પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-4-2010, ગાંધીનગર
ગઈકાલના વૉટર શૉના ઉદ્ઘાટન-વિધિ પછી ઉપસ્થિત મહાનુભાવોએ અભિપ્રાયોનો ધોધ વરસાવ્યો હતો. આ અભિપ્રાયો સ્વામીશ્રીને સવારના ભોજન દરમ્યાન કહેવામાં આવ્યા. ઈશ્વરચરણ સ્વામી અને આ શૉના સંચાલક તમામ સંતો બેઠા હતા અને એક પછી એક અભિપ્રાયની છોળો ઊછળતી રહી. સૌના મુખ ઉપર આનંદ હતો. બ્રહ્મવિહારી સ્વામી તથા અક્ષરવત્સલ સ્વામીએ ગઈકાલે આવેલા મહાનુભાવોના અભિપ્રાયોનું વર્ણન કર્યું.
વાર્તાલાપ દરમ્યાન બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : ‘સૌથી પહેલાં તો આપનો આભાર, કારણ કે બે દિવસ પહેલાં જ્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને એમ્ફિ-થિયેટરનાં પગથિયાં પલળી રહ્યાં હતાં ત્યારે બધાને એમ થઈ રહ્યું હતું કે ‘ઉદ્ઘાટન કાર્યક્રમમાં શું થશે ?’ એટલે જ મારતે ઘોડે આપની પાસે આવ્યા હતા અને વિનંતી કરી હતી કે ‘પવન ન ફૂંકાય એવા આશીર્વાદ આપજો.’ બધા ચિંતિત હતા ત્યારે આપ એક જ સ્થિર હતા. આપે એટલું જ કહ્યું કે ‘શ્રીજીમહારાજ દર વખતે આપણી લાજ રાખે છે, આપણને અહં ન આવી જાય અને પૃથ્વી ઉપર રહીએ એટલે ભગવાન બધું કરે છે.’ ત્યારે હજી પણ અમને પ્રતીતિ આવતી ન હતી. વાત કર્યાના બીજે દિવસે પણ પવન હતો. વળી, આપે તો એમ કહ્યું હતું કે ‘એક પાંદડું પણ હાલશે નહીં, ભગવાન દયા કરશે;’ પણ ગઈકાલે સાંજે 4:00 વાગે પણ પવન હતો. એટલે ચિંતા વધતી જતી હતી. આજે આમંત્રિત મહાનુભાવોની નાનામાં નાની ચિંતા આપે કરી હતી. સાંજે 5:00 વાગે પણ ફોન કરીને આ બધા મહાનુભાવોની વ્યવસ્થા માટે પૂછ્યું હતું, નાનામાં નાની વિગત પૂછી હતી, પરંતુ દસ-પંદર મિનિટની વાતચીતમાં આપે પવન સંબંધી કશું જ પૂછ્યું નહીં, આપને શ્રીજીમહારાજ ઉપર કેટલો વિશ્વાસ ! એટલે અમે બધા માનીએ છીએ કે કેવળ આપની જ દયા છે. આપે પવનને રોકી ન રાખ્યો હોત તો શું થાત ? હકીકતમાં આપ ભગવાન જ છો. ભગવાન ન હો તો આ શક્ય જ નથી.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘એ ક્યાં બોલ્યા ? આપણે ક્યાં ભગવાન છીએ ?’
‘ન હોય તો આટલું ઐશ્વર્ય કોણ બતાવી શકે ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન બોલે છે, શાસ્ત્રીજી મહારાજ ને જોગીબાપા બોલે છે. બોલનારા એ છે. કર્તા પણ એ છે.’
‘બોલે છે, પણ આપનામાં રહીને ને ?’
સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહીં. એટલે બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘બધા જ ચિંતામાં હતા ત્યારે આપના મુખ ઉપર જબરજસ્ત સ્વસ્થતા હતી. આપે કહ્યું હતું કે મહારાજે અત્યાર સુધી લાજ જવા દીધી નથી. એક પાંદડું નહીં હાલે. આ બધી જ વાત ગઈકાલે સાર્થક દેખાતી હતી. એક પાંદડું હાલતું ન હતું. વીડિયો પણ લઈ લેવામાં આવી છે.’
અલબત્ત, આ બધા ગુણાનુવાદ સ્વામીશ્રીને લેશમાત્ર સ્પર્શ્યા નહીં, તેઓ ‘સ્વ’સ્થ જ રહ્યા, અલિપ્ત જ રહ્યા.
Vachanamrut Gems
Gadhadã II-16:
Observing Niyams are the Only Means to Overcoming Desires
“… Therefore, the only means to overcome the desires for the panchvishays is to follow the niyams prescribed by God…"
[Gadhadã II-16]