પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૭
ગોંડલ, તા. ૧૭-૩-'૬૧
ભક્તિમાર્ગના પોષક યોગીજી મહારાજ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે ભક્તિમાં કેવા રસબસ હતા તેનું દર્શન એમની કૃપાથી ક્યારેક એમના સમાગમમાં આપણને લાધતું હતું. શ્રીજીમહારાજથી લઈને આજ દિવસ સુધીના મોટા પુરુષોએ ભક્તિ ઉપર વ્યાખ્યાનો નથી આપ્યા, પણ પોતાના જીવનમાં ઇષ્ટભક્તિનું-ગુરુ-ભક્તિનું જીવંત દર્શન ભક્તોને કરાવ્યું છે અને પ્રેમલક્ષણા ભક્તિનું પ્રસ્થાપન કર્યું છે. સદ્. મુક્તાનંદ સ્વામીએ સાચે જ ગાયું છે કે :
'પ્રેમ રસાયણ જે જન પામે, તેહનો તે રંગ ન્યારો રે;
પિંડ બ્રહ્માંડથી પ્રીત તજીને, ઉર ધારે પિયું પ્યારો રે...'
માંદગીને કારણે સ્વામીશ્રી સવારે એકવાર મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધારતા, પણ ઠાકોરજીની આરતી સમયસર થઈ કે નહિ ? શું થાળ ધરાવ્યો ? વગેરે વિગતો સેવકોને પૂછતા. સંધ્યા આરતી કરીને યોગેશ્વર સ્વામી સ્વામીશ્રી પાસે આવ્યા કે તુરત સ્વામીશ્રીએ એમને પૂછ્યું, 'આજે શું થાળ ધરાવ્યો છે ?'
'દૂધ, પૂરી વગેરે.'
'શાક શેનું કર્યું છે ?'
'સરગવાની શીંગનું.'
તુરત સ્વામીશ્રી બોલી ઊઠ્યા કે 'સાંજે તે શાક ન કરવું. કારણ, મહારાજ સાંજે થોડો સમય જમે. તેમાં શીંગનું શાક ખેંચીને ખાવું પડે. તેથી સમય ઘણો લાગે...'
સ્વામીશ્રીની આ વાત સાંભળીને તો ત્યાં બેઠેલા સૌ આશ્ચર્યમુગ્ધ બની ગયા. સ્વામીશ્રીની કેવી પરાભક્તિ ! જાણે પોતાના પ્રિયતમને - મહારાજને પ્રત્યક્ષપણે જમાડતા હોય - તે પણ તેમની રુચિ પ્રમાણે, તેમને સહેજ પણ તકલીફ ન પડે - એવો અનન્ય ભાવ આ શબ્દોમાં જણાતો હતો.
એવા જ ભાવથી સ્વામીશ્રી ઘણીવાર કોઈ હાર પહેરાવવા આવે તેને કહેતા કે સંતને હાર પહેરાવે તો એક મિનિટ ગળામાં રહે અને મહારાજને પહેરાવે તો આખો દિવસ (તેમના-મૂર્તિના) ગળામાં રહે. તેથી મહારાજની મૂર્તિને જ હાર પહેરાવવો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Discourses Destroys Desires for Vishays
"… Moreover, the mind does not become as free of desires for vishays by subjecting the body to austere observances such as tapta-kruchchhra, chãndrãyan or other vows as it does by listening to these discourses of God…"
[Kãriyãni-12]