Essays Archives

ભગવાન શ્રીકૃષ્ણ ફરી અર્જુનને દેહ-આત્માની ભિન્નતા સમજાવતાં કહે છે

'अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्‌ युद्ध्यस्व भारत॥'

અર્થાત્‌ હે અર્જુન! અવિનાશી, અપ્રમેય અને નિત્યસ્વરૂપ એવા આત્માનાં આ શરીરો તો નાશવંત કહેવાયાં છે, માટે તું યુધ્ધ કર. (ગીતા ૨/૧૮)
અહીં એક વિનાશી છે જ્યારે બીજો અવિનાશી છે, એમ દેહ અને આત્માના ગુણધર્મને આગળ કરીને બંનેની જુદાઈ સમજાવી છે. હવે આત્માના સ્વરૂપ અંગે જે વિશેષ સમજ આપી છે તે જોઈએ.

આત્માનું સ્વરૂપ - न जायते म्रियते वा

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

'न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥'

અર્થાત્‌ આ આત્મા ક્યારેય પણ જન્મતો નથી કે મરતો પણ નથી. તેમ જ ઉત્પન્ન થઈને ફરીથી અસ્તિત્વમાં આવતો હોય તેમ પણ નથી. કારણ કે આ આત્મા તો અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે અને શરીર હણાવા છતાં હણાતો નથી. (ગીતા ૨-૨૦)
કઠ ઉપનિષદમાં ગુંજતું આત્મજ્ઞાન જ જાણે અહીં પડઘાયું છે એમ લાગ્યા વિના રહેતું નથી. કઠ ઉપનિષદના શબ્દો આ પ્રમાણે છે.

'न जायते म्रियते वा विपश्र्चिन्नायं कुतश्र्चिन्न बभूव कश्र्चित्‌।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥'
(કઠ ઉપનિષદ વલ્લી ૨, મંત્ર ૧૮)

વળી, હે અર્જુન! આ આત્માનું સ્વરૂપ કેવું છે, તો

'नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥'

અર્થાત્‌ આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી. આને અગ્નિ બાળી શકતો નથી. આને પાણી પલાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. (ગીતા ૨/૨૩) કારણ કે,

'अत्व्छेद्योऽयम्‌ अदाह्योऽयम्‌ अक्लेद्योऽशोष्य एव च।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः॥'

આ આત્મા તો નિશ્ચે અચ્છેદ્ય કહેતાં છેદી ન શકાય એવો છે. અદાહ્ય કહેતાં બાળી ન શકાય એવો છે. અક્લેદ્ય કહેતાં પલાળી ન શકાય એવો છે. વળી, આ આત્મા નિત્ય, પોતાના અધિષ્ઠાન એવા શરીરમાં સર્વત્ર જ્ઞાનશક્તિએ વ્યાપી રહ્યો છે. અચળ છે, સ્થિર છે તેમજ સનાતન છે. (ગીતા ૨/૨૪)

'अव्यक्तोऽयम्‌ अचिन्त्योऽयम्‌ अविकार्योऽयम्‌ उत्व्यते।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि॥'

આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને અવિકારી કહેવાય છે. તેથી આ આત્માને આ રીતે જાણીને તારે શોક કરવો ઉચિત નથી. (ગીતા ૨/૨૫) વળી

'अविनाशि तु तद्‌ विद्धि येन सर्वमिदं ततम्‌।
विनाशमव्ययस्यास्य न कश्र्चित्‌ कर्तुमर्हति॥'

અર્થાત્‌ તે આત્માને તું અવિનાશી જાણ, જેના વડે આ આખુંય શરીર વ્યાપ્ત છે કહેતાં જે જ્ઞાનશક્તિ દ્વારા સમગ્ર શરીરમાં તે વ્યાપીને રહે છે. (ગીતા ૨/૧૭)
આ વ્યાપકતાને લીધે જ તો આ દેહમાં ચેતનતા જેવું લાગ્યા કરે છે. અગ્નિથી તપ્ત લોખંડના ગોળામાં લાલાશ કે ઉષ્ણતા વગેરેનો અનુભવ થાય છે. પણ તે લાલાશ કે ઉષ્ણતા તેની નથી તે આપણે જાણીએ છીએ. એ ગોળામાંથી જો અગ્નિ ચાલ્યો જાય તો બધું બદલાઈ જાય. આત્મા આવો પ્રભાવશાળી છે.
આમ, નશ્વરતા અને શાશ્વતતા દ્વારા દેહ-આત્માની વિક્તિ દર્શાવીને ભગવદ્ ગીતાઆપણને આપણા સાચા સ્વરૂપનું ભાન કરાવે છે.
એક બોધકથા દ્વારા આપણા સંતો આ સિદ્ધાંતને જનસમાજમાં દૃઢાવતા રહ્યા છે.
એક સિંહનું બચ્ચું હતું. નાનપણમાં જ કોઈ કારણવશ તે પોતાનાં મા-બાપથી વિખૂટું પડી ગયું. તે એક વિશાળ ઘેટાનાં ટોળામાં જઈ ચડ્યું. ઘેટાંના માલિકે તેને ઘેટાઓનાં ટોળાં ભેગું ભેળવી દીધું. લિંડિયો એવું તેનું નામ પાડવામાં આવ્યું. હવે આ લિંડિયાનો ઉછેર તે ઘેટાંઓની સાથે જ થવા લાગ્યો. તે જ્યાં જુએ ત્યાં તેની ચારે બાજુએ ઘેટાં જ દેખાય. ધીમે ધીમે તેને ઘેટાં સાથે સુવાણ થવા લાગી. ઘેટાંઓએ પણ આ બચ્ચાંને પોતાની સાથે સમાવી લીધું. પછી તો ઘેટાં રમે ત્યારે આને પણ સાથે રમવા બોલાવે. જમે ત્યારે સાથે જમવા બોલાવે. બધાં ઘેટાંઓએ ભેગાં થઈને આ લિંડિયાને પોતાની જેમ નાચતાં-ગાતાં પણ શિખવાડી દીધું. તેને ત્યાં મજા પડી ગઈ. પછી તો લિંડિયાની રીત-રસમ સંપૂર્ણપણે ઘેટાં જેવી જ થઈ ગઈ. પોતે સિંહ છે તે સાવ વીસરાઈ ગયું. ઘેટાંઓની ભાષા જ લિંડિયાની માતૃભાષા બની ગઈ. મોટી ત્રાડ પાડી આખા ઇલાકાને ધ્રુજાવવાની વાત તો એક બાજુ પર રહી પણ હવે તો આ લિંડિયો સિંહની ત્રાડ સાંભળે ને તેના સાથી ઘેટાંઓની જેમ ધ્રૂજવા લાગતો. ભયભીત થઈ બચવા સંતાઈ જતો. તે હવે સંપૂર્ણપણે પોતાને એક ઘેટાં તરીકે જ માનતો થઈ ગયો હતો.
આમ ને આમ દિવસો વીતતા જતા હતા. એટલામાં કોઈ એક કેસરી સિંહ નિર્ભીકતાથી વિચરતો ત્યાં આવી ચડ્યો. એણે આ ઘેટાંઓનું ટોળું જોયું. તેમાં વળી પોતાની જ જાતના એક કેસરી બાળને તે ઘેટાંઓ ભેગો જોઈ તેને આશ્ચર્ય થયું. પરંતુ તે બાળસિંહમાં ન તો વનરાજ જેવો પ્રભાવ હતો, ન તો તેની ચાલમાં મૃગરાજની ખુમારી હતી! બલ્કિ વનગર્જનાના વૈભવને સ્થાને લાચારી અને ભય વરતાઈ રહ્યાં હતાં. આ જોઈ પેલા કેસરી સિંહને તરત જ ખ્યાલ આવી ગયો કે આત્મવિસ્મૃતિનું જ આ પરિણામ છે. તેણે આ પોતાની જ જાતના કેસરી બાળને આત્મસ્મરણ કરાવવા નિશ્ચય કર્યો. તેણે આ બાળવનરાજને પાછો લાવવા ઘેટાંનાં ટોળાં બાજુડગ માંડ્યાં. ત્યાં તો બધાં ઘેટાંઓએ દોટ મૂકી. ભેગો લિંડિયો પણ દોડવા લાગ્યો. પરંતુ તેને પેલા સિંહે પકડ્યો. બધાં ઘેટાંઓને થયું આજે લિંડિયાનું મોત નિશ્ચિત. લિંડિયાને પણ થયું કે હવે આ મને ફાડી ખાશે. પરંતુ સિંહે તેને ફાડી ખાવાને બદલે સમજ આપવા માંડી. તેણે કહ્યું, 'અરે બેટા! તું પણ મારા જેવો સિંહ છે. આપણે તો જંગલના રાજા કહેવાઈએ.' આટલું કહેતાં સિંહ લિંડિયાને બાજુમાં જ આવેલાં તળાવ કાંઠે લઈ ગયો. તેના સ્થિર જળમાં લિંડિયાને તેના અસલી ચહેરાનું દર્શન કરાવ્યું. પોતે પણ તેની બાજુમાં જ ઊભો રહ્યો. લિંડિયાએ બંનેની એકરૂપતા જોઈ. લિંડિયો સમજી ગયો. તેની ભ્રાંતિ ટળી ગઈ. સાચી સમજણનું દૈવત તેના વરતાવમાં દેખાવા લાગ્યું. પળવારમાં તેના બોલવા-ચાલવામાં બદલાવ આવવા લાગ્યો. એટલામાં બાજુમાં ઊભેલા સિંહે મોટી ગર્જના કરી દેખાડી અને આને પણ તેમ કરવા કહ્યું. તેણે તેમ કર્યું. પોતાની એક ત્રાડમાત્રે આખુંય જંગલ ધ્રૂજી ઊઠતું તેણે જોયું. બસ, હવે તે લિંડિયો મટી ગયો. આત્મસ્વરૂપનું ભાન થઈ ગયું. મૃગરાજ બની ગયો. પછી તો એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં... એવું થઈ ગયું.
આપણું પણ એ લિંડિયા જેવું થયું છે. આ શરીરમાં આપણો આત્મા આવ્યો. દેહ-ઇન્દ્રિયો-અંતઃકરણ વગેરેરૂપી ઘેટાંઓના ટોળામાં ભળ્યો અને તેના જેવો પોતાને માનવા લાગ્યો. પોતાનું અસલી સ્વરૂપ વીસરાઈ ગયું ને દેહાત્મબુદ્ધિની વિપરીત ભાવનાથી ભ્રાંત થઈ ગયો.  
પછી તો પોતાની જેમ બીજામાં પણ દેહદૃષ્ટિએ જ જોવા લાગ્યો.
અહીં અર્જુનને એવું થઈ ગયું. દેહદૃષ્ટિએ જોવા માંડ્યું એટલે બધાં સંબંધી દેખાવા લાગ્યાં ને ખરે ટાણે મોહે ભરડો લીધો. પરિણામે શોક આવીને ઊભો રહ્યો.
તેથી અર્જુનને આ બધું કહેવાનો શ્રીકૃષ્ણનો મૂળ હેતુ તો 'नानुशोचितुमर्हसि' જ છે. આત્મજ્ઞાન યથાર્થ પામ્યો હોય તેને દેહભાવમાંથી જન્મેલા શોકમાત્ર ટળી જાય. અર્જુન જો આત્મવિચારને પામશે તો તેને ઘણી રાહત અનુભવાશે એમ શ્રીકૃષ્ણની ગણતરી છે. તેથી વિવિધ દૃષ્ટાંતો અને યુક્તિઓ દ્વારા તેમણે આત્મસ્વરૂપના પ્રકાશને પાથરતું સાંખ્યજ્ઞાન ઉપદેશ્યું.
પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાન પણ વારંવાર પોતાના ઉપદેશોમાં આ દેહ-આત્માની વિક્તિને સરસ રીતે સમજાવતા અને આત્મજ્ઞાનને દૃઢાવતા રહ્યા છે. એકવાર સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ 'પોતાના આત્માનો વિચાર કેમ કરવો?' એમ વચનામૃતમાં શ્રીજીમહારાજ સમક્ષ જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે તેના ઉત્તરમાં શ્રીસ્વામિનારાયણ ભગવાને જે કહ્યું તેમાં ગીતામાં કહેલા સાંખ્યજ્ઞાનનો સાર ઘૂંટાયો છે. શ્રીજીમહારાજે કહ્યું, 'દ્રષ્ટા ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે, દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશય જુદાં જ છે. એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિષે માનવા જ નહીં. અને અચ્છેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહીં, એ ગુણ તો આત્માને વિષે સમજવા.'(વચનામૃત સારંગપુર પ્રકરણ ૧૨)
વળી, જે આ રીતે પોતાના આત્માનો વિચાર નથી કરતો તેને શ્રીહરિએ ઠપકો પણ આપ્યો છે. જેમ કે વચનામૃતમાં કહ્યું - 'આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે...એને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે.' (વચનામૃત ગઢળા પ્રથમ પ્રકરણ ૨૦)
આમ આત્મા-અનાત્માની ભિન્નતાનો ઉદ્‌ઘોષ કરી આપણાં શાસ્ત્રો સમગ્ર માનવજાતને દુઃખના દરિયા ઓળંગી સુખના પ્રશાંત પ્રદેશોમાં લઈ જવાની બાંયધરી આપી રહ્યાં છે. ભગવદ્‌ગીતામાં આ ઉદ્‌ઘોષ એની ઉત્કૃષ્ટ બુલંદી સાથે ગુંજી રહ્યો છે. તેમાંય વળી પૂર્વજન્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત તો આપણા જીવનની ક્ષિતિજોને સમયના અતિવિશાળ ફલક પર વિસ્તારી દે છે.
આપણે આનંદિત થઈ ગૌરવ લેવું જોઈએ કે દેહ-આત્માની અત્યંત ભિન્નતાનું આ સ્પષ્ટ વિજ્ઞાન દુનિયાને આપણા ભારતવર્ષે આપ્યું છે. પૂર્વજન્મ અને પુનર્જન્મ જેવાં અતિ આશ્ચર્યમય વિજ્ઞાનોની ભેટ પણ દુનિયાને સૌપ્રથમ ભારતવર્ષે જ ધરી છે. ભગવદ્ ગીતાઆનો પણ પ્રત્યક્ષ પુરાવો છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS