 |
અક્ષરધામના ગાર્ડ
|
૬.૨૫ વાગ્યે સ્વામીશ્રી પ્રાતર્ભ્રમણ માટે બહાર પધાર્યા. બિકગહામ પૅલેસના ગાર્ડનો પહેરવેશ પહેરેલા બે બાળકો તિલક લલિત પટેલ (એક્ટન) સ્વામીશ્રી પાસે આવ્યા. તેઓને જોઈને સ્વામીશ્રી ચાલતા અટકી ગયા. 'ઓ...હો... ક્યાંથી આવ્યા?' માથે હાથ મૂકતાં સ્વામીશ્રીએ બંનેને પ્રશ્ન પૂછ્યો. સહજભાવે તિલક કહેઃ 'બિકગહામ પેલેસથી.' સ્વામીશ્રીએ તરત જ કહ્યું: 'આપણે તો અક્ષરધામથી આવ્યા છીએ એમ કહેવું. આપણે તો અક્ષરધામના ગાર્ડ છીએ.' સ્વામીશ્રીની સંસ્કાર આપવાની રીત અનોખી છે. જય કહેઃ 'મારે એક પ્રશ્ન પૂછવો છે.' 'પૂછને...' કહેતાં બંનેનાં માથે હાથ રાખીને સ્વામીશ્રી આગળ ચાલ્યા. જય કહેઃ 'આજે અમે આપના ગાર્ડ થયા તો તમે અમારા અક્ષરધામના ગાર્ડ થશો ને?' સ્વામીશ્રી કહેઃ 'હા... હા... કેમ નહિ? તમે બધા ભક્તિ કરો, નિયમ પાળો, મંદિરે આવો, સભા કરો' બાળકો તો માત્ર પ્રતીક હતાં. સ્વામીશ્રી અસંખ્ય લોકોના જીવનના માળી બન્યા છે. સતત સૌની રક્ષા કરતા જ રહે છે. (૨૪-૪-૨૦૦૪, લંડન)
|
|
|
|