પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૯
વરતાલ, તા. ૨૪-૭-૧૯૭૦
વરતાલ આવ્યું એટલે યોગીજી મહારાજ ગામને દૂરથી પગે લાગ્યા ને પછી પાઘ પહેરીને તૈયાર થયા.
મંદિરે પહોંચ્યા ને આરતીનો ડંકો વાગ્યો. ત્રણેય મંદિરમાં ખૂબ ધારી ધારીને દર્શન કર્યાં. સ્વામીશ્રી કહે, 'આપણી વાટ જોઈને જ ઊભા હતા.' હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ તો દર્શન કરતાં ખસે જ નહિ.
હકાભાઈ સાથે હતા. તેમણે બ્રહ્મચારી મહારાજને વિનંતી કરી એટલે જાળી ઉઘાડીને અંદરની કોળીમાં સ્વામીશ્રીને લઈ ગયા. સ્વામીશ્રી બહુ રાજી થયા ને ફરીથી બધે ખૂબ ભાવથી દર્શન કર્યાં. હરિકૃષ્ણ મહારાજ આગળ દર્શન કરતા જાય ને મારો હાથ ખેંચીને પૂછતા જાય, 'હરિકૃષ્ણ મહારાજે શાં શાં શણગાર પહેર્યા છે ?' તે અંગેઅંગનાં વસ્ત્ર-અલંકાર નિહાળ્યાં ને પછી હરિકૃષ્ણ મહારાજને કહે, 'સાજા નરવા પુગાડ્યા ને' એમ ઘણી વાતો કરી આભાર વ્યક્ત કર્યો. ત્યારે સ્વામીશ્રી સામું મેં જોયું તો એમની આંખોમાં ઝળઝળિયાં-હર્ષાશ્રુ ઊભરાયાં હતાં.
પ્રથમ દેરામાં ધર્મકુળનાં દર્શન કર્યાં. વાસુદેવની મૂર્તિના હાથમાં છડી હતી તે જોઈને કહે, 'ડંડો લઈને ઊભા છે. માયા ઉપાડ ન કરે તે માટે.' એમ રમૂજ કરી ફરીથી દંડવત્ કર્યા.
પછી ઘુંમટનાં દર્શન કરીને, અક્ષરભવનમાં બધી પ્રસાદીની વસ્તુનાં દર્શન કર્યાં. દર્શન, દંડવત્ તથા પ્રદક્ષિણા કરી. અહીં કાનજી ભગત દર્શને આવ્યા હતા. તેમને મળ્યા. નીચે ઊતર્યા ત્યાં ડાહ્યા ભગતે મંદિરના પાછળના ચોકમાં પ્રસાદીનો હાર પહેરાવ્યો ને પ્રસાદીનાં પાન આપ્યાં તે અંગીકાર કરી, બ્રહ્મચારી આશ્રમમાં દર્શન કરીને અક્ષર ઓરડીએ પધાર્યા. પૂજારી સ્વામીએ હારતોરા કર્યા, પાનબીડાં આપ્યાં ને ઠાકોરજી માટે ઘડિયાળની માંગણી કરી. તે તુરત સ્વામીશ્રીએ મહેન્દ્રભાઈ ધર્મજવાળાને એક સારું ઘડિયાળ પૂજારીને આપી જવા આજ્ઞા કરી.
સભામંડપમાં ઢોલિયો, નંદ સંતોની મૂર્તિઓ તથા ભગતજી મહારાજનું આસન તેનાં દર્શન દંડવત્ કરી મંદિર સામે ઓટો ને પ્રસાદીનો લીંબડો તેનો સ્પર્શ કરી - ભેટીને હનુમાન-ગણપતિનાં દર્શન કરી, દરવાજા પાસે જ્યાં ગુણાતીતાનંદ સ્વામી ગોદડીઓ ખભે રાખીને મહારાજનાં દર્શન કરતા ઊભા રહ્યા તે જગ્યાએ ભૂમિસ્પર્શ કરી, આચાર્ય મહારાજની હવેલીમાં પધાર્યા. એકદમ અંધારું થઈ ગયું હતું. છતાં પ્રદક્ષિણામાં ઊંચે છતમાં પ્રસાદીની પાટ ટીંગાડી હતી તે સંભારીને બત્તીથી દર્શન કર્યાં. ગોખમાં જ્યાં મહારાજ બેસતા તે જગ્યાનો પણ ભૂમિ-સ્પર્શ, દર્શન કરી નીચે ઊતર્યા.
વરસાદથી રસ્તામાં કાદવ-કીચડ ઘણો થયો હતો. વળી, અંધારું પણ હતું. છતાં લંડનમાં રહેતા મૂળ વડતાલવાસી જશભાઈ તથા ચિત્તરંજનભાઈ તથા સુરેશભાઈને ઘરે પધરામણી કરી.
લગભગ ૯ વાગી ગયા હતા છતાં કહે, 'ગોવિંદ ભગતને મળવા જવું છે.' અમે ઘણી ના પાડી પણ ત્યાં પધાર્યા. ગોવિંદ ભગત તો સ્વામીશ્રીની પ્રતીક્ષા કરતાં ક્યારના બેઠા હતા. બાપાને જોઈને બહુ રાજી થયા. પોતે વૃદ્ધ-અશક્ત હોવા છતાં ઊભા થઈને હારતોરા કર્યા. ગોપીનાથ શાસ્ત્રી તથા લક્ષ્મણ ભગત વગેરે સંતો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. સ્વામીશ્રીએ દેશ-વિદેશમાં સત્સંગપ્રચાર કર્યો તેની સૌએ ખૂબ પ્રશંસા કરી અને સૌ એક અવાજે કહેવા લાગ્યા કે 'મહારાજનો સાચો ડંકો આપે દિગંતમાં માર્યો.' સ્વામીશ્રીએ સૌ સંતોની સારી સેવા કરાવી.
બાજુના ઉતારામાં ખંભાતના કોઠારી, શાસ્ત્રીજી મહારાજના મંડળના સંત વિષ્ણુ સ્વામી માંદા હતા. તેઓ સ્વામીશ્રીનાં દર્શન ઝંખતા હતા તેમને ત્યાં પધાર્યા. ૯૩ વર્ષની ઉંમર ને શરીર ઉપરથી ખાલ ઊતરી ગઈ હતી, પણ તમન્ના બહુ તે સ્વામીશ્રીને જોઈને એકદમ પથારીમાંથી ઊભા થઈ ગયા, હાર પહેરાવ્યો ને મુક્તકંઠે ગુણગાન ગાયાં. સ્વામીશ્રીએ એમની ઉંમર પૂછી. એમણે સ્વામીશ્રીના બે હાથ લઈ પોતાને માથે મૂક્યા ને પ્રાર્થના કરી કે 'હવે ધામમાં લઈ જાવ.'
ત્યાંથી ગોપીનાથ શાસ્ત્રીજી ને પ્રભુદાસ કોઠારીને આસને પધાર્યા. સૌએ સ્વામીશ્રીને ફૂલહાર કર્યા. એમ વરતાલમાં સંતોનાં આસને આસને સ્વામીશ્રીની પૂજા ને સન્માન થયાં.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-3:
Qualities of a Virtuous Person
"One who is virtuous does not like the company of immature children from his childhood; he does not have an appetite for tasty food; and he continuously restrains his body…"
[Kãriyãni-3]