પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૪
ગોંડલ, તા. ૨-૪-'૬૧
આ લખનૌવાસી ભાઈ પોતાને ઘેર જઈ રહ્યા હતા. તેમને આશીર્વાદપત્ર લખી આપવા જશભાઈ યોગીજી મહારાજ પાસે કાગળ લઈને આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેમને સહસા પૂછ્યું કે 'શેમાં લખી દઉં ? અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ?'
'અંગ્રેજીમાં.'
સ્વામીશ્રીએ થોડીવારમાં આશીર્વાદપત્ર લખી જશભાઈના (ઝારોળાના) હાથમાં મૂક્યો. પત્ર ગુજરાતીમાં લખ્યો હતો તે જોઈ એમણે સ્વામીશ્રીને પૂછ્યું : 'અંગ્રેજીમાં કેમ ન લખ્યું ?'
'આ જ આપણું અંગ્રેજી !' સ્વામીશ્રી મરમાળુ હસી પડ્યા. એમને માટે ભાષાનું કોઈ બંધન નથી, હૃદયની વાણી ને આંખની અમીદૃષ્ટિની ભાષાથી જે જગતના જીવોની સાથે બોલે છે ને લખે છે ! આવો જ મરમ એમના હાસ્યમાં કદાચ સમાયેલો હશે !
- સાધુ ઈશ્વરચરણદાસ