
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અતિ દિવ્ય અને પવિત્ર વાતાવરણમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે બોડેલી મંદિર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુ પરંપરા અને પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની પ્રતિમાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. બોડેલી મંદિર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે ૪,૦૦૦ જેટલા હરિભક્તો આ પવિત્ર ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ' ગુરુજી નહીં ભૂલું તમને' આ મધ્યવર્તી વિચાર ઉપર અટલાદરા મંદિરના વિદ્વાન સંત પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીનું વિશેષ પ્રવચન યોજાયું હતું. તેમણે માનવ જીવનમાં ગુરુના સર્વોચ્ચ મહત્વ અને માર્ગદર્શન પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. બોડેલી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વેદપ્રિય સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસે હરિભક્તોએ ગુરુ પૂજન કરીને પોતાના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. સમગ્ર મહોત્સવ દરમિયાન બોડેલી મંદિરના પૂજ્ય સંતો અને હરિભક્તોમાં અનેરો દૈવી ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દિશા અને દિવ્યતાના પ્રતીક સમાન આ ગુરુપૂર્ણિમા ઉત્સવથી સમગ્ર બોડેલી પંથક ભક્તિમય બની ગયો હતો.