પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
સ્વામીશ્રીએ પણ તેઓની ડાયરીમાં આ સંબંધી કેટલીક નોંધો કરેલી છે.
તા. 9-4-1969ના રોજ સ્વામીશ્રીએ લખ્યું છે :
‘જોડિયા હંસરાજભાઈ શેઠને ત્યાં બંગલો તેમ જ હુન્નર ઉદ્યોગ તેમજ તાલુકા પ્રાથમિક શાળા, કન્યા-શાળા ઉપરાંત કસ્તૂરચંદભાઈને ત્યાં ગયા અને ઉતારા માટે જોયા.’
એ જ રીતે ઉતારા માટે સ્વામીશ્રી ધ્રોળ ઠાકોર સાહેબને પણ મળ્યા હતા અને તેઓના રેસ્ટ હાઉસમાં હરિભક્તોના ઉતારા માટેની વિનંતી પણ કરી હતી.
પ્રતિષ્ઠા દરમ્યાનની વાત લખતાં તા. 22-4-1969ના દિવસે સ્વામીશ્રીએ ડાયરીમાં નોંધ્યું હતું કે
‘હજારોની સંખ્યામાં માણસો આવેલા. ગોંડલથી તંબુઓ આવેલા તેમાં ઉતારા, ગામમાં ઉતારા, જોડિયામાં ઉતારા, ધ્રોળ ઉતારા હતા.’
સ્વામીશ્રીની વ્યવસ્થાશક્તિને વાગોળતાં ભીમજીભાઈ કહે છે કે -
“ઉત્સવના દિવસો શરૂ થઈ ચૂક્યા હતા. પ્રતિષ્ઠાના આગલા દિવસોમાં યજ્ઞથી માંડીને સભા અને પાણી, ઇલેક્ટ્રિક બધાની જવાબદારી સ્વામીશ્રી પોતે વહન કરી રહ્યા હતા. એ અરસામાં બહારગામથી ધાર્યા બહાર ઘણા હરિભક્તો આવ્યા હતા. ભાદરા ગામમાં ઉતારા માટે જે રૂમો નક્કી કરી હતી, એમાં બધાનો સમાવેશ થઈ શકે તેમ ન હતો. આ પરિસ્થિતિમાં મોટર દ્વારા જે આવ્યા હોય તેમનો ઉતારો બાજુનાં ગામોમાં, સ્કૂલોમાં અને ધર્મશાળામાં આપવામાં આવ્યો હતો. તેમ છતાં હરિભક્તોનો ધસારો વિશેષ હતો. આવે વખતે અન્ય જવાબદારી વહન કરતાં કરતાં શાંત ચિત્તે સ્વામીશ્રીએ ‘હાજર સો હથિયાર’નો ઉપયોગ કર્યો. હરિભક્તોને રાત્રે સભા-મંડપમાં સુવડાવવામાં આવ્યા. પટેલોનાં ફળિયાંમાં અને શેરીઓમાં હરિભક્તોને સુવડાવ્યા. પટેલ લોકોનાં ઘરમાંથી બૂંગણ કઢાવીને શેરીઓમાં અને ફળિયાંમાં પાથરી દેવામાં આવ્યાં. આવી રીતે આખા ગામમાં ફળિયાંઓમાં અને શેરીઓમાં હરિભક્તોએ આરામ કર્યો. સ્વામીશ્રીએ એ રીતે સમૈયો સાચવી લીધો. સૌને રાજી રાખ્યા.”
Vachanamrut Gems
Gadhadã II-51:
What are Adverse and Favourable Circumstances?
“So, only one who follows the commands of the Satpurush can be said to be under the influence of favourable circumstances. To deviate from those commands is the very definition of adverse circumstances…”
[Gadhadã II-51]