડની આવી જ વિગતો પૂછી હતી કે - તમે ત્યાં શું જમો ? ખાધું પચે કે કેમ ? ટાઢ કેવી ? તે વખતે લંડન જવાની વાત ચાલતી હતી. સ્વામીશ્રી મુંબઈ પધારતા ત્યારે પણ હાઇકોર્ટના કૂવાનું પાણી જ તેમને માટે મંગાવાતું. શહેરોમાં લગભગ દરેક જગ્યાએ કૂવાના પાણીની વ્યવસ્થા એમને માટે થતી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-10:
To Attain Liberation
"Therefore, one who aspires to attain liberation should not follow the path of unrighteousness; instead, one should follow the path of righteousness and keep the company of a true sãdhu. As a result, one would certainly, without a doubt, attain liberation."
[Sãrangpur-10]