સને ૧૯૭૮માં વિદેશયાત્રા સંપન્ન કરીને મુંબઈ પધારેલા પ્રમુખસ્વામી મહારાજને વધાવવા સૌ આબાલવૃદ્ધ હરિભક્તો સંધ્યાસભામાં વિવિધ કાર્યક્રમો કરતા હતા. એક દિવસ મુંબઈના યુવકમંડળ દ્વારા સ્વામીશ્રીના સાંનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે માટે હૉલ ભાડે રાખવામાં આવેલો. આ પ્રસંગે પ્રકાશિત થનાર સોવેનિયરમાં આર્થિક સેવા કરનાર દાતાઓને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું હતું. તેઓને ખાસ પ્રવેશપત્ર પણ વહેંચવામાં આવેલા. નિર્ધારિત દિવસે નિયત સમયે કાર્યક્રમ શરૂ થયો. સ્વામીશ્રી પણ પધાર્યા હતા. મોટા ભાગનો હૉલ હરિભક્તોથી ભરાઈ ગયો હતો. તેઓને ગુરુહરિનાં નિકટથી દર્શન કરવાની તાલાવેલી હતી, તેથી સૌ વહેલા આવી ગોઠવાઈ ગયા હતા.
અંદર બેસવાની જગ્યા ન હોવાથી પ્રવેશપત્રવાળા દાતાઓને બહાર ઊભા રહેવું પડ્યું હતું. પ્રવેશપત્ર હોવા છતાં બહાર રહેવું પડ્યું તેને કારણે તે સૌ અકળાયા. થોડીવારમાં વાતાવરણ તંગ બની ગયું. હૉલનો મૅનેજર ભાંગફોડની શક્યતા જોઈ ગભરાયો. આ પરિસ્થિતિ સર્જાતા યુવકો મુઝાયા. તેઓએ સ્વામીશ્રીને સઘળી વિગત જણાવી. બધું સાંભળી સ્વામીશ્રી બોલ્યા : 'તમે ચિંતા ન કરો. હું બહાર આવું છું.' આટલું કહેતાં સ્વામીશ્રી ઊભા થયા ને બહાર પધાર્યા. અકળાયેલા ટોળાનો ઉશ્કેરાટ ઘણો વધી ગયો હતો. તે સૌ સમક્ષ સ્વામીશ્રી ઊભા રહ્યા ને કહેવા લાગ્યા : 'આપ સૌએ સેવા કરી છે છતાં ગેરસમજને કારણે હરિભક્તો સૌ અંદર બેસી ગયા છે ને તમારે બહાર રહેવું પડ્યું છે તો હું તમારી માફી માંગું છું. આ અમારી ભૂલ છે. અમે તમારા માટે બીજો કાર્યક્રમ કરીશું ને તમને સૌને લાભ અપાવીશું. આ સમયે તમે બધા ઉદારદિલ રાખી અમને માફ કરશો તે વિનંતી છે.'
ગંગાના નિર્મળ પ્રવાહ જેવાં આ વાક્યોએ જાદુ કર્યો. સૌ શાંત થઈ ગયા. ધૂંવાંપૂંવાં થતો હૉલનો મૅનેજર તો સ્વામીશ્રીનાં દર્શન કરતાં સાવ જ ઠરી ગયો. પરદેશથી થયેલ આગમન નિમિત્તે આયોજિત પોતાની સન્માનસભાના અવસરે જ, નાના યુવકોની ભૂલને પોતાને શિરે ધરીને માફી માંગતાં આ ગુરુ તે સૌને વિરલ લાગ્યા! વર્ષોથી સ્વામીશ્રીનાં દર્શન કરતા આયોજક યુવકોને પણ પોતાના ગુરુ આ અવસરે વિશિષ્ટ લાગી રહ્યા હતા! જેને સૌ હાથ જોડે તે આપણા માટે હાથ જોડતાં સંકોચાતા નથી! આ વિચારતાં સૌ ગદ્ગદ થઈ ગયા.
કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો. સ્વામીશ્રી મંદિરે આવ્યા. સૌ કાર્યકર યુવકોએ સ્વામીશ્રીને કહ્યું : 'સ્વામી! અમને ક્ષોભ થાય છે કે અમારી ભૂલને લીધે આપને માફી માંગવી પડી.'
સ્વામીશ્રી સહજતાથી બોલ્યા : 'તમે સત્સંગની સેવા કરો છો તે અમારે પણ આટલું તો કરવું જોઈએ ને!' ઠપકાની વાત જ નહીં, પણ ઉપકાર હેઠળ દાટી દેવાની પણ મુરાદ સ્વામીશ્રીના શબ્દોમાં નહોતી. સહજતાથી સ્વામીશ્રીએ બીજાની ભૂલ પોતાને શિરે ચડાવી દીધી
|