On 15 August 2016, after presiding over the Independence Day celebrations in New Delhi, Prime Minister of India Hon. Shri Narendra Modi arrived in Sarangpur at 11.55 a.m. to pay homage to HH Pramukh Swami Maharaj. With folded hands and a melancholy face, the PM bowed before the mortal body of Pramukh Swami and offered flowers in obeisance. He also met HH Mahant Swami, the new head of BAPS, and other senior sadhus and expressed his condolences.
Shri Modi performed arti and circumambulations in homage to Pramukh Swami.
Speaking on the occasion, Shri Modi mourned the demise of Pramukh Swami, stating that 'many have lost a Guru but I, a father'. Taking pride in his long-standing association with Pramukh Swami, he said that Swamiji has nurtured and nourished him since the time when nobody knew him in public life. As a fatherly figure, Pramukh Swami would often point out to him his mistakes.
The Prime Minister applauded Pramukh Swami's devotion and his unswerving commitment towards every word that guru Yogiji Maharaj had uttered. He has set before us an example of how a true shishya should be. “Swamiji, he said, “has brought about a reformation not only in the Swaminarayan Sampradaya but among all sadhus. Though he is not physically with us now, but we all feel his presence through his life, teachings and works.”
Shri Modi recalled an incident that occured way back during the Shilanyas Vidhi of Delhi Akshardham. Swamiji insisted that he be present in the holy ritual. Big names in the social and political spheres were in attendance to participate. He was a relatively unknown face at that time. While the puja was in progress, Pramukh Swami called a sadhu and asked him to provide him with some coins saying, “He must not be having any money to offer during the ritual. Shri Modi marveled at Pramukh Swami's oneness with him,  knowing that his pockets would be empty. "Such was his oneness with me", continued Shri Modi. The Prime Minister commended Pramukh Swami’s great life, morality and saintliness.
He concluded his hour-long visit after paying his respects to Pramukh Swami Maharaj and seeking blessings from the new head of BAPS, HH Mahant Swami, for the progress and prosperity of the nation.


આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં ભાવશ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તીર્થધામ સારંગપુર ખાતે પધાર્યા હતા. દિલ્હીમાં લાલકિલ્લા પર ધ્વજવંદન કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રી સીધા જ હવાઈ માર્ગે સારંગપુર આવી પહોંચ્યા હતા. બરાબર 11-55 વાગ્યે તેઓ સારંગપુર પહોંચ્યા હતા. ગુરુમંડપમમાં પ્રમુખસ્વામી મહારાજનો પાર્થિવ દેહ સૌનાં દર્શન માટે વિરાજીત કરવામાં આવ્યો છે. ત્યાં પહોંચીને માનનીય પ્રધાનમંત્રીશ્રી થોડીક ક્ષણો સુધી તેમનાં ચરણોમાં પલાંઠી સાથે બેસીને અશ્રુભીની આંખે વંદન કરતા રહ્યા હતા. વૈદિક શાંતિપાઠના ગાન વચ્ચે પ્રધાનમંત્રીશ્રીએ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખસ્વામી મહારાજની પરિક્રમા કરીને તેઓએ આરતી ઉતારી હતી.
ત્યારબાદ ઉપસ્થિત સમુદાય સમક્ષ સંબોધનની શરૂઆત કરતાં પહેલાં શ્રી નરેન્દ્રભાઈ ભાવુક બનીને શબ્દહીન બની ગયા હતા. કેટલીયે ક્ષણો સુધી માઈક્રોફોન સામે આંખોમાં અશ્રુ સાથે શબ્દહીન રહ્યા પછી, રડી પડતાં તેમણે ત્રૂટક ત્રૂટક સ્વરે જણાવ્યું કે “તમારામાંથી ઘણા બધાએ ગુરુ ગુમાવ્યા હશે, મેં પિતા ગુમાવ્યા છે.” આટલું બોલતાં તેઓ પુનઃ ભાવુક બનીને રડી પડ્યા હતા.
તેમણે થોડીક ક્ષણો સુધી શબ્દહીન રહ્યા બાદ પુનઃ લાગણીભીના અવાજે જણાવ્યું કે “કેટલાં બધાં વર્ષોનો નાતો! જ્યારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી, હરિભક્તો પછી મારી શ્રેણી આવે એટલો સામાન્ય માનવી. ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલવે, પોષે, મઠારે, એવો પિતૃતુલ્ય લાભ મને પ્રમુખસ્વામીજી પાસેથી મળ્યો છે. વિવેકસાગરજી અને મારા લોહીના સંબંધો રહ્યા છે. પણ કદાચ, વિવેકસાગરજીને મળ્યો હશે તેના કરતાં વધારે પ્રેમ મેં પ્રમુખસ્વામી મહારાજ પાસેથી પ્રાપ્ત કર્યો હશે. પ્રસંગોની ભરમાર છે.' સામાન્ય રીતે સંતપરંપરામાં ગુરુ શિષ્ય બનાવે એ ક્રમ સદીઓથી ચાલતો આવ્યો છે. પણ પ્રમુખસ્વામીજીએ માત્ર શિષ્ય બનાવવા પૂરતી વાત સીમિત ન રાખી. એમણે આધુનિક ભારતને અનુરૂપ સંતપરંપરા, સાંસ્કૃતિક વિરાસત, એને ઇન્સ્ટિટ્યૂશનલાઈઝ કરવાનું એક મોટું કામ કર્યું છે. સમગ્ર સંતજગતમાં, માત્ર સાંપ્રત સમયના સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ સમગ્ર સંતજગતમાં રિફોર્મની દિશામાં એમણે પ્રયાસ કર્યા છે. બહુ વર્ષો પહેલાં સંતોના શિક્ષણવર્ગો ચાલે છે. અહીંયાં તો સંતોના શિક્ષણનું મોટું ધામ બની ગયું છે. શરૂઆતમાં એ શાહિબાગમાં શરૂ થયું. તો મને આશ્ચર્ય થતું કે પ્રમુખસ્વામીજીનો સંદેશો આવે કે ફલાણા વિષય ઉપર તમારે બોલવા આવવાનું છે. મને આશ્ચર્ય થાય કે સંતોને આ વિષય સાથે શું લેવા-દેવા? પણ એમને કહ્યું ના, સંત અલિપ્ત છે. પણ લિપ્ત થયા વગર પણ એમણે સમાજને સાચી દિશામાં લઈ જવો હોય તો સમાજની સ્થિતિનું પૂરેપુરું જ્ઞાન હોવું જોઈએ. આ ચિંતા-ચિંતન એ દિશામાં લઈ જાય છે. પૂજ્ય યોગીજી મહારાજ ગયા અને આપણે બધાએ પ્રમુખસ્વામીજીને ગુરુ તરીકે જોયા છે. એક સાચા ગુરુ કેવા હોય એની આપણે અનુભૂતિ કરી છે. પણ યોગીજી મહારાજના સંદર્ભમાં જોઈએ ત્યારે વિચાર આવે કે શિષ્ય કેવા હોવા જોઈએ, તે પ્રમુખસ્વામી મહારાજે સમજાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પૂરવાર થયા છે. આપ કલ્પના કરો કે યોગીજી મહારાજ યમુનાને કિનારે જાય અને વાતવાતમાં એમ કહી દે કે આપણે અહીંયાં કંઈક કરવું જોઈએ. એ વાત પછી યોગીજી મહારાજ તો સ્વધામ જતા રહ્યા. વર્ષો વીતી ગયા પણ ગુરુએ કહેલું એક વાક્ય અને એ પણ કોઈ કેબિનેટમાં નિર્ણય કર્યો એમ નહીં, અમસ્તા જ. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજની એ ઇચ્છા યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી. એવા એક ઉત્તમ શિષ્ય પ્રમુખસ્વામીજીને હું ડગલે ને પગલે જોતો હતો.
તમારામાંથી ઘણાને જાણીને આજે અચરજ થશે. મારા ભાષણ શરૂ થયા, હું જાહેરજીવનમાં આવ્યો, મુખ્યમંત્રી બન્યો, ત્યારે પ્રમુખસ્વામીજીને ટાઈમ મળે, પ્રવાસમાં હોય તો મારી પાસે ભાષણની વીડિયો મંગાવે. મને એમ થાય કદાચ સમય પસાર કરવા માટે, કદાચ કંઈક જાણવા માટે, મંગાવતા હશે અને જોતા હશે. પણ બે-ત્રણ દિવસ પછી એમનો ફોન આવે કે 'ભાઈ, આ શબ્દો તારે ન બોલાય. તારે હજુ આગળ ઘણાં કામ કરવાનાં છે. તું આવી ભૂલ કરે છે!' આટલું બોલતાં શ્રી નરેન્દ્રભાઈ પુનઃ રડી પડ્યા હતા.
ભાવુક સ્વરે તેમણે જણાવ્યું, 'કદાચ કોઈ અખબારે પણ ધ્યાન નહીં દોર્યું હોય, કે મારા રાજનીતિક વડાએ પણ ધ્યાન નહીં દોર્યું હોય, પ્રમુખસ્વામીએ મારું ધ્યાન દોર્યું છે. એક વાર નહીં, આવી ઘટનાઓ ડઝન વખત બની હતી. એનો અર્થ એ કે વ્યક્તિના જીવનને ઘડવા માટે કેટલું તાદાત્મ્ય હશે! એનો હું અનુભવ કરતો હતો.'
આટલું કહ્યા પછી શ્રી નરેન્દ્રભાઈએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના કેટલાક અવિસ્મરણીય સ્વાનુભવો વર્ણવ્યા હતા. સન 2000માં નવી દિલ્હી ખાતે પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામનો શિલાન્યાસ કર્યો તે પ્રસંગની સ્મૃતિ કરતાં તેમણે કહ્યું, 'ઘણીવાર આપણને એમ લાગે કે આટલાં બધાં કામમાં સંતને મારી શું ખબર હોય? દિલ્હી અક્ષરધામના શિલાન્યાસની વિધિ હતી. બધા મોટા મોટા લોકો ત્યાં હતા. પ્રમુખસ્વામીનો આગ્રહ હતો કે તારે આવવું. અને પૂજાવિધિમાં બેસવું. મેં કહ્યું, 'બધા મોટા મોટા લોકો છે. મને ક્યાં તમે આમાં બોલાવો છે. હું તો એક સેવક તરીકે ગયો હતો. પણ પ્રમુખસ્વામીજી કહે, મારે તો તને શિલાન્યાસ વિધિમાં બેસાડવાનો જ છે. એ વખતે જે લોકો હાજર હશે તેમને યાદ હશે કે સમાજજીવનના મોટા મોટા લોકો ત્યાં બેઠા હતા. એમાં એક ખૂણામાં હું પણ હતો. એટલામાં બ્રહ્મવિહારી સ્વામી દોડતા આવ્યા. એમણે મને થોડાક પૈસા આપ્યા. મારા માટે આશ્ચર્ય હતું. એમણે કહ્યું, પ્રમુખસ્વામીએ કહ્યું છે કે આના (નરેન્દ્રભાઈ મોદીના) ખિસ્સામાં કશું નહીં હોય. પૂજામાં દાનમાં મૂકવા માટે એમની પાસે કંઈ નહીં હોય. આ પૈસા તું એની પાસે મૂકી આવ.' એ પ્રસંગની સ્મૃતિ કરતાં જ પુનઃ નરેન્દ્રભાઈ અશ્રુભીના બની ગયા હતા. થોડીક ક્ષણો અટકીને તેમણે કહ્યું,  'અને એક્ચુયલી મારા ખિસ્સામાં કંઈ નહીં હોય, એ પ્રમુખસ્વામીજીને ખબર હતી! કેટલી એકાત્મતા!
1992માં શ્રીનગરના લાલચોકમાં હું ત્રિરંગો ઝંડો ફરકાવવા ગયો. 26 જાન્યુઆરી હતી. દેશભરમાં ઉચાટ હતો - શું થશે? હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલિફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખસ્વામીજીનો. બીજો ફોન મારી માતાનો. ધ્વજવંદન, શ્રીનગર, આંતકવાદ અને એક સંત. પ્રમુખસ્વામીજીનો પહેલો પ્રશ્ન હતો, 'ભાઈ, ભગવાન સ્વામિનારાયણ બધું જ સારું કરશે. તું સહીસલામત આવી ગયો?' હજુ તો હું શ્રીનગરના એરપોર્ટ પર હતો. એ દિવસે તો આટલી ટેક્નોલોજી પણ નહોતી કે ખબર પડે કે કેટલે પહોંચ્યા! પણ એક જાગ્રત સંત, એક જાગતિક સંત હતા પ્રમુખસ્વામી મહારાજ! એમની પ્રત્યેક બાબતો અને નાતો પણ એવો હતો.
બે વર્ષ પહેલાં હું મુખ્યમંત્રી હતો ત્યારે ઈશ્વરચરણ સ્વામી કે બ્રહ્મવિહારી સ્વામી કોઈનો ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કહ્યું કે હું પ્રવાસમાં છું. બાપાની તબિયત ઢીલીઢાલી રહેતી હતી. એટલે મને જરા ચિંતા થઈ. મેં કહ્યું, શું કામ હતું? મને કહે, તમે અહીંયા આવો તો તાત્કાલિક આવી જાઓ. સ્વામીબાપા જમતા નથી. જમવાનું છોડી દીધું છે. અમે બધા સમજાવવામાં નિષ્ફળ ગયા છીએ. અને તમે જો આવશો તો દીકરાની વાત બાપ કદી ટાળશે નહીં. મેં કહ્યું, હું પહોંચી તો નહીં શકું, હું પ્રવાસે છું. પણ મને બાપા સાથે ફોન પર વાત કરાવો. બાપા જોડે ફોન પર મેં વિનંતી કરીઃ બાપા, આ દીકરો તમને કહે છે. આપ અન્ન ન છોડો. અન્ન શરૂ કરો. અને આટલા મોટા સંત! અને બીજી બાજુ મારા જેવો એક સામાન્ય માનવી! પણ એમણે કોઈ દલીલ નહીં કરી. એમના શબ્દો આ હતા: 'ભલે ભાઈ, તું ખુશ રહેજે.' અને પછી મેં એકાદ કલાક પછી ફોન કર્યો ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે બાપાએ ભોજન શરૂ કર્યું છે! આ નીકટતા મેં અનુભવી છે.'
પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય અને દિવ્ય કાર્યોની વિશેષ અનુભૂતિ વ્યક્ત કરતાં શ્રી વડાપ્રધાને જણાવ્યું હતું : 'પ્રમુખસ્વામી મહારાજ ભવ્યતાની બાબતમાં જરાય પણ કોમ્પ્રોમાઈઝ ન કરે. સૌની વ્યવસ્થામાં એમને કંઈ પણ ઓછું ન ખપે. પણ પોતે નિષ્કામ કર્મયોગી. સંપૂર્ણ અલિપ્ત. પોતે દિવ્યતાને સમર્પિત. પણ વ્યવસ્થા ભવ્યતાને અનુરૂપ. દિવ્યતા અને ભવ્યતાનો આ સુમેળ એક અદભુત દિવ્ય જીવનની અનુભૂતિ કરાવે છે. અને જે મેં અત્યંત નિકટ સાથી તરીકે બધું જોયું છે. હજુ તો થોડા દિવસ પહેલાં જ બાપા સાથે મેં ફોન પર વાત કરી. શબ્દો સ્પષ્ટ નહોતા નીકળતા. પરંતુ હું બોલું એવી ઇચ્છા સાથે એ બરાબર ધ્યાનથી ફોન મૂકતા નહોતા. કંઈક કહેવા માંગતા હશે, પણ બહુ બોલી શકતા નહોતા. હું કંઈક કહું તો સાંભળીને સંતોષ થાય એવું હતું. મેં પણ ખાસ્સી લાંબી વાત કરી. આજે તેની સ્મૃતિ થાય છે. આજે પરમ પૂજ્ય બાપા આપણી પાસે નથી. પણ એમણે જે મહાન પરંપરા ઊભી કરી છે એ વ્યક્તિ આધારે નથી કરી, વ્યવસ્થા આધારિત કરી છે. એમણે  ઇન્સ્ટિટ્યૂશનલાઈઝ કર્યું છે. ઉત્તમ કોટિની સંતપરંપરા, શિક્ષિત સંતપરંપરા, સમર્પિત સંતપરંપરા, અનુશાસનનું શત પ્રતિશત પાલન કરે એવી પરંપરા. અને કઠોર પ્રશિક્ષણ. આ બધી જ બાબતમાં પ્રમુખસ્વામી મહારાજે અનેક મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. અબ્દુલ કલામ એમ લખતા હોય કે મેં જે દેશનું 2020નું જે વિઝન બનાવ્યું છે એ વિઝનમાં કોઈ એક વ્યક્તિની અમીટ છાયા હોય તો એ પ્રમુખસ્વામીની છે. યાને ભારતના 2020ના વિઝનમાં પણ અબ્દુલ કલામની વિચાર પ્રક્રિયાને તેજસ્વી, ઓજસ્વી બનાવવામાં પ્રમુખસ્વામીની છાયાની અનુભૂતિ થાય. અનગિનત અનુભવો છે.
પ્રમુખસ્વામી સંત તો હતા જ, પણ એક ઉત્તમ લોકસંગ્રાહક પણ હતા. એ સંત હતા સાથે સાથે એ પારખુ પણ હતા. અને જ્યારે સમગ્ર આ પરંપરામાં વિવાદોએ માઝા મૂકી હતી કે ગૃહસ્થી શું કરે? અને સંત શું કરે? ત્યારે પ્રમુખસ્વામીએ સંઘર્ષનો માર્ગ ન અપનાવ્યો. સંતશક્તિને પોતાની રીતે એમણે પુલકિત થવાનું વાતાવરણ બનાવ્યું. એ વિવાદ લગભગ સમેટાઈ ગયો. અને સંતગણ આજે સમગ્ર વિશ્વમાં એક માર્ગદર્શક સંપૂટ બની ગયો. આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંતકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચેથી વિદાય થયું છે. એમનું શરીર આપણી પાસે હોય કે ન હોય, હવે એ રૂબરૂમાં આપણને કંઈક કહે કે ન કહે, પરંતુ હું નથી માનતો કે આપણામાંથી કોઈ એમની ગેરહાજરી અનુભવશે. ક્યારેય એમની ગેરહાજરી અનુભવાશે નહીં. ગમે તેટલા બારી-બારણા બંધ કર્યાં હોય પણ હવાની અનુભૂતિ તો હોય જ છે. એમ પ્રમુખસ્વામીજી સ્વધામમાં હોય તો પણ એમના આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંયમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસે શ્વાસમાં હરપળ રહેશે. અને એને આગળ ધપાવવાની જવાબદારી આપણા સૌની છે. આજે પંદર ઓગસ્ટ અંત્યત પવિત્ર પળ. મારું સૌભાગ્ય છે કે હું આપની વચ્ચે આવી શક્યો. પૂજ્ય બાપાનાં અંતિમ દર્શન કરી શક્યો. આપ સૌ સંતોના સાંનિધ્યમાં કેટલાક પળ વિતવવાનો મને અવસર મળ્યો. પૂજ્ય બાપાનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. એમનો આત્મા સદાસર્વદા આપણને માર્ગદર્શન આપતો રહેશે, શક્તિ આપતો રહેશે.'
પ્રમુખસ્વામીજીને અંજલિ અર્પણ કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઈએ, પ્રમુખસ્વામીજીના અનુગામી મહંત સ્વામીજીને વ્યક્તિગત મળીને રાષ્ટ્રની સુરક્ષા અને પ્રગતિ માટે આશીર્વાદની ઝંખના કરી હતી. લગભગ એક કલાક કરતાં વધુ સમય વીતાવીને તેમણે પુનઃ દિલ્હી જવા વિદાય લીધી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS