કાર્યક્રમ: ટ્રાફિક અવેરનેસ
	તારીખ: ઓગસ્ટ 7, 2024
	 
	        બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા ખાતે સાંજે 4:30 કલાકે 'ટ્રાફિક અવેરનેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ટ્રાફિક સમસ્યાને અનુરૂપ સ્લોગન તથા સૂત્રોચ્ચાર સાથે પગપાળા તેમજ વાહનો સહિત શાળાના પરિસરમાં રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા (1) હેલ્મેટની જરૂરિયાત (2) ચાલુ વાહને ફોનનો ઉપયોગ ન કરવો તથા (3) ઝડપી ડ્રાઇવિંગ ટાળવું
	આ ત્રણ મુદ્દાને ત્રણ અલગ વિભાગમાં વહેંચી એક નાટકની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
	 
	       ટ્રાફિક અવેરનેસના અભાવે દિન પ્રતિદિન માર્ગ અકસ્માતો તથા જાનહાનિમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે. ભારતના ભવિષ્યનો નિર્માતા છે. ઉગતી પેઢીમાં જ જો આ જાગૃતતા લાવી તેમને અનુશાસનના પાઠ ભણાવવામાં આવે તો 'तुम खुद उठो अनुशासित हो, खुशहाली खुद आ जाएगी' આ પંક્તિ અનુસાર ભવિષ્યમાં એક જાગૃત અને અનુશાસિત પેઢી તૈયાર થાય જે પોતાના માતા-પિતા, સ્વજનો, મિત્રો તથા અન્ય માટે પ્રેરણા રૂપ બની રહે.
	 
	 આ ઉપરાંત આવા કાર્યક્રમના આયોજન દ્વારા વિદ્યાર્થી અવસ્થામાં જ વિદ્યાર્થીઓમાં સમયનું આયોજન, સમાજસેવાની ભાવના, શિસ્ત, જાહેરમાં કાર્ય કરવાની કળા જેવા ગુણો વિકસે છે. અનુશાસન ના અભાવે તરુણાવસ્થાનો તરવરાટ વિદ્યાર્થીઓને વગર લાઇસન્સે વાહન ચલાવવું, મસ્ત બની રસ્તામાં અવરોધો ઊભા કરવા, સ્પીડમાં વાહન ચલાવવાની હરીફાઈ કરવી જેવી હાનિકારક પ્રવૃત્તિ કરવા પ્રેરતો હોય છે. તરુણાવસ્થાના આ થનગનાટને નિયંત્રિત કરી યોગ્ય દિશામાં વાળવા માટે તેમના દ્વારા તેમના જેવા જ અન્યને પ્રેરણા આપવા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે દ્વારા પોતે નિયમનું પાલન કરી અન્યને તે કરવા પ્રેરણા આપે એ હેતુ સમાયેલો હતો. ખરેખર આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે શિસ્તપાલન તથા ટ્રાફિક નિયમના જ્ઞાન સાથે ઉત્સાહવર્ધક બની રહ્યો.