| |
આયોજનની કુશળતા કઠિન છે, પણ કુશળ આયોજનમાં સમત્વભાવ રાખવો એ આયોજનની કુશળતા કરતાં પણ અતિ કઠિન છે. ગીતાકારે સમત્વને જ યોગ કહ્યો છે. જે કર્મોને વિશે સમતા રાખી શકે તે જ નિપુણ છે, કુશળ છે. પ્રત્યેક કાર્યને વિશે સ્વામીશ્રીની સમત્વપ્રજ્ઞા ઊડીને આંખે વળગી જાય છે. અદ્ભુત આયોજન અને તેમાં દરેક સંજોગમાં સમતા રાખવાનું સ્વામીશ્રીને સાહજિક છે. કારણ કે તેઓ પ્રત્યેક પળ પરમાત્મામાં જીવે છે.
સંત-મહાપુરુષોનાં જીવનમાં વાણી, વિચાર ને વર્તનની એકતાનો જ્યારે બહુજન દુર્લભ સમન્વય સુલભતાથી સધાય છે ત્યારે અનેક સત્કાર્યોની ફોરમ એની ચોતરફ આપોઆપ વિસ્તરે છે. પરમાત્માની ઉપાસના-ભક્તિ ને સેવાના તાણાવાણાથી વણાયેલું એમનું જીવન અનેકવિધ શક્તિ સાથે આયોજન-વ્યવસ્થામાં પણ પૂર્ણતા દર્શાવે છે. જોકે ગુણાતીત સંતોને તેનું જાણપણું નથી. એક માત્ર પ્રસન્નતાના ભાવથી એ તો પોતાના ઇષ્ટદેવને ચરણે નિષ્કામકર્મ અર્પણ કરે છે. ભગવાન જ એ દિવ્યકાર્યનો મહિમા વિસ્તારે છે. અનંત મનુષ્યોની સાક્ષીમાં પણ એ જ પ્રમાણે છે.
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં વિચારીએ તો શરૂમાં શાસ્ત્રીજી મહારાજના અલૌકિક પ્રેમ અને દૃષ્ટિના સાતત્યને પામ્યા છતાં, યોગીજી મહારાજની છત્રછાયામાં એમના પડછાયામાં તેઓ સદાય છુપાયેલા રહ્યા. ભક્તિ ને સિદ્ધિનો કોઈ દેખાવ નહિ. પોતાની ફરજને અગ્રિમતા આપી સાધુતાના ઢાંકણથી ઢાંકી પ્રસિદ્ધિથી સદાય દૂર રહ્યા. એમને પિછાણવા હંમેશાં અઘરા રહ્યા. આજે પણ તદ્દન સરળપણે ને સામાન્યપણે રહેતા ને વર્તતા સ્વામીશ્રીને બહારથી ઓળખવા અઘરા છે. કોઈ ડોળ, દમામનો આંશિક આવેશ તો નહિ પણ શાંત વ્યક્તિત્વનો પણ ઊહાપોહ નહિ. એથી એમની ઓળખ વધુ દુર્ગમ બને છે. પણ જ્યારે સહવાસમાં એમનું ઊંડાણ માણીએ ત્યારે હિમાલયનાં ઉત્તુંગ શિખરો પણ એમની મોટાઈ આગળ શરમિંદા બને એવી અગાધ પારદર્શક સાધુતા-નિખાલસતા આપણને 'નેતિ નેતિ'ના ઓળખકિનારે મૂકી દે છે. અનેકવિધ પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્તિશીલ રહેવા છતાં અહંશૂન્યતાનો ઓછાયો એમની ચોતરફ એકધારી હૂંફ આપે છે. પોતાના અસ્તિત્વનું પરમાત્માના સ્વરૂપમાં સદાનું વિલીનીકરણ છતાં દાસત્વભાવે પરમાત્મસુખમાં જ તરબતર રહેતા સ્વામીશ્રી પરમાત્માથી એક પલકારા પૂરતાય વિખૂટા પડ્યા વગર સેવા કરવાનો કોઈ અજબ નિષ્કામ કર્મયોગ અવિરત સાધે છે.
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં સ્વામી ચિન્મયાનંદજી સ્વામિનારાયણ નગરમાં પ્રદર્શન વગેરે જોઈને જ્યારે મુલાકાતખંડમાં આવ્યા ત્યારે સ્વામીશ્રીને મળતાંની સાથે જ તેઓ બોલી ઊઠ્યા : 'યે સબ કિસને બનાયા ?'
'ભગવાનને.' સ્વામીશ્રીએ પણ ખૂબ સાહજિકતા, સ્વસ્થતા ને ધીરજથી ઉત્તર આપ્યો. ત્યારે ચિન્મયાનંદજીને થયું કે એ તો ઠીક છે, પણ આ સંતની પાછળ વાસુદેવની વિરાટ શક્તિ કાર્ય કરે છે. નહિતર આવું આયોજન અસંભવિત છે. નાનાં મોટાં કાર્યોમાં નિર્માનીપણાની સોડમાં સંતાયેલા તેઓ પોતાની નામરજી છતાં સાધુતાથી ઝળહળી ઊઠે છે ત્યારે સૌનાં મન કબૂલે છે કે આમાં બીજો આવીને કાર્ય કરે છે. પોતાની હસ્તીને એમણે ઇષ્ટદેવ શ્રીજીમહારાજ અને ગુરુજનો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજમાં ઓગાળી દીધી છે. કારણ કે કાર્યનો યશભાર તેઓ સંપૂર્ણપણે એમના ઉપર ઢોળી દે છે, હંમેશાં કહેતાં ફરે છે કે એમના સંકલ્પો, એમની કૃપાથી આ બધું થાય છે.
નાના-મોટા કોઈ પણ પ્રસંગમાં કે ઉત્સવમાં સ્વામીશ્રી સેવા-વ્યવસ્થામાં સર્વત્ર ઘૂમતા જણાય. સને ૧૯૬૧માં સુવર્ણ કળશ મહોત્સવ વખતે ગઢપુરમાં વૈશાખના વાયરાએ ભારે તાંડવ જગાવેલું પણ સ્વામીશ્રી વ્યવસ્થામાં અડગ હતા. પાણી તથા ઉતારાની મુશ્કેલીઓ તેમજ પવનથી ફાટતા, તૂટતા મંડપોની દુર્દશાથી ભલભલાનાં મન ડગી જાય પણ સ્વામીશ્રી સ્થિરતાથી કાર્યો ઉકેલતા. જરાપણ એમનું મન હાલકડોલક થતું નહિ. એથી બીજા હજારોને પણ સેવામાં પ્રેરણા મળતી. નિરાશાનાં વાદળોને પોતાના પર્વતપ્રાય નિશ્ચયથી વિખેરી નાંખવાનું એમનામાં પ્રબળ ઐશ્વર્ય ત્યારે દર્શાતું.
શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવમાં સને ૧૯૬૫માં પણ તમામ વ્યવસ્થામાં દેખરેખ રાખતા. ખાવાપીવાની સહેજ પણ તમા નહિ. આરામ કે સૂવાની પણ પરવા નહિ. યોગીજી મહારાજ પૂછે : 'પ્રમુખસ્વામી જમ્યા કે નહિ ?' પણ તેઓ તો મહોત્સવના પ્રાંગણમાં ભર તડકામાં ક્યાંય ઘૂમતા હોય. મોટાસ્વામી પણ વિનંતી કરે અને પ્રમુખસ્વામી આવે નહિ ત્યાં સુધી રોકાય. વહેલા મોડા સાથે જ જમાડે. કારણ તેમને દહેશત રહે કે નહિ તો એ જરૂર ભૂખ્યા જ રહેશે. સેવાભક્તિનો ઉમંગ રોમરોમમાં દેખાય. લેશપણ દેહભાવ દેખ્યો જડે નહિ. મહોત્સવની આગલી રાતે મુખ્યમંચ તૈયાર થતો હતો ત્યાં આખી રાત બેસી રહ્યા. બધાએ બહુ સમજાવ્યા કે અમે કાર્ય પૂરું થયે જ ઊઠશું પણ મંચની પછીતની દીવાલો ચણાઈ ગઈ, રંગરોગાન થઈ ગયું પછી જ સવારે ઊઠ્યા અને નિત્યક્રમથી પરવારી મુખ્ય સભામાં હાજર થઈ ગયા.
અમૃત મહોત્સવમાં, સને ૧૯૬૭માં પણ યોગીજી મહારાજની આજ્ઞાથી પાણી માટે પૂરેપૂરી જહેમત ઉઠાવી. એમના વચનમાં અત્યંત વિશ્વાસપૂર્વક પ્રયત્નો કર્યા. બીજી પણ ઉત્સવની તમામ જવાબદારીઓ તો માથે ખરી જ. લેશ કંટાળો નહિ. ગમે તેવો વ્યવસ્થા પ્રશ્ન આવે પણ સહજતાથી ઉકેલી દે. જેનો વિચાર બીજાને સૂઝ્યો જ ન હોય. ઉતારા વ્યવસ્થામાં અનેક પ્રશ્નો. બધાંને અનુકૂળ વ્યવસ્થા આપવાની અસંભવિત જ હોય. તેમાં પણ તેઓ સૌને રાજી રાખી શકતા. ત્વરિત નિર્ણય લેવાની શક્તિ. જેમાં કાંઈ ફેરફાર જ નહિ એવી દૃઢતા. બધાને પૂછે ખરા, સલાહ લે. પણ બધાય ગૂંચાય ત્યારે પોતે એકદમ મહારાજને સંભારીને ખુલાસો આપી દે કે આમ કરો અથવા આમ જ કરવાનું છે. મહારાજ સારું કરશે એવી હૈયાધારણા આપે એટલે કોઈને શંકા કે ચિંતા જ રહે નહિ.
ભાદરામાં-ગુણાતીત જન્મસ્થાનમાં - મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે સને ૧૯૬૯માં ઉત્સવ માટે પાણીની અસાધારણ મુશ્કેલી હતી. યોગીજી મહારાજના આશીર્વાદથી નદીને સામે કાંઠે ફક્ત એક જ કૂવામાં પાણી રહ્યું હતું. ત્યાંથી પાઇપલાઇન લાવવાની હતી. વચમાં નદીમાં લાઇન નાખવાની ને છેલ્લે ઠેઠ મંદિર સુધી ને ધર્મશાળા સુધી, લગભગ ૫૦૦૦થી વધુ ફીટની આ વ્યવસ્થા બહુ ટૂંકા સમયમાં કરવાની હતી. વૈશાખના તાપમાં ભરબપોરે તેમજ મોડી રાત સુધી મજૂરો સાથે સતત ઊભા રહીને સ્વામીશ્રીએ આ કાર્ય પાર પાડ્યું. જરા પણ આળસ કે કંટાળો નહિ. જાણે પ્રત્યેક ક્ષણે મહારાજ સ્વામીના આ કાર્યમાં સેવાભક્તિ જોતા હોય તેવો મહિમા એમની કાર્યપદ્ધતિમાં દેખાતો હતો. સાથે કર્તાપણાનો ને કાર્યનો લેશ ભાર નહિ. વ્યથા કે ચિંતા નહિ. ધીરજ ને ગંભીરતાથી સતત પ્રવૃત્ત. કોઈ ઉચાટ કે વૃથા અભિવ્યક્તિ નહિ. છતાં અનેકોને એ મૂર્તિમાંથી સતત પ્રેરણા મળતી રહેતી.
૧૯૮૧માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભ પહેલાં અમદાવાદમાં અનામત આંદોલન શરૂ થયેલું. દિવસે દિવસે આંદોલન ઉગ્ર બનતું હતું. પરિસ્થિતિ વધારે વિસ્ફોટક બનતી હતી. ખાસ કરીને સાબરમતી આશ્રમ પાસે જ્યાં ઉત્સવ ઊજવવાનો હતો તે સ્થળ જ ચારે બાજુ તોફાનથી ઘેરાયેલું હતું. એ સંજોગોમાં ઉત્સવ કેમ થશે ? તે પ્રશ્ન સર્વેને સતાવતો હતો. તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પણ ચાલુ ઉત્સવે ભંગ પડે તો ભારે મુશ્કેલી સર્જાય એવાં ચિહ્નો હતાં. તેથી સૌ સ્વામીશ્રી પાસે દોડી ગયા. ઉત્સવ મોકૂફ રાખવાના નિર્ણયોમાં જ સૌ હતા. સ્વામીશ્રી આગળ પરિસ્થિતિ રજૂ કરી. અત્યંત નિરાશા ને લાચારીમાં સૌ એમની પાસેથી જ ઉકેલ શોધતા હતા. આવે સમયે સ્વામીશ્રી તુરત કોઈ નિર્ણય જણાવે નહિ. પહેલાં બધાને પૂછે, બધાનો મત લે. બધાએ જ્યારે સર્વાનુમતે જણાવ્યું કે ઉત્સવને મોકૂફ રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય સૂઝતો જ નથી. ત્યારે તેઓએ અત્યંત શાંત ચિત્તે ટાઢકથી જણાવ્યું કે આપણે ઉત્સવ તો નક્કી કર્યા પ્રમાણે જ ઊજવવો. મહારાજ બધું સારું કરશે. દેશકાળ ઉડાડી દેશે. અને ખરેખર, સૌના આશ્ચર્ય વચ્ચે ઉત્સવ શરૂ થતાં સુધીમાં વાતાવરણ ઘણું કાબૂમાં આવી ગયું. કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ સફળતાથી પાર ઊતર્યું. ત્યારે એમની શ્રીહરિમાં આસ્થા ને અડગતા આપણને જરૂર પ્રતીતિ કરાવે કે આ પુરુષને મહારાજ સાથે અનોખું તાદાત્મ્ય છે.
સને ૧૯૮૫માં ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ પહેલાં પાણીની સખત તંગી અને વિદ્યાર્થી આંદોલન ચાલુ હતું. સમાજના કેટલાક નેતાઓનો અભિપ્રાય હતો કે ઉત્સવ ન કરવો. પણ સ્વામીશ્રીએ મક્કમતાથી જણાવ્યું કે ઉત્સવ તો કરવો જ. મહારાજ, સ્વામી સહાય કરશે. ઉત્સવ શરૂ થતાં પહેલાં જ સારો વરસાદ પડ્યો ને વ્યવસ્થામાં પણ ભારે રાહત થઈ. સૌનાં મન હળવાં થયાં.
એ જ રીતે સને ૧૯૮૭ના કારમા દુષ્કાળમાં મૂંગાં પશુઓની સેવામાં સ્વામીશ્રીએ સંતો તથા યુવાનોને જોડ્યા. 'આ ઠાકોરજીની સેવા છે.' એવો આદેશ ને પ્રેરણા આપી દેશમાં સારામાં સારા કેટલકેમ્પોનું આયોજન જાત-દેખરેખ નીચે કરાવ્યું. અને ઢોરોની ઉત્તમ માવજત કરાવી, જેથી બીજે વર્ષે ખેતમાં કામમાં આવી શકે.
સ્વામીશ્રીની આયોજન અને વ્યવસ્થાશક્તિ અંગે હંમેશાં અચરજ પામતા હજારો યુવાનોમાંથી કેનેડાના નરેશભાઈએ આ વાતનું રહસ્ય સ્વામીશ્રીને પૂછ્યું હતું ત્યારે પોતે સ્વમુખે જણાવ્યું હતું : 'પહેલેથી જ મંદિરના કામકાજમાં નજર રહેતી અને હરિભક્તોને બોલાવવા-ચલાવવાનું અંગ પણ ખરું. સમૈયા-ઉત્સવોમાં હરિભક્તો આવે તેમને ઉતારા આપવા, જમાડવા, તેમજ અન્ય વ્યવસ્થા કરવામાં, આગતા-સ્વાગતામાં ઊભો રહેતો શાસ્ત્રીજી મહારાજને એ બહુ ગમે. યોગીજી મહારાજના વખતમાં વિશેષ થયું. સમૈયાનાં આયોજન થાય તેવા પ્રશ્નો કેવી રીતે ઉકેલવા તે મને પહેલેથી જ અંગ. પાછો તો પડું જ નહિ. એકવાર કામ હાથમાં લીધું તેને કરી છૂટવું તે અંગ. શાસ્ત્રીજી મહારાજની કૃપા, યોગીજી મહારાજની દૃષ્ટિ થઈ ગઈ ને ચાલ્યા કરે છે.'
કદાચ આવું કાર્ય કોઈ કરી-કરાવી શકે, પણ હજારો-લાખો મનુષ્યોનાં મન સાચવીને, સૌને રાજી રાખીને, લેશ પણ હુંકારો જણાવ્યા વગર જે કાર્ય કરવું એની મહત્તા જુદી છે. લાખો મનુષ્યોને પ્રેમથી વશ વર્તાવી, દરેકના મનમેળ સાધી, પરસ્પર પૂર્ણ આદરભાવથી કાર્યભાર ઉપાડવો ને તે પાર પાડવો એ વાત વિરલ છે. સ્વામીશ્રી એવા એક અદ્વિતીય સુકાની છે.
સને ૧૯૮૫માં સ્વામિનારાયણ નગરમાં ભારતના રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ બધું જોઈને સ્વામીશ્રી સાથે મુલાકાતખંડમાં બેઠા ત્યારે બોલી ગયા કે અદ્ભુત આયોજન !
'અમારા સંતો તથા યુવકોએ મળીને આ બધું કર્યું છે !' સ્વામીશ્રીએ શિષ્યો ઉપર આ યશકળશ ઢોળ્યો ત્યારે અધ્યાત્મના અભ્યાસી ને સંતચિંતામણિના પારખુ જ્ઞાની ઝૈલસિંઘ તુરત બોલ્યા કે ગમે તેણે કર્યું હોય પણ તે બધામાં શક્તિનો સંચાર-કરંટ તો આપનો જ છે, નહિ તો આ અસંભવિત છે.
આમ, સ્વામીશ્રીના અલ્પ સંબંધમાં પણ આવું રહસ્ય પામી શકે છે.
એક વાર આ દૃષ્ટિ સાંપડ્યા પછી પાર્થિવ આંખો બંધ કરી, અલખના ઓલિયા તરીકે એમને નિહાળતા ને માણતા કંઈ કંઈ સદ્ગુણોના સાગર એમના અંતરંગ સ્વરૂપમાં ઘૂઘવતા દેખાય છે, સંભળાય છે. અને પરમાત્મા પુરુષોત્તમનારાયણની પ્રસન્નતા પ્રાપ્તિની એકમાત્ર મસ્તીમાં પરિતોષ પામતા સ્વામીશ્રી સદાય પરિતૃપ્ત ને પૂર્ણકામ જણાય છે.
કોઈ ઐહિક ઝંઝાવાતો એમને આંચકા આપતા નથી.
રાગ-દ્વેષ, માન-અપમાનનાં દ્વંદ્વો એમને સ્પર્શી શકતા નથી.
વિષમતા-સમતા ધારી, દિવ્યતાથી એમનાં સમગ્ર તન, મન, ઝળહળે છે.
ત્યારે એમને દિવ્યભાવે અનુસરતા સાધકને ‘योगः कर्मसु कौशलम्'નો માર્ગ આગળને આગળ સૂઝે છે.
એક ગામ હતું. ગામમાં રહેતા હોય એટલે સ્વાભાવિક છે, અંદરોઅંદર ઈર્ષ્યાભાવ તો હોય જ. ઘરમાં, ફળિયામાં કે ગામમાં નાની-મોટી તકરાર થતી જ હોય. એ રીતે બે કુટુંબો વચ્ચે ઘણા વખતથી વેરભાવ ચાલતો હતો.
એક વખત બેય પક્ષના માણસો ગામને ચોરે ભેગા થઈ ગયા. એમાં બોલાચાલી થઈ ને એમાંથી હુંકારા-તુંકારા થયા. પેલો પેલાને ગાળ દે ને પેલો પેલાને. ગાળાગાળી થઈ, બેય ગરાસિયા એટલે તલવારો તો પાસે હોય જ. બેય જણાએ વારાફરતી એકબીજા ઉપર ઘા કર્યા. પોલીસ કેસ થયો. રિપોર્ટ તૈયાર થયો એટલે કોર્ટમાં કેસ દાખલ થયો. કેસ ચાલ્યો. પ્રત્યક્ષ પુરાવાની એમાં જરૂર પડે. સાક્ષી પુરાવામાં ગામના વાણિયા હતા. એ કોર્ટમાં હાજર થયા. જજે એમને કહ્યું : 'કાલે આ બે ઝઘડતા હતા ત્યારે તમે ત્યાં હાજર હતા ?' તો કહે : 'હા, હું હતો.' જજ કહે : 'તમે જે જોયું એની વાત કરો.' વાણિયાએ વિચાર કર્યો કે ગામમાં કાયમ ભેગા રહેવાનું, જો બેમાંથી એકેયનું નામ દઈશ તો પાછળથી આપણો વારો કાઢી નાંખશે. એટલે કહે, 'જુઓ સાહેબ ! બેય જણ પહેલા ભેગા થયા. પછી એમાંથી બોલાચાલી થઈ. ગાળાગાળી થઈ. અને પછી જેવી હબોહબ તલવાર ખેંચાણી એ જ વખતે મારી આંખ મીંચાણી. પછી શું થયું એ મને ખબર ન પડી.'
બુદ્ધિથી પોતાનો બચાવ કરી લીધો. એમ આપણે પણ ભગવાન ભજવા છે તો આવી રીતે માયામાંથી યુક્તિ કરીને નીકળી જવું જોઈએ.
સાધુ ઈશ્વરચરણદાસ
|
|