પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૬
લંડન, તા. ૨૮-૬-૧૯૭૦
આજે સવારે આરામ પછી દસ વાગે સૌ સંતો-હરિભક્તોના સંઘ સાથે યોગીજી મહારાજ પટની બોટિંગ ક્લબ પધાર્યા. થેમ્સ નદીમાં હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવવાની સ્વામીશ્રીની ખૂબ ઇચ્છા હતી. અહીં સહેલાણીઓની ભીડ નહોતી, એકાંત જેવું હતું. નદીનું પાણી ડહોળું-મેલું હતું, તેથી અમે કહ્યું કે 'ઠાકોરજીનાં માત્ર ચરણારવિંદ નદીમાં બોળીએ અને પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી લઈએ.'
'જળમાં મળ ન હોય, માટે સ્નાન કરાવવામાં વાંધો નહિ,' એમ કહી સ્વામીશ્રીએ તૈયારી કરી. ધોતિયાનો એક છેડો સહેજ ઊંચો લીધો અને પગથિયાં ઊતર્યા. બધાએ રોક્યા પણ છેક છેલ્લા પગથિયા સુધી સેવકોનો હાથ પકડી આવ્યા અને બેઠા. ઠાકોરજીને હાથમાં લઈ, પોતાને હાથે નદીમાં સ્નાન કરાવ્યું. પછી મારી પાસે વ્યવસ્થિત સ્નાન કરાવડાવ્યું. હું નદીમાં ઊભો હતો. ફરીથી પાછું કૂંડીમાં નદીનું પાણી લઈ, ઠાકોરજીને પોતાને હાથે સ્નાન કરાવ્યું અને એ પ્રસાદીનું પાણી નદીમાં રેડાવ્યું. ફરીથી કૂંડીમાં સ્નાન કરાવી, સૌ સંતો-હરિભક્તો ઉપર એ પ્રસાદીનું જળ છાંટ્યું.
સ્વામીશ્રી બહુ ખુશમિજાજમાં હતા. 'ઠાકોરજીને થેમ્સમાં સ્નાન કરાવવાની ઇચ્છા હતી તે આજે પૂરી થઈ.' એમ વારે વારે બોલે ને કહે, 'આ નદી પવિત્ર કરવી છે. જે એમાં નહાય એનું સારું કરવું છે.' પછી બાજુમાં એક વૃક્ષ નીચે સભા કરી. ઠાકોરજીને થાળ ધરી, સૌને પ્રસાદ આપ્યો.
'આ તીર્થ થયું, સૌ સંભારજો.' એમ આજ્ઞા કરી.
પ્રફુલ્લભાઈએ રિચમન્ડ પાર્ક ફરવા જવાનું કહ્યું. ત્યારે સ્વામીશ્રી કહે, 'ના, આપણે તો અહીંનું જ કામ હતું. બીજે નથી જવું.' સીધા ઉતારે પધાર્યા.
સાંજે મંદિરે જતાં મોટરમાં કહે, 'આજે થેમ્સ નદીમાં ઠાકોરજીને નવરાવ્યા. હવે જે જે એમાં નહાશે, તે બીજે જન્મે સત્સંગમાં જન્મ ધરશે. તુરત મોક્ષ, વાર જ નહિ !' એમ બહુ પ્રેમથી કૃપાવાક્ય બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-7:
The Definition of Ultimate Liberation
"… That God remains as He is during the time of creation, sustenance and dissolution of the cosmos; i.e., He does not undergo any changes like worldly objects do. He always maintains a divine form. Having such a firm conviction of the manifest form of Purushottam is called ultimate liberation."
[Kãriyãni-7]