પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											અબધુત પીવત પ્રેમ પિયાલા-  ૨
									
                                    
                                        
	ઈશ્વરચરણ સ્વામી
	હરિજયંતીનો બીજો દિવસ, યોગીજી મહારાજ માટે જાણે અતિ મંગળકારી દિવસ હતો. સવારથી જ સ્વામીશ્રી આનંદવિભોર જણાતા હતા. તેમના ઉત્સાહિત મુખારવિંદ ઉપર ગઈકાલનો થાક જરા સરખો પણ જણાતો ન હતો કોઈને પણ એમ ખ્યાલ ન આવે કે સ્વામીશ્રીને આજે બીજો ઉપવાસ હશે !
	લગભગ આખો દિવસ કથા-કીર્તનમાં કેવી રીતે પસાર થયો તે ખબર ન પડી. સાંજે સ્વામીશ્રીની આજ્ઞાથી મોટો ઉત્સવ ગોઠવ્યો હતો. એક પછી એક સત્સંગીઓ અને આમંત્રિત મહેમાનો દેખાવા લાગ્યા. ભારત ખાતેના આસીસ્ટન્ટ કમિશ્નર શ્રી કોરાના સાહેબ તેમજ કેટલાક અંગ્રેજ ભાઈઓ પણ હાજર હતા.
	હરિભક્ત આશાભાઈના સુંદર મકાનના વિશાળ બેઠક ખંડમાં સભા યોજી હતી. ધૂન-ભજનથી સભાની શરૂઆત થઈ ત્યાર પછી હરમાનભાઈએ શ્રીજીમહારાજના ચરિત્ર-મહિમાનું ગાન કર્યું. બાદમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું ષોડશોપચારે પૂજન કરીને ચાંદીના સુંદર પારણામાં ઝુલાવ્યા. પ્રમુખસ્વામીએ આ પ્રસંગે 'ભક્તચિંતામણી'માંથી શ્રીહરિના જન્મ પ્રસંગનું પ્રકરણ સંભળાવ્યું. અંતમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા. પશ્ચિમની રોનકવાળા આ સોલ્સબરી શહેરમાં ઉત્સવની આ ભવ્યતા અને દિવ્યતા સૌના દિલમાં વસી ગઈ. સ્વામીશ્રીની સંનિધિમાં સૌ ધન્યતા અનુભવતા રાત્રે દસ વાગે આરતી કરી, પંજરી વગેરે પ્રસાદ લઈ વિખરાયા.
	ત્રીજે દિવસે દશમની સવારે પારણામાં સ્વામીશ્રી માત્ર આધાર પૂરતાં ખીચડી-કઢી જમ્યા; કારણ કે આજે અમારે દારેસલામ જવા પ્લેનમાં નીકળવાનું હતું. એક માસ સુધી અનેરું સુખ પામેલા મધ્ય આફ્રિકાના હરિભક્તોએ ભગ્ન-હૃદયે સ્વામીશ્રીની વિદાય સ્વીકારી. સૌ વિમાન મથકે મૂકવા આવ્યા. સવારે દસ વાગે અમારું પ્લેન ઉપડ્યું. પ્લેનમાંયે સ્વામીશ્રીનો ભજનનો દોર ચાલુ જ રહેતો. બ્લેંટાયર વિમાની મથકે ન્યાસાલેન્ડના હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
	લગભગ સાંજે ૫.૩૦ વાગે અમે દારેસલામ પહોંચ્યા. પ્લેનમાં સ્વામીશ્રી અને સંતો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં દારેસલામ પહોંચ્યા પછી સ્વામીશ્રીએ તે દિવસે કંઈ જ લીધું નહિ. હરિભક્તોએ ઘણી વિનંતી કરી પણ હંમેશ મુજબ નિરાશા !
	જ્યારે સ્વામીશ્રીની મુખમુદ્રા-બ્રહ્માનંદનો એકધારો છક છલકાવી રહી હતી ત્યારે હરિભક્તોને માત્ર એક જ પ્રશ્ન મૂંઝવતો હતોઃ હજુ ચોથો ઉપવાસ એકાદશીનો ઊભો છે ને ત્રણ ઉપવાસ થઈ ચૂક્યા છે. છતાં બ્રહ્મદશામાં અલમસ્ત વિચરતા સ્વામીશ્રીની એ સુખ-સરવણી ક્યાં હશે ?
	પ્રત્યુત્તરમાં બ્રહ્મમુનિના શબ્દો મનમાં ગૂંજી ઊઠ્યા :
	પીવત પ્રેમ પિયાલા,
	અબધુત પીવત પ્રેમ પિયાલા;
	ચકના ચુર રહત નિત્ય છાકે,
	મગન ગગન મતવાલા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-18:
                                             
                                            Continuous Examination Cures All Swabhavs
                                        
                                        
                                            
	"… Thus, any swabhãv which one may have can be eradicated if one continuously examines oneself while doing satsang."
	 
	[Sãrangpur-18]