પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-4-2010, ગાંધીનગર
સાંજે ભૂમિભ્રમણ કર્યા પછી સ્વામીશ્રી વિશ્રમ માટે ખુરશી ઉપર બેઠા હતા. સામે સંતો બેઠા હતા.
ડૉ. કિરણ કહે : ‘એટલાન્ટામાં ધોળિયા ડૉક્ટરો આપને મળવા માટે આવ્યા, ત્યારે તેઓને આશ્ચર્ય થયું હતું કે 90 વર્ષે આટલી સારી તબિયત !!’
સ્વામીશ્રી તરત જ કહે : ‘કેટલા હરિભક્તો જપ, તપ, વ્રત, પ્રાર્થના કરે છે ! કોઈ ધારણાં-પારણાં કરે છે, તો કોઈ પદયાત્રા કરે છે. આ બધા આશીર્વાદ થઈ જાય એટલે મારા ભઈ ! ચાલે છે.’
નારાયણચરણ સ્વામી કહે : ‘આ બધાનાં તપ, વ્રત અને આપના સુસ્વાસ્થ્ય માટેની પ્રાર્થનાઓ આપ સાંભળજો.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન સાંભળે છે. એટલે જ એમની કૃપા અને દયાથી બધું છે અને ચાલે છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘90 વરસે કોઈને બોલવાનાં પણ ઠેકાણાં ન હોય ! જ્યારે આપ જે રીતે કાર્ય કરો છો એ જોઈને ઘણાને આશ્ચર્ય થાય છે. શૉના ઉદ્દઘાટનમાં યોગેશભાઈ લાખાણી આવ્યા હતા. તેઓ બહુ મોટા વકીલ છે. તેઓ કહે, ‘પ્રમુખસ્વામીએ આ ઉંમરે એકધારા જે આશીર્વાદ આપ્યા અને એમાં પણ જે ક્લેરિટી હતી એ ખૂબ જ અદ્ભુત હતી.’
વળી, વૉટર શૉની વાત નીકળતાં બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘જેણે જેણે વૉટર શૉ જોયો છે એના ખૂબ અદ્ભુત અભિપ્રાય આવે છે. આપે દૈવત મૂક્યું છે અને દિવ્યતા મૂકી છે, એનો જ આ પ્રતાપ છે. કોઈ બીજું આવું કરવા જાય તો કરી જ ન શકે.’
સ્વામીશ્રી મૌન રહીને આ વાત સાંભળતા હતા, એટલે બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘બરાબર છે ને ? આપ તો કંઈ બોલો.’
સ્વામીશ્રી કહે : ‘એમાં બોલવાનું શું ?’
સ્વામીશ્રી કંઈ બોલ્યા નહીં એટલે વળી વાત આગળ ચાલી.
ડૉ. કિરણભાઈ દોશી કહે : ‘90 વર્ષની ઉંમરે આવું કરવું એય હિંમત કહેવાય.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘વળી પચાસ પ્રશ્નો આવે અને એ પણ આપની છાતી ઉપર જ આવે છે.’
સ્વામીશ્રી કહે : ‘બધી ભગવાનની હિંમત છે. આ છાતી ઉપર એ બેઠા છે એટલે કામ થાય છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘ગમે એટલા પ્રશ્નો આવે તોય મોઢા ઉપર રેખા પણ બદલાય નહીં. પ્રશ્નો લઈને આવીએ તોય સાંભળ્યા પછી પણ એટલા જ સ્વસ્થ.’
સ્વામીશ્રી કહે : ‘આ તો કેવું છે ! સૌ મળીને ગાડું. હરિભક્તો ને સંતો બધા એવા છે. સમર્પણ પણ એવું. શ્રીજીમહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વખતમાં પણ એવું જ સમર્પણ હતું. એટલે મારા ભઈ ! કાર્ય થઈ જાય છે.’
તમામ યશથી સ્વામીશ્રી સંપૂર્ણ અલિપ્ત જ રહ્યા.
Vachanamrut Gems
Gadhadã II-21 :
Complete Understanding on the Path of Liberation
“In addition, if a person realises the greatness of manifest God and His Bhakta-Sant in exactly the same way as he realises the greatness of past avatãrs of God such as Rãm, Krishna, etc., as well as the greatness of past sãdhus such as Nãrad, the Sanakãdik, Shukji, Jadbharat, Hanumãn, Uddhav, etc. – then nothing remains to be understood on the path of liberation.”
[Gadhadã II-21 ]