પ્રેરણા પરિમલ
ડીવાઈન પાવર !
(ન્યૂયોર્ક, તા. ૧૨-૮-૯૮)
આજે જગતમાં વ્યાપેલી જાતજાતની અંધાધૂંધીની વાતો ચાલી. ચિત્તરંજનભાઈ કહે : 'બાપા ! ડીવાઈન પાવર વાપરો તો થાય.'
સ્વામીશ્રી કહે : 'ડીવાઈન પાવર તો ભગવાન વાપરશે. પણ માણસ અત્યારે દુઃખી થાય છે એ પોતાની જાતે જ દુઃખી થાય છે. આ તો માનવદુકાળ જેવું છે.'
'બાપા ! મને તો ચિંતા થાય છે કે શું થશે ? આપણો ધર્મ તો ખલાસ થઈ જશે !'
સ્વામીશ્રી એકદમ ભાવમાં આવીને આર્ષવાણી ઉચ્ચારતાં બોલી ગયા : 'એ તો ભગવાન એવી કોઈક શક્તિ લાવશે ને બધું સરખું કરશે. કોઈકનું એક અંગ સડી ગયું હોય તો તેમાં શું કરવું ? એ તો કાપીને સાફ જ કરવું પડે. એમ આમાંય ભગવાન સાફ કરશે ત્યારે થશે. હવે તો સાફ નહિ, અગ્નિસંસ્કાર થાય તો જ કામ થાય. ભગવાન એવી શક્તિ મૂકશે કે કુદરતી કોપ થાય, જેથી આવા પાપ કરનારા હજારો મરે...'
સ્વામીશ્રીની નજર જાણે દૂર દૂરનું કંઈક ભાવિ નિહાળતી હોય તેમ સ્થિર થઈ ગઈ હતી અને મુખમાંથી વાણી સરી રહી હતી.
પછી કહે : 'અત્યારે તો દુનિયાને એ જ જરૂર છે કે સૌ આધ્યાત્મિક માર્ગે વળે તો શાંતિ થાય. અમેરીકનોને આપણું ગમવા માંડ્યું છે, યોગ શીખે છે ! ને આપણા લોકો અહીં આવીને અમેરીકાનું શીખે છે, 'અમેરીકન' થવા મથે છે પણ તમને અમેરીકન પોતાની સાથે બેસવાય નહિ દે ! તમને એ સેકન્ડ સિટિઝન જ કહેશે - ગમે તેટલું કરશો તોય ! આપણી અસલ સંસ્કૃતિ ને અસલ સંસ્કાર મૂકીને આની પાછળ ગાંડા શા માટે થવું ! આ તો ભોગની સંસ્કૃતિ છે, ખૂબ ખાય ને પછી પચાવવા સારુ દોડે ! અમેરીકન થઈને તમારે શું કરવું છે ! તમારું રાખો તો ક્યાં તમને કોઈ કાઢી મૂકે છે ! આ તો પાર્ટીઓ કરે, પોતે વટલે ને બીજાને વટલાવે !'
સ્વામીશ્રીએ ખૂબ નરમાશથી આક્રોશ વ્યક્ત કરીને આપણી અસલ આધ્યાત્મિક મૂડીનું જતન કરવા રૂડી શીખ દીધી.