 |
કળિયુગમાં સતયુગ!
|
સ્વામીશ્રીની મુલાકાતે એક યુવક પોતાના પિતાશ્રીને લઈને આવ્યો. એના કપાળ ઉપર તિલક-ચાંદલો હતો. સ્વામીશ્રીને દંડવત્ કરીને ચરણસ્પર્શ કરીને એ બેઠો. સ્વામીશ્રીને જોતાં જ રડતાં રડતાં એ બોલ્યોઃ 'બાપા! અમારા પિતાજીનું કંઈક કરો.' 'શું છે તારા પિતાજીને?' તે કહેઃ 'દારૂ ને માંસ લે છે.' સ્વામીશ્રી થોડા ટટ્ટાર થયા. લંબાવેલા પગની અડધી પલાંઠીવાળી એના પિતાજીને કહેઃ 'સાંભળો, આ તમારા દીકરાને. આ જમાનામાં આવો દીકરો કોઈને મળે? તમારે એને સુધારવાનો હોય, એની જગ્યાએ ભગવાન એનામાં પ્રેરણા કરીને તમને કહે છે. માંસ વગેરે ખાધા વિના કરોડો લોકો જીવે છે, કેમ ન જિવાય? નક્કી કરો. આ છોકરામાં મહારાજે જ પ્રવેશ કર્યો છે. એમ માનો.' સ્વામીશ્રી સમજાવતા હતા એ દરમ્યાન આ યુવાન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. સત્સંગનો આ પ્રતાપ છે. વિદેશની ભૂમિ ઉપર આવાં દર્શન સત્સંગસમાજ સિવાય મળવા અત્યંત દુર્લભ છે. અહીં સત્સંગને પ્રતાપે અવળી ગંગા વહે છે. સ્વામીશ્રીનું આ જ સુવર્ણ પૃષ્ઠ છે. પેલા ભાઈ પીગળ્યા અને હવેથી દારૂ-માંસ ન લેવાનો નિયમ લીધો. સ્વામીશ્રીએ કહ્યું: 'આ નિયમ હવે જીવનના અંત સુધી પાળજો. અને નિયમ પાળવાનું બળ મળે એટલા માટે મંદિરે આવજો અને સંત-સમાગમ કરતા રહેજો.' (તા. ૩-૫-૨૦૦૪, સોમવાર, લંડન)
|
|
|
|