 |
હું રોજ તમારા માટે માળા કરું છું...
|
અમેરિકા ખાતે એડિસનમાં સંસ્થા દ્વારા ઉજવાયેલો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ખૂબ જ રંગેચંગે પૂર્ણ થયા પછી પણ હરિભક્તોની શ્રદ્ધાને કોઈ વિસામો જડતો નહોતો. દક્ષિણ-પૂર્વનાં સાત રાજ્યોના બનેલા રિજિયનની ઝોનલ સભામાં, હરિભક્તોએ સ્વામીશ્રીને વિનંતી કરી : 'બાપા ! અમારે આપની ૭૫મી જયંતી એ વિસ્તારમાં ઊજવવી છે. ત્યાં 'વેધર' સારી હોય છે.' 'અત્યારે તો આખા વિશ્વમાં વેધર બદલાતી રહે છે. આપણે સત્સંગની વેધર સારી રાખવી. કથાવાર્તા, ધર્મનિયમ બરાબર રાખવા. ઓર્લાન્ડોમાં, શાર્લોટમાં આપણે મંદિર કરવાં છે...' સ્વામીશ્રીએ વાતને બીજે રસ્તે વાળી. પણ હરિભક્તોએ પોતાનો પ્રસ્તાવ ચાલુ રાખ્યો એટલે તેમને અટકાવતાં સ્વામીશ્રી કહે, 'હમણાં રેસ્ટ કરો. હું પણ વૉિકગ કર્યા પછી ૧૦ મિનિટ રેસ્ટ કરું છું. માટે પછી વિચારીશું...' પછી કહ્યું, 'પ્રાર્થના કરીએ કે જે જે નોકરી-ધંધો છોડીને આવ્યા છે, ભગવાન એ બધાનું સાચવે. હું પૂજામાં રોજ તમારી માળા કરું છું, પ્રાર્થના કરું છું. તમે બધાએ નોકરી-ધંધાનો વિચાર કર્યો નથી. જેમ હનુમાનજીને લંકા મોકલ્યા પણ વિચાર કર્યા વગર ઉપડ્યા. રામનો આદેશ ઝીલી લીધો. એમ તમે બધાએ કૂદકો જ માર્યો છે. મોટલ ને બીજા બધા ધંધા ડાઉન છે છતાં વિચાર જ કર્યો નથી. ભગવાન બધું સારું કરશે...' સ્વામીશ્રીએ પોતાના માનેલા હરિભક્તોની ચિંતા આ રીતે વ્યક્ત કરતાં અંતરના આશિષ વરસાવ્યા. અને બીજો કોઈ સંકલ્પ ન કરતાં બધા નોકરી-ધંધામાં થાળે પડી જાય એ વ્યથા દૂર કરવા જ આદેશ આપ્યો.
|
|
|
|