Essays Archives

સડતાલીશની સાલના ઉપરોક્ત પ્રસંગ પછી અડતાલીસની સાલમાં મારે મેટ્રિકનો અભ્યાસ કરવા વડોદરે રહેવાનું હતું ને સ્વામીજી પણ તે જ વર્ષે વડોદરે ભણવા પધાર્યા ને રંગાચાર્ય નામે મધ્વ સંપ્રદાયના એક દ્રાવિડી શાસ્ત્રી પાસે તે પોતે, સચ્ચિદાનંદ, માયાતીતાનંદ બ્રહ્મચારી તથા કૃષ્ણપ્રિયદાસ એ ચાર જણના અભ્યાસ માટે તેમને વરતાલ તરફથી મોકલ્યા હતા. તે સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ કરાવતા. આ શાસ્ત્રી દરરોજ સવારે નવ-દશ વાગે બધાને ભણાવવા મંદિરે આવતા.
જોકે તે વખતે મારી અવસ્થા તો સત્તર-અઢાર વર્ષની હતી; સત્સંગનો ઝાઝો પ્રસંગ ન હતો તથા પૂરી સમજણ પણ નહોતી. અંગ્રેજી અભ્યાસ કરું એટલે વડોદરે રહેવાનું થાય. ત્યાં વીશીમાં જમવું પડે. મંદિરથી દૂર શહેરમાં રહેવાનું હોય, કોઈ સાધુ પાસે બેસી સત્સંગની વાત કરી સમજ પાડે નહીં. બાકી બ્રાહ્મણ એટલે બ્રહ્મચારીનો સહવાસ વધારે થાય; કોઈ કોઈ વખત ત્યાં ખાવાપીવાનું ને જમવાનું બ્રહ્મચારી તરફથી આમંત્રણ મળે. વળી, છાશ, અથાણું પણ વખતોવખત આપે અને તેઓ દેવના પૂજારી એટલે નિવૃત્તિ લાવી વચનામૃત કે શાસ્ત્રોની સમજ ક્યાંકથી લાવી આપણને સમજ પાડે ! આ અનિવાર્ય પ્રસંગોને લઈને સત્સંગ એ શી વસ્તુ છે, તે તેનો કેવો ને કેટલો મહિમા છે તે કોણ બતાવે !
પરંતુ પૂર્વના પુણ્યના પ્રસંગે સત્સંગી ને સારા કુટુંબમાં જન્મ થયેલો, જેથી સંસ્કાર ને મુમુક્ષુપણું મૂળથી જ શરીરમાં વર્તતું હોવાના અંગે કયા વચનામૃતમાં અમુક વાત છે તે જાણવાની જિજ્ઞાસા હતી. તેથી સ્વામીજી ડભોઈ રહ્યા તે દરમ્યાન આવી કેટલીક વાતો વચનામૃતની પૂછતાં તેઓ રફતે રફતે પ્રસંગો કાઢી બતાવતા, તેથી સ્વામીજી સાથે હેત તો અસાધારણ થયું ને સ્વામીજીએ પણ વૃત્તિ દ્વારે ઈંડાં સેવાય તેમ મારા ઉપર પૂર્ણ રાજીપો ને અંતરનો આશીર્વાદ ઉતાર્યો. જેથી દરરોજ સાંજની આરતીના પ્રસંગથી મને તેમનાં દર્શન તથા ઉપદેશનો લાભ મળતો. આ દરમ્યાન તેઓશ્રીએ ભગતજી મહારાજનો સંપૂર્ણ જીવનપ્રસંગ કહી બતાવ્યો. 
મારી સાથે મારા એક મિત્ર કારવણ ગામના મણિશંકર પાઠક નામે હતા ને તે રોજ મંદિરમાં દર્શન કરવા આવતા. તેમને પણ સ્વામીજીએ પોતાની દૃષ્ટિમાં લીધા ને તેમને પણ ભગતજી મહારાજની સ્થિતિ સુધીનું એટલે સંવત 1920 સુધીનું જીવનચરિત્ર કહ્યું, અને ભગતજીના મહિમાની વાતો કરી અને ભગતજીનું જીવનચરિત્ર સ્વામીજીએ તેમને પણ કહી બતાવ્યું. એટલું જ નહીં, પણ તેને ઝીણા અક્ષરે ને પાતળા કાગળો ઉપર વીસની સાલમાં ભગતજીને સ્વામીએ સ્થિતિ કરાવેલી, ત્યાં સુધીનું તેને કૃપા કરીને દરરોજ વાંચવા સમજવા લાવી આપ્યું. તે કાગળો તેમણે મને વંચાવતાં મને ઘણો જ હર્ષ ઊપજ્યો ને મેં પણ ગુપ્તપણે તે ઉતારી લીધું, તેમજ મારે એક પ્રસંગે ઠાસરે જવાનું થયેલું, ને ત્યાંના કેટલાક વણિક વિદ્યાર્થીઓ સત્સંગીના છોકરાઓ મારી સાથે વડોદરે ભણતા તેઓ ભેગા થવાથી તેમને આપતાં તેમણે પણ ગુપ્તપણે રાતમાં ઉતારી મને પાછું આપ્યું, પણ તેમણે ઉતારી લીધાની મને તુર્ત ખબર પડી નહીં. મણિશંકરને સ્વામીજીએ કહેલું કે આ કાગળો કોઈને આપશો નહીં. પરંતુ સ્નેહભાવથી તેમણે આપ્યા તે મેં લખી લીધું તેમજ ઠાસરાવાળાએ લખી લીધું.
ઓગણપચાસની સાલમાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં મૂર્તિઓ પધરાવી મોટો મહોત્સવ કર્યો, તે વખતે ભગતજી આવવાના હોવાથી શાસ્ત્રીજીએ અમને ખબર આપતાં અમે ગઢપુર ગયા.
સંવત 1949(સન 1893)ના ફાગણ માસની હુતાશની ઉપર ગઢપુરમાં શ્રીજીમહારાજના અગ્નિસંસ્કાર કરેલા તે સ્થાને સુંદર જે મંદિર કરેલું, તેમાં આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ તે મંદિરમાં મૂર્તિઓ પધરાવવાના હોવાથી દેશોદેશ તેની કંકોત્રીઓ મોકલેલી હોવાથી લાખો લોકો ભેગા થયેલા. તે વખતે ભગતજી મહારાજ પણ પધારેલા હતા. લક્ષ્મીવાડીમાં મોટી ચંદની તળે એક ભવ્ય સુશોભિત સભા ભરાઈને બેઠી હતી. આચાર્યશ્રી પણ પાટ ઉપર વિરાજમાન હતા, અને પાસે નીચે ભગતજી પણ બેઠેલા હતા. મહારાજશ્રી ભગતજીનો અપૂર્વ મહિમા જાણતા હતા કે તેઓ મૂળ અક્ષર સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી થકી સિદ્ધદશાને પામેલા છે. જેથી આચાર્યશ્રીએ ભગતજીને પૂછ્યું કે તમે અંતર્દૃષ્ટિથી જુઓ કે આ પ્રસંગે શ્રીજીમહારાજની કેવી મરજી છે ? ભગતજીએ તેઓશ્રીને કહ્યું કે ‘અહીં તમારી ને મારી વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર અક્ષરધામમાં વિરાજમાન શ્રીજીમહારાજ અને મારી વચ્ચે છે અને શ્રીજીમહારાજ તમારા ઉપર ઘણા રાજી છે, માટે સુખેથી મૂર્તિઓ પધરાવો, તેમાં કોઈ જાતનું વિઘ્ન પડશે નહીં.’ અને બન્યું પણ તેમજ કે લાખો મનુષ્યોની મેદનીમાં કોઈને કંઈ પણ વિઘ્ન કે નુકસાન થયું નહીં.
ગઢડામાં શાસ્ત્રીજી મહારાજે મને જૂનાગઢના મોટા મોટા સાધુઓ જેવા કે યોગેશ્વરદાસજી, બાળમુકુંદદાસજી, મહાપુરુષદાસજી, આત્માનંદ બ્રહ્મચારી, જાગા ભગત સ્વામી વગેરે પાસે લઈ જઈને ભગતજી સ્વામી ગુણાતીતાનંદજીની મન-કર્મ-વચને સેવા અનુવૃત્તિ સાચવી સિદ્ધ દશા પામેલા તેવા મહિમાના પ્રસંગો કહેવરાવ્યા, જેથી બહુ જ આનંદ આવ્યો ને ભગતજી વિષે પૂર્ણ નિષ્ઠા ને હેત થયું. એ પ્રમાણે મણિશંકરને પણ થયું. પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે વડોદરા વડતાળના ત્યાગીઓ બળી ઊઠ્યા ને એક નિરન્નમુક્ત કરીને સાધુ હતો તેની પાસે મણિશંકરને ધક્કા મરાવ્યા, ગાળો દીધી, અપમાન કરાવ્યું, તે વાત હું વડોદરે રજાઓ પૂરી થયે ભણવા ગયો ત્યારે મને મણિશંકરે બધી વાત કહી; તે ઉપરથી મેં પૂજ્ય કોઠારી ગોવર્ધનભાઈ ઉપર એક પત્ર લખ્યો કે આવા સાધુ લોકોના વર્તનથી કોઈ નવો સત્સંગી થયો હોય તે પાછો પડી જાય, તે પત્ર વાંચી કોઠારીશ્રી તથા આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે સદર સાધુને ઠપકો સખત રીતે આપી પોતાની સેવાને રજૂ કરી તહેનાતથી તેને દૂર કર્યો.
આ સમૈયો આઠેક દિવસે પૂરો થતાં અમે સૌ પણ ઘેર આવ્યા. તે પછીના વૈશાખ માસમાં વેકેશનની રજા પડતાં ગોવિંદભાઈ માસ્તર વગેરે મહુવા ગયા અને ત્યાં વાર્તાપ્રસંગે ભગતજીને સ્વામીજીએ લખેલું જીવનચરિત્ર એક પ્રસંગે વાંચી બતાવ્યું જે સાંભળી તેઓ ઘણા જ રાજી રાજી થઈ ગયા અને સ્વામીજીની તીવ્ર સ્મરણશક્તિનાં અદ્‌ભુત રીતે વખાણ કરી આશીર્વાદ આપ્યા કે ‘આ જીવનચરિત્ર જે કોઈ વાંચશે કે સાંભળશે તેટલાથી જ તેના અર્ધા કામાદિક દોષો તો નાશ પામશે.’
વિદ્યાર્થી અવસ્થામાં જ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઉલ્લાસરામભાઈ પર પાડેલો આ અપ્રતિમ પ્રભાવ જીવનભર સચવાઈ રહ્યો. તેઓ વડતાલના અગ્રગણ્ય ભક્ત-પરિવારમાંના એક હોવા છતાં, શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું ત્યારે તેમણે પણ વડતાલ છોડ્યું. શાસ્ત્રીજી મહારાજના અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનમાં ઉલ્લાસરામભાઈએ પણ ઝંપલાવ્યું. શિર સાટે અક્ષરપુરુષોત્તમનો પક્ષ રાખવામાં તેમણે માથું હોડમાં મૂક્યું. શિક્ષક તરીકેની તેમની નોકરી અને ટૂંકી આવક, છતાં જ્યાં જ્યાં તેમની બદલી થઈ ત્યાં ત્યાં અક્ષર અને પુરુષોત્તમના મહિમાગાનમાં કોઈની શેહમાં દબાયા નહીં.
ઉલ્લાસરામભાઈનું એ આગવું અંગ સ્વામિનારાયણ પ્રકાશના આરંભ સાથે વધુ ખીલી ઊઠ્યું. સન 1938માં શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી અમદાવાદથી સ્વામિનારાયણ પ્રકાશનું પ્રકાશન શરૂ થયું ત્યારે તેના પ્રારંભયુગના જ વિદ્વાન લેખકોમાંના એક હતા ઉલ્લાસરામભાઈ. શાસ્ત્રીજી મહારાજે બે પાતળા કાગળમાં લખી આપેલ ભગતજી મહારાજના જીવનચરિત્રમાંથી પ્રેરણા લઈને ઉલ્લાસરામભાઈએ ભગતજી મહારાજના જીવનચરિત્રની એક સુંદર લેખમાળા વાચકો સમક્ષ મૂકી હતી. જેમાં તેમણે નજરે જોયેલા ભગતજીના પ્રભાવની તેમજ શાસ્ત્રીજી મહારાજના મુખેથી અસંખ્ય વખત સાંભળેલા ભગતજીના અનુભવોની અદ્‌ભુત રજૂઆતો હતી. ભક્તરાજ હર્ષદરાય દવેએ એ રજૂઆતોને ભગતજી મહારાજના વિસ્તૃત જીવનચરિત્રમાં ખૂબીપૂર્વક ગૂંથી લીધી છે.
‘શુદ્ધ ઉપાસના’ વિષયક ઉલ્લાસરામભાઈએ લખેલી લેખમાળા પણ સતત દસ વર્ષો સુધી સ્વામિનારાયણ પ્રકાશને અલંકૃત કરતી રહી હતી. આજે એ લેખો બી.એ.પી.એસ.ના ઉપાસના-જ્ઞાનના પાયાના અભિલેખો બની રહ્યા છે. વળી, ઉલ્લાસરામભાઈના સંશોધનપૂર્ણ લેખોમાં કેટલીક અદ્‌ભુત ઐતિહાસિક વિગતોનો ખજાનો મળી રહેતો. જેમકે સંપ્રદાયમાં પુસ્તકોના પ્રકાશનની પ્રવૃત્તિનો પ્રારંભ કેવી રીતે થયો ? અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેના મૂળમાં હતા. તેમની પ્રેરણાથી સંપ્રદાયમાં સર્વપ્રથમ વખત ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતનો ગ્રંથ મુદ્રિત થયો હતો. તેની વિગતો આપતાં ઉલ્લાસરામભાઈ લખે છે :
‘મૂળ અક્ષરમૂર્તિ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત તરીકે લગભગ ચાળીસ વર્ષ ઉપરાંત રહ્યા હતા. તે વખતે એક દિવસે અર્ધરાત્રે તેઓ ધર્મશાળામાં પોતાના આસનેથી ઊઠી ચોકમાં આવી ઊભા રહ્યા; સામેના ખોરડામાં સ્વામી જાગાભક્ત બેઠાં બેઠાં માળા ફેરવતા હતા. સ્વામીને ઊભેલા જોઈ જાગાભક્ત સ્વામી ચોકમાં આવ્યા. સ્વામી આકાશ સામે જોઈ રહ્યા હતા, તે સમયે આકાશમાંથી ખરર... ખરર તારાઓ ખરવા લાગ્યા. તેવા અસંખ્ય તારાઓ ખર્યા, પણ બસે પાંચસોનો નિરધાર રહ્યો નહીં. તે જોઈ સ્વામી જાગાભક્તે ગુણાતીતાનંદ સ્વામીને હાથ જોડી પૂછ્યું કે ‘હે સ્વામિન્‌ ! આ શું ચમત્કાર થયો ?’ એટલે સ્વામી બોલ્યા કે ‘આ બધા મુમુક્ષુ જીવો ગુજરાતમાં જન્મ લેશે, ને તેમને વચનામૃતનું જ્ઞાન આપવું છે. એમ કહી સ્વામીએ વલ્લભજી કુબેરદાસ નામના અમદાવાદના વૈશ્ય જે સ્વામીનો સમાગમ કરવા ચાર-પાંચ વર્ષથી આવતા હતા અને તેઓ પુસ્તકો છપાવી વેચી તેમાંથી પોતાની આજીવિકા ચલાવતા હતા, તેમને કહ્યું કે તમે વચનામૃતનું પુસ્તક છપાવો તો તેથી ગુજરાતમાં શ્રીજીના શુદ્ધ સ્વરૂપ જ્ઞાનનો બહોળો ફેલાવો થાય. એ પ્રમાણે સ્વામીની આજ્ઞા થયા પછી તેણે તથા મનસુખરામ મૂળજી, હરગોવિંદ ઉમેદરાવ વગેરે અમદાવાદના કેટલાક સત્સંગી ગૃહસ્થો મારફતે સંપ્રદાયનાં પુસ્તકો છપાવવાનું કામ હાથ ધર્યું.’ (સ્વામિનારાયણ પ્રકાશ, ઑક્ટોબર, 1946, પૃષ્ઠ 147)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS