• Site Map
  • Contact Us
  • Home

Essays Archives

20મી સદીના પૂર્વાર્ધમાં અમદાવાદ અને ગુજરાતના એક કેળવણીકાર તરીકે અને અમદાવાદમાં માધ્યમિક શિક્ષણના ગંગોત્રી શિખર તરીકે ખૂબ આદરપૂર્વક લેવાતું એક નામ.
એકવડું શરીર, માથે ટોપી, મોટે ભાગે શ્વેત ઝભ્ભો અને ધોતિયું, ૠતુ પ્રમાણે ઉપર લાંબો કોટ, મૃદુ છતાં મક્કમ સ્પષ્ટ અવાજ, અતિશય કોમળ હૃદય અને અંતર્મુખ વ્યક્તિત્વ.
સન 1888માં ફેબ્રુઆરીની 18મીએ અમદાવાદમાં રાયપુરમાં તેમનો જન્મ. તેમના પિતાશ્રી શિવપ્રસાદ રેલવેમાં અધિકારી હતા. વિનાયકરાય તેમના જ્યેષ્ઠ પુત્ર. તેઓનું કુળ ‘ૠષિકુળ’ના નામથી જાણીતું હતું. હંમેશાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવું, નિત્ય પૂજા-પાઠ કરવા, સાદું જીવન જીવવું એ એમનો અને એમના કુળનો મુદ્રાલેખ. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતામહી અને માતુશ્રીની છત્રછાયામાં ઊછર્યા. ગળથૂથીમાંથી જ હૃદયની વિશાળતા, સરળતા અને ઉત્તમ લક્ષણો તેમનામાં સહજતાથી સિંચાઈ ગયાં હતાં. ગુજરાત કૉલેજમાં વિખ્યાત વિદ્વાન આનંદ-શંકર ધ્રુવના પ્રિય વિદ્યાર્થી તરીકે તેમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પ્રભુત્વ મેળવ્યું હતું. 1910માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા બાદ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને ત્યારબાદ નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું.
એ સમયે અમદાવાદની વસ્તી દોઢ-બે લાખની. અંગ્રેજી રાજ્ય પૂરબહારમાં ખીલ્યું હતું, છતાં કેળવણી માટે યોગ્ય સુવિધાઓ નહોતી. વળી, કન્યાઓ માટે તો ભાગ્યે જ કોઈ વિચારતું હતું. એ અરસામાં સન 1912માં ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ભારતીય ધ્વજને ફરકાવવાની વિદ્યાર્થીઓની માંગણીને સત્તાધીશોએ ઠુકરાવી, ત્યારે શહેરના કેટલાક અગ્રણીઓના મનમાં રાષ્ટ્રીય ભાવના સાથે ખાનગી શાળા શરૂ કરવાની ઝંખના જાગી.
એ જ ઝંખના સાથે સન 1914માં, પોતાની નબળી આર્થિક સ્થિતિમાં પણ, અનેક મુશ્કેલીઓનો સામનો કરીને માધ્યમિક શાળા શરૂ કરી વિનાયકભાઈએ. સન 1915માં તેમણે મગનભાઈ કરમચંદની હવેલીમાં વિખ્યાત લેખક અને વિદ્વાન શ્રી આનંદશંકર ધ્રુવ તેમજ રમણભાઈ નીલકંઠના હસ્તે ટ્યુટોરિયલ હાઈસ્કૂલની શરૂઆત કરી. વિનાયકભાઈની પ્રતિભાને કારણે પહેલા જ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 1,000 કરતાં વધી ગઈ. પછી તો તેમણે એક પછી એક શાળાઓ પણ શરૂ કરી. ભરૂચમાં પણ તેમણે એક શાળા સંચાલિત કરી. કન્યાઓ માટે પણ તેમણે અલગ માધ્યમિક શાળાની શરૂઆત કરી. અમદાવાદમાં ખાનગી શાળાઓની સ્થાપના કરીને કેળવણી, સંસ્કાર અને ચારિત્ર્ય શુદ્ધિનું અમૃતપાન કરાવનાર વિનાયકરાયની ખ્યાતિ  ટૂંક સમયમાં જ એક શ્રેષ્ઠ કેળવણીકાર તરીકે સર્વત્ર પ્રસરી ગઈ હતી.
તેમની નીચે શિક્ષક તરીકેની તાલીમ પામેલા કેટલાય શિક્ષકોએ પોતાની આગવી શાળાઓ ખોલી અને તેમાંથી તેઓ પ્રતિભાસંપન્ન બન્યા. એ દરેકને વિનાયકભાઈ વિશાળ હૃદયે પ્રોત્સાહન, મદદ અને માર્ગદર્શન આપે. એમને કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે ઈર્ષ્યા નહીં. આર્થિક દૃષ્ટિએ સદ્ધર નહોતા, છતાં બીજાને ઉપર લાવવા ગુપ્તદાન અને સખાવત કરવી એ એમનો સહજ ક્રમ હતો.
ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પરનું એમનું પ્રભુત્વ અદ્વિતીય હતું. આથી વિદ્યાર્થીઓ પણ સર્વાંગ વ્યક્તિત્વ વિકસાવે એ માટે તેઓ કટિબદ્ધ હતા. વિદ્યાર્થીઓની ક્ષમતાને સતત મહોરાવવાનું એમને વ્યસન. વિદ્યાર્થીને આગળ વધતાં જોઈને સાહેબ ગદગદ થઈ જાય. લાખો વિદ્યાર્થીઓના તેઓ સાચા અર્થમાં સંસ્કારદાતા બન્યા હતા. એટલે જ એમની ટ્યુટોરિયલ હાઈસ્કૂલ ઉચ્ચ શિક્ષણ માટે મશહૂર હતી. વિનાયકભાઈએ તેમાં પોતાનો પ્રાણ રેડ્યો હતો. કેવી હતી એમની છબિ ? વિનાયકભાઈની સાથે રહીને વર્ષો સુધી શિક્ષણ સેવા કરનાર ખેંગારજીભાઈ ચૌહાણ તેની એક શબ્દછબિ રજૂ કરતાં લખે છે : ‘સાહેબ શાળાનો સમય પતી ગયા પછી સાંજના મોડે સુધી શાળાના પ્રાંગણમાં ખુરશી ઉપર બેસી વિદ્યાર્થીઓનાં લખાણો, નિબંધની નોટબુકો ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક તપાસે, તેમાં સરસ મજાનાં સૂચનો લખે અને તેમની ભાષા સુધારે. ઉત્તમ કક્ષાના વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવી તેમને મેટ્રિક યુનિવર્સિટીની પરીક્ષા માટેની તૈયારી પોતે જાતે ખાસ શિક્ષણ આપી કરાવે, એમ તેમને પ્રોત્સાહિત કરે. આવા તેમના વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના અપ્રતિમ રસથી તૈયાર થયેલા ઘણાય વિદ્યાર્થીઓમાં, મુંબઈ યુનિવર્સિટીમાં આખાય મુંબઈ ઇલાકામાં અંગ્રેજીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી, મુંબઈની હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી નોમનભાઈ મિયાંભાઈ સાહેબનું નામ અહીં ટાંકતાં આનંદ થાય છે. તેમ જ શ્રી કે. જે. શાહનું નામ પણ મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં પ્રથમ આવી આ શાળાનું નામ રોશન કરનારા જ્વલંત વિદ્યાર્થી તરીકે આપી શકાય. સેન્ટરમાં પ્રથમ આવનાર અંગ્રેજીના પ્રૅફેસર તથા એક ક્રિશ્ચિયન કૉલેજના પ્રિન્સિપાલ તરીકે નામાંકિત થયેલ શ્રી સિરિલ ઠાકોરનું નામ પણ ગણતરીમાં લઈ શકાય. સેન્ટરમાં પહેલા પાંચ કે દસમાં આવનાર વિદ્યાર્થીઓની નામાવલિ ખૂબ લાંબી બની જાય તેવી છે.’ ક્યારેક લોકોએ તેમને બસ સ્ટેન્ડ ઉપર બેસીને વિદ્યાર્થીઓની નોટ તપાસતા જોયા છે. નિષ્ઠા ને પ્રામાણિકતા એમના રોમરોમમાં વસેલી સુવાસ હતી.
આ હતું એમના જીવનનું એક પાસું. અને બીજું પાસું હતું - એમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ. શ્રી વિનાયકરાય સાહેબના પરિચયમાં આવનાર કોઈપણ તેમના અપાર દુર્લભ ગુણોની સુમધુર ફોરમથી અવશ્ય પ્રભાવિત થાય જ. સમયપાલનની બાબતમાં નિયમિત અને ચોક્કસ, મીઠે અને મરચે મોળી એવી ભાત અને કોદરીની રસોઈનું સાદું ભોજન, મિતભાષી અને અંતર્મુખ વ્યક્તિત્વ, તેમના વ્યક્તિત્વમાં એક પરમ ભક્તનું સૌને દર્શન થતું. રોજ સાયંકાળે હાટકેશના મંદિરમાં ધ્યાનાવસ્થામાં ઊભા રહી શિવસ્તુતિ કરતા એમને જોઈને કોઈને પણ એમની ૠષિતુલ્ય પ્રકૃતિ હૈયે વસી જતી.
એવામાં એમના જીવનમાં એક વળાંક આવ્યો.
1932નું વર્ષ હતું. અવિરત વિચરણ કરતાં કરતાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રઢુ પધાર્યા હતા. આ પ્રસંગે વિનાયકભાઈની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ખેંગારજીભાઈ ચૌહાણ તેમને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરાવવા સાથે લઈને રઢુ આવ્યા હતા. કારણ એટલું જ હતું કે કેટલાય માસથી તેઓ નિદ્રાના અભાવથી પીડાતા હતા. આથી ખેંગારજીભાઈએ અનિદ્રાની આ અતિ પીડાદાયક મુશ્કેલીમાંથી મુક્ત થવા વિનાયકરાયને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેવાની વિનંતી કરી હતી.
સંતો-હરિભક્તોની સભા વચ્ચે ખેંગારજીભાઈએ વિનાયક સાહેબનો પરિચય કરાવતાં શાસ્ત્રીજી મહારાજને કહ્યું : ‘સાહેબ છેલ્લા કેટલાય માસથી નિદ્રાના અભાવથી શક્તિહીન થઈ ગયા છે તો આપ કાંઈક કૃપાદૃષ્ટિ કરો.’
તેમની આ વાત સાંભળી શાસ્ત્રીજી મહારાજે મંદ મંદ સ્મિત કરતાં કહ્યું : ‘નિદ્રા તો અમારી ગાદીતળે ઘણીય છે. માટે વર્તમાન ધરાવી સત્સંગી થાય અને વચનામૃત વાંચવાનો અભ્યાસ રાખે, તો નિદ્રા તો આજે આવે.’
નાગર કુળમાં જન્મેલા અને વેદાંતનું જ્ઞાન ધરાવતા વિનાયકભાઈ ઉપર શાસ્ત્રીજી મહારાજની બ્રહ્મસ્થિતિનો અદ્ભુત પ્રભાવ પડ્યો. છતાં તેમને એ વાતે ખૂબ આશ્ચર્ય થયું કે નિષ્ણાત ડૉક્ટરોએ અસાધ્ય જાહેર કરેલા આ રોગને સ્વામીશ્રી આટલી સરળ રીતે મટાડી શકશે ! તેમણે તરત જ વર્તમાન ધરાવ્યાં, કંઠી પહેરી અને વચનામૃતનું પુસ્તક લીધું. પોતાના આસને જઈ તેમના સહાયકને કહ્યું : ‘આ વચનામૃતમાંથી તમે વાંચો અને હું સૂતો સૂતો સાંભળું.’
તેમના સહાયકે વચનામૃત વાંચવાની શરૂઆત કરી. ત્રણ વચનામૃત વાંચ્યાં ત્યાં તો વિનાયકરાય ઘસઘસાટ ઊંઘવા લાગ્યા ! બરાબર આઠ કલાકે વિનાયકરાય જાગ્યા ! આઠ-દસ મહિનાની ભયંકર અનિદ્રા પછી તેમને એકદમ શાંતિ થઈ ગઈ ! ‘સ્વામીશ્રીના આશીર્વાદનું જ આ ફળ છે’, એ પ્રતીતિ સાથે તેઓ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ભક્તિભાવના અંતરંગ રંગથી સંપૂર્ણ રંગાઈ ગયા.
વર્ષો પછી આ અદ્વિતીય અનુભવને લખતાં વિનાયકભાઈએ શાસ્ત્રીજી મહારાજના અપૂર્વ પ્રભાવને આમ વર્ણવ્યો છે : ‘શ્રીજીસ્વરૂપ પરમ પૂજ્ય સદગુરુ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજીના પરમ પાવનકારી પરમ કલ્યાણકારી સમાગમમાં હું આશરે અઢાર વર્ષ ઉપર આવ્યો. તે વખતે મને લગભગ છ મહિના સુધી ઊંઘ આવે નહીં અને ચિત્ત વ્યગ્ર રહે. આ ભયંકર રોગ પરમ પૂજ્ય સ્વામીશ્રીની કૃપાથી અને તેમના વચનથી મટી ગયો અને મને તેઓશ્રીએ જીવિતદાન આપ્યું. જીવિતદાન આપવા ઉપરાંત તેમણે મને પોતાનો આશ્રિત કર્યો. ત્યારથી તેમના પરમ હિતકર સમાગમ અને સેવાનો લાભ મને મળતો રહ્યો છે. અનેક સમૈયા, ઉત્સવો, પારાયણો, કથાવાર્તાઓમાં દક્ષિણમાં નાસિકથી ઉત્તરમાં કરાચી સુધી અનેક સ્થળોમાં જ્યાં જ્યાં તેઓશ્રીએ મનુષ્યોના કલ્યાણ માટે અથાગ વિચરણ કર્યું છે, ત્યાં ત્યાં તેમના અલભ્ય અને અમૂલ્ય સમાગમનો બને તેટલો લાભ લેવાનો મેં પ્રયત્ન કર્યો છે, અને તેમની અદ્ભુત લીલા અને તેમનાં અનેક આશ્ચર્યના પ્રત્યક્ષ અનુભવોનો લાભ લીધો છે. પરમ પૂજ્ય અનાદિ અક્ષરમૂર્તિ સ્વામીશ્રી ગુણાતીતાનંદજીએ તેમની વાતોમાં કહ્યું છે કે બધાં શાસ્ત્રોનો સાર સંતનો સમાગમ છે. આપણાં મોટાં ભાગ્ય છે અને અનેક જન્મનાં પુણ્યનું ફળ છે કે સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ પ્રગટ સંત સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજનાં દર્શન, સમાગમ, સેવાની આપણને પ્રાપ્તિ થઈ છે.’(‘પ્રકાશ’, 1950 એપ્રિલ, પૃષ્ઠ 177)

© 1999-2017 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback RSS